જન્મદિવસ જ બન્યો મૃત્યુદિવસ: તાલાલા-સાસણ રોડ પર કારચાલકે હડફેટે લેતા જૂનાગઢના તલાટીમંત્રીનું કમકમાટીભર્યું મોત

આજકાલ દિવસેને દિવસે અકસ્માતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે ગઈકાલે જૂનાગઢ જિલ્લામાંથી એક કરૂણ બનાવ સામે આવ્યો છે. જેમાં જન્મદિવસે જ તલાટીમંત્રીનું માર્ગ અકસ્માતમાં…

આજકાલ દિવસેને દિવસે અકસ્માતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે ગઈકાલે જૂનાગઢ જિલ્લામાંથી એક કરૂણ બનાવ સામે આવ્યો છે. જેમાં જન્મદિવસે જ તલાટીમંત્રીનું માર્ગ અકસ્માતમાં મોત નિપજતા ગામ અને પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો.

તાલાલા-સાસણ રોડ પર સોમવારે રાત્રિના એક કાર ચાલકે બાઈક સવાર તલાટીમંત્રીને હડફેટે લેતા ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. આ ઉપરાંત તલાટીમંત્રીના પત્ની અને પુત્રને પણ ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, સાસણના નિવૃત ફોરેસ્‍ટ અઘિકારીના યુવા પુત્ર તલાટીમંત્રી રવિભાઈ બાલકૃષ્ણભાઈ દવેનો સોમવારે જન્મ દિવસ હોવાથી તાલાલામાં સસરાને ઘરે જમીને રાત્રે પરત પોતાના ઘરે ભોજદે ગામ બાઇક લઈને જતા હતા. ત્‍યારે રસ્‍તામાં કાળા કલરની ક્રેટા કારના ચાલકે બાઇકને હડફેટે લીધી હતી જેથી ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. જેમાં તલાટીમંત્રીનું મૃત્‍યુ થયુ હતુ. અને તેમના પત્‍ની દર્શનાબેન તથા પુત્ર કુશલને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જાણવા મળ્યું છે કે, તલાટીમંત્રી રવિભાઈ દવેનો સોમવારે જન્મદિવસ હતો. તેઓ ગઈ કાલે રાત્રે દસેક વાગ્યા દરમિયાન સસરાના ઘરેથી જમીને તાલાલાથી બાઈક પર પત્ની તથા પુત્રને લઈને ભોજદે ગામ પોતાના ઘરે જવા નીકળ્યા હતા. આ દરમિયાન તાલાલા-સાસણ રોડ પર બોરવાવ ગામના પાટિયા પાસે સામેથી પૂરઝડપે આવતી ક્રેટા કારે તેમના બાઈકને હડફેટે લીધી હતી.

જેમાં બાઇકનો કચ્‍ચરઘાણ બોલી ગયો હતો જેથી તલાટીમંત્રી રવિભાઇને ગંભીર ઈજા પહોંચી હતી અને ઘટના સ્થળે જ તેમનું કમકમાટીભર્યુ મૃત્‍યુ નીપજ્યું હતુ. જયારે તેમના પત્‍ની તથા પુત્રને ગંભીર ઈજા પહોંચી હોવાથી તાલાલામાં પ્રાથમીક સારવાર આપ્‍યા બાદ વઘુ સારવાર માટે વેરાવળ લઈ જવામાં આવ્યા હતા.

આ અકસ્‍માતની જાણ થતા મોડી રાતે મોટી સંખ્યામાં લોકો અહીંની હોસ્પિટલે આવી પહોંચ્યા હતા અકસ્‍માત અંગે ભરતભાઇ ચુનીલાલ દવેની ફરિયાદ કરી હતી. જે પરથી પોલીસ દ્વારા ગુનો નોંધી જીવલેણ અકસ્માત સર્જીને નાસી ગયેલા ક્રેટા કારના ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તલાટીમંત્રી રવિભાઈ દવે તાલાલા તાલુકાના ભોજદે ગામના વતની હતા.

છેલ્‍લા 14 વર્ષથી તલાટીમંત્રી તરીકે નોકરી કરતા હોવું સામે આવ્યું હતું. અને હાલ તેઓ લુશાળા તથા ધાવા ગીર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હતા. તેમના અચાનક મૃત્યુના સમાચારથી પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. જયારે તલાટીમંત્રી રવિભાઇના અકાળે અવસાનના પગલે ભોજદે, લુશાળા અને ધાવા ગામના લોકોએ સજ્જડ બંધ પાળીને પ્રામાણિક કર્મચારી રવિભાઇને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, થોડા સમય પહેલા જ રવિભાઇએ પ્રમોશન માટેની પરીક્ષા પાસ કરી હોવાથી વિસ્તરણ અધિકારી તરીકે બઢતીના મેરિટ લિસ્ટમાં તેમનું નામ પ્રથમ હતું. પરંતુ કોરોના મહામારીના કારણે જીલ્‍લા પંચાયતમાં બઢતીની પ્રક્રિયા અટકી ગઈ હોવાથી તેમને નજીકના દિવસમાં જ પ્રમોશન મળવાનું હતુ. તેવું તેમના મિત્ર સર્કલમાંથી જાણવા મળ્યું છે.​​​​​​​

આ ઉપરાંત, વાવાઝોડાથી અસરગ્રસ્ત ઉના તાલુકાના ગામડાનો સર્વે કરવા તાલાલા તાલુકામાંથી 10 તલાટી કમ મંત્રીઓ ઉના ગયા હોવાનું પણ સામે આવ્યું છે. જયાંથી તા.31ના રોજ પરત ફરતી વેળાએ રવિભાઈએ રસ્તામાં જ ‘આજે મારો જન્મ દિવસ છે’ તેમ કહીને સાથી મિત્રોને ચા-નાસ્તો પણ કરાવ્યો હતો. આમ, પળભરમાં રવિભાઇના આ અંતિમ શબ્‍દો તેમના સાથીઓ માટે કાયમી સંભારણું બનીને રહી ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *