સુરત(Surat): હાલમાં ગુજરાત (Gujarat) આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) મોટા ધર્મસંકટમાં મૂકાઈ છે. એક પછી એક નેતાઓ આમ આદમી પાર્ટીનો સાથ છોડી રહ્યા છે અને ભાજપમાં જોડાવા લાઈન લાગી ગઈ છે. વિજય સુવાળાએ થોડા દિવસ અગાઉ જ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપનો ભગવો ધારણ કરી લીધો હતો. તે જ દિવસે સામાજીક આગેવાન મહેશ સવાણીએ પણ રાજીનામું ધરી દીધું હતું ત્યારે વળી, ગઈકાલના રોજ સુરતમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ થયું છે. શુક્રવારે ગાંધીનગરમાં કમલમ ખાતે સુરત AAPના 5 કોર્પોરેટરોએ સત્તાવાર રીતે કેસરિયો ધારણ કર્યો હતો. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં પાંચેય કોર્પોરેટરો વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.
આ બધાની વચ્ચે આપના નેતા ઈસુદાન ગઢવીએ આજે પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા તોડવાની કોશિશ કરવામા આવે છે. અગાઉ ત્રણ કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. અમે રાજનીતિ બદલવા આવ્યા છીએ. કોર્પોરેટર કેટલાક લાલચમાં આવી ગયા હોય શકે. ભાજપ પેપર ફોડે છે, આઉટસોર્સિંગ કરે છે અને લૂંટફાટ ઘટના બને છે. કલોલમાં રૂ. 2 કરોડની લૂંટ થઈ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને ભાજપમાં જોડવામાં હતા.
ઈસુદાને પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભાજપ 7 વર્ષમાં 5 હજાર કરોડના ફંડ પર પહોંચ્યું છે. કોર્પોરેટરને ખરીદતા પહેલાં ત્યાંની જનતાને પૂછો. અમારા પાંચ કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે તેમને શું લાલચ આપી હશે એ ખબર નથી. ચૂંટણી આવવા દો ભાજપમાં કેવા ભડકા થાય છે તે જોજો. અમે આ મુદ્દે લીગલ કાર્યવાહી કરીશું. આજે અમારી લીગલ ટીમ સાથે બેઠક કરીશું. અમે યુવાનોની હત્યા અને પેપર ફૂટવા મામલે રાજ્યપાલને મળવા જઈશું. ભાજપે હવે કોઈ પણ પ્રકારે ડરાવવાનું શરૂ કર્યું છે.
વધુમાં જણાવતા તેમણે કહ્યું કે, લાંચ લેનાર અને આપનાર બંને ગુનેગાર છે. ભાજપના નેતા અને કાર્યકર્તાઓ પણ દુઃખી- નારાજ છે.ગુજરાતની જનતાને વિનંતી છે કે તમે જાગૃત થાઓ.જનતા ભાજપની ખરીદ વેચાણથી વાકેફ થાય. યુપીમાં 9 ધારાસભ્ય અને 4 મંત્રી ગયા છે તો શું ભાજપ ત્યાં ચૂંટણી નથી લડતી?પેપર ફોડ પાર્ટીમાં લોકો કેમ જોડાય કેમ કે મલાઈ મળતી હશે. આપનો કાર્યકર્તા પ્રજા વચ્ચે જઈ ભાજપ દ્વારા ખરીદ વેચાણ સંઘ, પેપર ફોડ, ભ્રષ્ટાચાર કરે છે તે મામલે કેમ્પઈન ચલાવીશું.
અધિકારીઓ પૈસા કઢાવવા માટે ઊંચું કમિશન લે છે.આજે ભાજપના પૂર્વ મંત્રીએ ભાજપના શાસનનો ભાંડો ફોડ્યો છે. જમીનને ખાલી કરાવવાનું કામ અધિકારીઓ કરે છે.આમની સામે કોઈ જ કાર્યવાહી નહિ થાય. કારણ કે ગૃહમંત્રી જ ફોડવામાં પડ્યા છે. ભ્રષ્ટાચાર રોકવાનું કામ ગૃહમંત્રીનું છે.ભાજપ દ્વારા લેન્ડ ગ્રેબિંગ એકટનો બેફામ ઉપયોગ થાય છે અને ફરિયાદ કરી મોટો તોડ કરે છે.
મહિલા કોર્પોરેટર દ્વારા દલિત છું એટલે પાણી ન પીવું એવો આપ પર આક્ષેપ કર્યો હતો. આ આક્ષેપ ભાજપની સ્ક્રીપ્ટ છે. અમદાવાદના મેયરને કેમ બંગલામાં રહેવા નથી દેતા. દલિત છે એટલે! શું એમને મેયર બંગલામાં રહેવા નહીં જવા દેવાના? બહેનને વિનંતી છે કે તમારે તો ભાજપમાં ન જવાય. ભાજપ દલિત વિરોધી પાર્ટી છે. તમામ મહાનગરના મેયરો મેયર બંગલામાં રહે છે પરંતુ અમદાવાદના મેયર દલિત છે એટલે એમને મેયરના બંગલાં રહેવા નથી દેતા.
કોંગ્રેસના 14 ધારાસભ્યોને ભાજપે તોડ્યા હતા. એક જ જીતી શક્યા બાકી હાર્યા છે. જનતા જનાર્દન નક્કી કરે છે. રૂપિયાની થેલીઓ નહિ નક્કી કરે. ભ્રષ્ટાચાર આમ આદમી પાર્ટી નહિ કરે. વિપુલભાઈ ભાજપના સંપર્કમાં હતા.સી આર પાટીલ સુપર સીએમ છે.ચૂંટણી આવે છે એટલે આ બધું કરે છે. તેઓને સીએમ બનવું છે.પાટીલની વાત પર કોઈએ વિશ્વાસ ન મુકવો.
અમે કોઈ લોભ અને લાલચથી ભાજપમાં નથી ગયાઃ કોર્પોરેટર જ્યોતિકા લાઠિયા
ભાજપમાં જોડાયેલા કોર્પોરેટર રૂતા દૂધાતરાએ કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ મારા પર અત્યાચાર કર્યો છે. આ અત્યાચાર કરનારા તમામ સામે ફરિયાદ કરીશ. બીજા કોર્પોરેટર ભાવના સોલંકીએ કહ્યું હતું કે, ચૂંટણી પહેલાં અમારામાં આમ આદમી પાર્ટી પ્રત્યે ઉત્સાહ હતો. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે પાર્ટી દલિત અને ST સમાજને પછાત ગણે છે. આ સમાજના કાર્યકરો સાથે ભેદભાવ ભર્યું વર્તન થાય છે. કોર્પોરેટર જ્યોતિકા લાઠિયાએ કહ્યું હતું કે, અમે પૈસા લીધા હોય તો સાબિત કરી બતાવો. અમે દબાણને કારણે કંટાળીને પક્ષ છોડ્યો છે. અમારી પર દરેક વસ્તુ કેવી રીતે કરવાની તેનું દબાણ કરવામાં આવતું હતું.મનિષા કુકડિયાએ કહ્યું હતું કે, અમે કોઈ લોભ અને લાલચથી ભાજપમાં નથી ગયા પણ શહેરના વિકાસ માટે જ ગયાં છીએ. અમે જનતાની સાથે જ છીએ.
પૈસાની લાલચથી કોર્પોરેટરો ભાજપમાં જોડાયાં: ગોપાલ ઈટાલિયા
ગુજરાત આપના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ ગંભીર આક્ષેપો કરતાં કહ્યું હતું કે, પૈસાની લાલચથી કોર્પોરેટરો ભાજપમાં જોડાયાં છે. વિપુલ મોવલિયા ભ્રમિત કરીને કોર્પોરેટરોને ભાજપમાં લઈ ગયો છે. કોર્પોરેટરો પર દબાણ કરવામાં આવતું હતું. સી.આર.પાટીલના બે મળતીયાઓએ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને પૈસા આપ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.