દારૂ પાર્ટી કરીને નબીરાઓએ સર્જ્યો તથ્ય પટેલને યાદ અપાવતો કીર્તન ડાખરા કાંડ

Surat Hit and Run: સુરતના લસકાણા વાલક અબ્રામા રીંગરોડ ઉપર શુક્રવારે મોડીરાત્રે હીટ એન્ડ રનની ઘટના બની હતી. 130 કિ.મી પ્રતિ કલાકની ઝડપે દોડતી કારે ડિવાઈડર (Surat Hit and Run) કુદાવીને સામેના રોડ પર પહોંચ્યા બાદ એક પછી એક ચાર વાહનોને ઉડાવી છ વ્યક્તિને અડફટે લીધા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા અને તે પૈકી બે ના મોત થયા હતા. સારવાર લઈ રહેલા ચારમાંથી ત્રણની હાલત પણ નાજુક છે. કારમાં એક યુવતી સહિત ચાર વ્યક્તિ સવાર હતા અને તમામ નશાની હાલતમાં હોવાનો સ્થાનિક લોકોએ આરોપ મૂક્યો હતો. અકસ્માત બાદ કાર ચલાવતા યુવાન કીર્તન ડાંખરા અને તેનો પરિવાર ગાયબ થઈ ગયો છે. અલબત્ત કારમાં સવાર ચારમાંથી એક યુવાન જૈમિન ભીંગરાડિયા પકડાયો હતો.

બે સગા ભાઈઓના મોત
આ અકસ્માતમાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, તે પૈકી બે સગા ભાઈઓના મોત નીપજ્યા હતા. અકસ્માતમાં કારનો આગળના ભાગનો ખુરદો વળી ગયો હતો. બનાવની જાણ થતા લસકાણા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. લોકો પણ એકત્ર થઈ ગયા હતા. અકસ્માત સમયે કારમાં એક યુવતી અને ત્રણ યુવાનો હતા. તે પૈકી પાછળ બેસેલા એક યુવાનને લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો હતો. જયારે ચાલક અને અન્યો ફરાર થઈ ગયા હતા.

આ નબીરાઓએ કામરેજમાં એક ફાર્મહાઉસમાં દારૂ પાર્ટી કરી હતી
અકસ્માત સર્જનાર કારની માલિકી મનોજ કાળુભાઈ ડાંખરાની છે. તેમનો પુત્ર કિર્તન ડાંખરા કાર ચલાવતો હતો. અકસ્માત થયો ત્યારે કારમાં એક યુવતી અને ત્રણ યુવકો બેઠેલાં હતાં. કારની સ્પીડ 130થી વધુ હતી. કારમાં સવાર તમામ નશામાં હોવાનું પ્રત્યક્ષદર્શીઓ પાસેથી જાણવા મળ્યું છે.

અકસ્માત બાદ કાર ચાલક સ્થળ છોડી ભાગી છૂટ્યો હતો. પાછળ બેઠેલા એક યુવક જૈમિન ભીંગરાડિયાને લોકોએ પકડી પોલીસને હવાલે કર્યો હતો.પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. સાતમી ફેબ્રુઆરીએ એક યુવતી અને સાત યુવકોએ એક ફાર્મહાઉસમાં દારૂની પાર્ટી કરી હોવાનું સામે આવ્યું છે. દારૂની પાર્ટી કર્યા બાદ યુવતીનું વાહન બગડી જતાં નબીરો અને અન્ય બે યુવકો જ્યારે યુવતીને તેના ઘરે મૂકવા જતા હતા ત્યારે અકસ્માત સર્જયો હતો.

સાપરાધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો
દારૂના નશામાં રહેલો જૈમીશ ભીંગરાડિયા દોડી આવેલા લોકોના હાથે ઝડપાઈ ગયો હતો. લોકોએ તેને દારૂના નશામાં જોતા રોષ પણ જોવા મળ્યો હતો. ત્યારબાદ ઘટનાની જાણ થતા દોડી આવેલી પોલીસને યુવક અને લોકોએ સોંપી દીધો હતો. લસકાણા પોલીસ દ્વારા સાપરાધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી હતી.