નવરાત્રીમાં જૂનાગઢના 400 વર્ષ જુના આ મંદિરમાં માતાજી પૂરે છે પરચા, 151 દીવાઓ અખંડ પ્રજ્વલિત રખાય છે

Temple of Hiragiri Mataji: શારદીય નવરાત્રી પર્વનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને માઈભક્તો માની આરાધનામાં તલ્લીન થવા માટે પૂરેપૂરા તૈયાર છે. ઘણાં લોકો આ દિવસોમાં માતાજીના મંદિરે (Temple of Hiragiri Mataji) દર્શન હેતુ જતા હોય છે, ત્યારે એક એવા મંદિર વિશે અમે તમને જણાવીશું કે જે માત્ર નવરાત્રીના દિવસો દરમિયાન જ ખુલતું હોય છે.

મંદિરનો ઇતિહાસ
જૂનાગઢના માંગનાથ મંદિરના પરિસરમાં આ ધામ આવેલું છે. તેનું નામ હિરાગર શક્તિપીઠ છે. હિરાગર માતાજીની શક્તિપીઠ 600 વર્ષ જૂની માનવામાં આવે છે. માતાજી મૂળ ઉત્તર ભારતથી જૂનાગઢના પીપળી ગામે આવ્યા હતા અને ત્યાં વસવાટ કર્યો હતો. માંગા ભટ્ટને માતા હીરાગરમાં અલૌકિક દર્શન થતા તેણે માતાજીને અહીં રહેવાનું કહેતા માતાજી અહીં રોકાઈ ગયા હતા.

માતાજીએ અહીં અનેક પરચા પૂર્યા
માતાજીએ અહીં અનેક પરચા પૂર્યા હોવાનું માનવામાં આવે છે. એક વખત તેઓ પીપળી ગામે ગાયો ચરાવતા હતા ત્યારે સલ્તનતના એક સુબાની નજર માતાજી પર પડી અને તેના રૂપથી અંજાઈ ગયો. તેણે સલ્તનતના રાજાને સારું લગાડવા માતાજી પાસે ગાયો ચરાવવાનો કર માંગી માતાજીને દરબારમાં આવવાનું કહ્યું.

માતાજીએ તે રાત્રીએ સુલતાનના સપનામાં પોતાનું સ્વરૂપ દેખાડતા સુલતાન ભયનો માર્યો પીપળી આવ્યો હતો અને માતાજીના ચરણોમાં પડી માફી માંગી હતી. આવા અનેક પરચાઓ હિરાગર માતાજીએ આપ્યા હતા. તેમનું શારીરિક જીવન પૂર્ણ થતા તેમની કેશલટ માંગનાથ મંદિરની બાજુમાં રહેતા પરિવારને આપી જીવતા સમાધિ લીધી હતી. તે કેશની લટ વર્ષમાં એક વખત જોવા મળે છે અને મંદિરમાં લીધેલી સમાધિમાં અંખડ દીવો રાખવામાં આવે છે.

આ મંદિરના દ્વાર માત્ર નવરાત્રીના દિવસોમાં જ ખુલે છે
આ શક્તિપીઠ અને તેના વિશે અનેક પ્રકારની માન્યતાઓ છે. આ મંદિરના દર્શન માટેના દ્વાર માત્ર નવરાત્રીના દિવસોમાં જ ખુલતા હોય છે. બાકીના દિવસોમાં આ શક્તિપીઠ બંધ હોય છે. આ ધામ માતાજીના ચમત્કારો માટે પ્રસિદ્ધ છે. તેથી આ ધામ ઘણાં માઈભક્તોની આસ્થાનું કેન્દ્ર છે.