ખેડબ્રહ્મામાંં આવેલું બ્રહ્માજીનું મંદિર છે ખુબ જ ચમત્કારિક; જાણો તેનું પૌરાણિક મહત્વ

Brahmaji Temple: ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં ભગવાન બ્રહ્માજીના માત્ર બે જ મંદિર છે જેમાં એક મંદિર રાજસ્થાનના પુષ્કરમાં છે અને બીજું મંદિર ગુજરાતમાં છે. નેશનલ હાઇવે નંબર આઠ અમદાવાદથી દિલ્હી જવાના માર્ગે હિંમતનગરથી ચાલીસ કિલોમીટરના અંતરે રાજસ્થાન (Brahmaji Temple) સરહદી પૌરાણિક નગર એટલે ખેડબ્રહ્મા. ખેડબ્રહ્મા સતયુગના સમયથી અસ્તિત્વમાં છે. સતયુગમાં ખેડબ્રહ્માને બ્રહ્મપુર, દ્વાપરયુગમાં ત્રમ્બકપુર અને કળીયુગમાં બ્રહ્માની ખેડ અથવા ખેડબ્રહ્મા તરીકેની ઓળખ છે.

જમણી બાજુ ગાયત્રી માતાજી અને ડાબી બાજુ સાવિત્રી માતાજી બિરાજમાન છે
સામાન્ય રીતે કોઈપણ મંદિરનુ બાંધકામ અને તેની બનાવટ લગભગ એક સરખી હોય છે પણ ખેડબ્રહ્માના બ્રહ્માજીના મંદિરનો આકાર બાંધકામ અને બનાવટ વિશિષ્ટ પ્રકારના છે. કેટલાય શ્રદ્ધાળુઓ માટે બ્રહ્માજીનુ મંદિર આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. મંદિર આસપાસના વિસ્તાર સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર તેમજ અન્ય રાજ્યોથી લોકો બ્રહ્માજીના મંદિરે દર્શન કરવા આવે છે.મંદિરમાં બ્રહ્માજી બિરાજમાન છે અને તેમની જમણી બાજુ ગાયત્રી માતાજી અને ડાબી બાજુ સાવિત્રી માતાજી બિરાજમાન છે. સ્થાપિત મૂર્તિઓની પૂજા ભાવિકો વર્ષોથી કરે છે.

બ્રહ્માજીએ મૂર્તિ આપી ત્યારે તે ચોસઠ મુખની હતી
ભગવાન બ્રહ્માજીનું સમગ્ર ગુજરાતમાં એક જ મંદિર હોવાના પગલે લોકો વિશેષ શ્રદ્ધા સાથે દર્શનાર્થે આવે છે. મંદિરે પ્રતિ દિવસ 100 થી લઈ 500 જેટલા લોકો નિયમિત રૂપે દર્શન કરવા આવે છે અને લોકોને શ્રદ્ધા સાથે અતૂટ વિશ્વાસ છે.બ્રહ્માજી જ્યારે બ્રહ્મલોકમાં પરત જતા હતા,

ત્યારે લોકોની વિનંતીથી પોતાની મૂર્તિ પૂજા માટે આપી હતી. જ્યારે બ્રહ્માજીએ મૂર્તિ આપી ત્યારે તે ચોસઠ મુખની હતી પછી તે બત્રીસ મુખની થઈ બાદમાં સોળ મુખની થઈ પછી આઠ મુખની એટલે કે જેમ જેમ ભાવિકોની સેવા કરવાની શક્તિમાં ઘટાડો થયો તેમ લોકોની વિનંતીથી મુખ ઓછા થયા અને હાલ મંદિરમાં ચતુર્મુખી મૂર્તિ પ્રસ્થાપિત છે.

દર્શન કરવા લોકો દૂર દૂરથી આવે છે
ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી દર્શનાર્થીઓ મંદિરે આવી ભગવાન બ્રહ્માજીના વિશેષ દર્શન કરે છે. સાથોસાથ ખેડબ્રહ્મા સહિત આસપાસના વિસ્તારોમાં કોઈપણ દીકરા કે દીકરીનું લગ્ન હોય તો ગણેશ સ્થાપન બાદ બ્રહ્માજીના દર્શન કરવાની ટેક છે. જેના પગલે દરેક વ્યક્તિ આજે ભગવાન ગણેશના દર્શન બાદ નિયમિત ભગવાન બ્રહ્માજીના દર્શન કરે છે