નાગરિકતા સંશોધન કાનૂનને લઈને સમગ્ર દેશમાં વિરોધ અને સમર્થન થઈ રહ્યું છે ત્યારે આ મુદ્દે દેશનું રાજકારણ ગરમાયેલું છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આજે કોંગ્રેસ હેડ ક્વાટર લખનૌમાં પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યું કે, અમે રાજ્યપાલને એક પત્ર સોંપ્યો છે. અમે કહ્યું છે કે, પ્રદેશની સરકારે પોલીસ દ્વારા અરાજકતા ફેલાવવાનું કામ કર્યું છે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સોમવારે લખનઉમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યની યોગી સરકારની જોરદાર ટીકા કરી હતી અને નાગરિકતા સંશોધન કાયદા(સીએએ) વિરૂદ્ધ ચાલી રહેલા દેખાવોને ડામવામાં રાજ્ય પોલીસની ભૂમિકા સામે પ્રશ્રો ઉઠાવ્યા હતાં. પ્રિયંકાએ આરોપ મૂક્યો હતો કે, ઉત્તર પ્રદેશ પોલીસ બદલો લેવાની વૃત્તિથી કાર્ય કરી રહી છે.
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ વધુમાં જણાવ્યું હતું કે, આજે સવારે અમે રાજ્યપાલને એક પત્ર મોકલ્યો છે. રાજ્ય સરકારના વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા એવા પગલાં લેવામાં આવ્યા છે જેનાથી અરાજયતા ફેલાઇ છે. તેમણે લીધેલા પગલાઓ કોઇ કાયદાકીય આધાર નથી.
પ્રિયંકાએ જણાવ્યું હતું કે, હું બિજનૌર ગઇ હતી. ત્યાં બે બાળકોના મોત થયા હતાં. એક કિશોર કોફી મશીન ચલાવતો હતો. તે ઘરની બહાર ઉભો હતો. તે બાળક ફક્ત દૂધ લેવા માટે ગયો હતો પરંતુ ત્યાં જ તેનું મોત થઇ ગયું હતું. બાળકનો મૃતદેહ સોંપવામાં આવ્યો નથી. પરિવારને કેસ દાખલ કરવાની ધમકી આપવામાં આવી છે. પ્રિયંકાએ યુપીએસસીની તૈયારી કરી રહેલા સુલેમાનની પણ વાત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે એક દસ વર્ષનો છોકરો અને 16 વર્ષની છોકરી આજે એકલા રહે છે કારણકે પોલીસે તેમની માતાની ધરપકડ કરી લીધી છે. તેમની માતાનો વાંક ફક્ત એટલો જ હતો કે તે દેખાવોનો વીડિયો લઇ રહ્યાં હતાં.
પ્રિયંકા ગાંધીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, લખનઉના દારાપુરીમાં 77 વર્ષના નિવૃત્ત અધિકારીની ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. આ નિવૃત્ત અધિકારી આંબેડકરવાદી છે. તે સીએએ વિરોધી દેખાવો અંગે ફેસબુક પર એક પોસ્ટ નાખી હતી. પોલીસ તેમને તેમના ઘરેથી ઉઠાવી લઇ ગઇ હતી.
રાજ્યમાં 5500 લોકોની અટકાયત કરવામાં આવી હતી. જેમાં 1100 લોકોની ધરપકડ કરવામાં આવી છે.ઘણા લોકોને કોઇ પણ કસૂર વગર જેલમાં નાખી દેવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન યોગીએ નિવેદન આપ્યું હતું કે, તે બદલો લેશે અને યુપી પોલીસ ખરેખર યોગીના કહેવા પર બદલો જ લઇ રહી છે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગીની ટીકા કરતા જણાવ્યું હતું કે, શ્રીકૃષ્ણ અને રામ કરૂણાના પ્રતીક છે. આપણા દેશની આત્મામાં બદલો લેવા જેવા શબ્દને સ્થાન નથી. શ્રીકૃષ્ણે ક્યારેય પણ બદલો લેવાની વાત કરી જ નથી.
યોગી ભગવા કપડા પહેરે છે પણ આ કપડા તેમને અનુરૂપ નથી કારણે ભગવો રંગ ભારતની ધાર્મિક આસ્થાનું પ્રતીક છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં નાગરિકતા સંશોધન એક્ટની વિરૂદ્ધ અનેક શહેરોમાં હિંસક પ્રદર્શનો થયા હતાં. આ દેખાવો દરમિયાન રાજ્યમાં 21 લોકોનાં મોત થયા હતાં. કોંગ્રેસ સીએએ મુદ્દે સતત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને નિશાન બનાવી રહી છે.
પ્રિયંકા ગાંધી હિંસા આચરનારાઓની સાથે ઉભા છે : ઉ.પ્ર. નાયબ મુ.પ્રધાન દિનેશ શર્મા
કોંગ્રેસ મહાસચિવે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની ટીકા કરતા વળતો પ્રહાર કરતા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દિનેશ શર્માએ જણાવ્યું છે કે, પ્રિયંકા ગાંધી હિંસા આચરનારાઓની સાથે ઉભા છે. શર્માએ જણાવ્યું હતું કે, યોગીજીએ ધર્મ ધારણ કર્યો છે. હિંદુ ધર્મ ક્યારેય પણ કોઇને પણ નુકસાન પહોંચાડવાનું શીખવતું નથી. હિંદુ ધર્મ ક્યારેય પણ અન્ય ધર્મનું અપમાન કરવાનું શીખવતું નથી. હિંદુ ધર્મ ખૂબ જ વિશાળ ધર્મ છે. શર્માએ સ્પષ્ટતા કતા જણાવ્યું હતું કે યોગીએ બદલા શબ્દનો પ્રયોગ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારા ઉપદ્રવીઓ માટે કર્યો હતો.
સીએએ દેખાવોમાં યુપી પોલીસની ભૂમિકાની જ્યુડિશિયલ તપાસ કરાવો : કોંગ્રેસ
સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ(સીએએ) વિરૂદ્ધના દેખાવો દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસ ગેરકાયદે વર્તણૂકની જ્યુડિશિયલ તપાસ કરાવવી જોઇએ તેમ કોંગ્રેસે આજે જણાવ્યું હતું. નાગરિકોના અધિકારોના રક્ષણ માટે બંધાયેલ ઉત્તર પ્રદેશ પોલીસ માટે આવી વર્તણૂક યોગ્ય નથી. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને લખેલા 14 પાનાના મેમોરન્ડમમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે તાજેતરના દેખાવોમાં ઉત્તર પ્રદેશ પોલીસની ભૂમિકા અનેક પ્રશ્રો ઉઠી રહ્યાં છે. આ પત્રમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા અને ઉત્તર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અજ્યકુમાર લલ્લુના હસ્તાક્ષર છે. કોંગ્રેસનું એક ડેલિગેશન રાજભવનમાં રાજ્યપાલને મળવા ગયું હતું. જો કે આ ડેલિગેશનમાં પ્રિયંકા ગાંધી સામેલ ન હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.