કાશ્મીર ફરવા જવાનો ક્રેઝ ઘટ્યો: પહેલગામમાં આતંકી હુમલા બાદ કાશ્મીરની 90% ટૂર પ્લાન ધડાધડ કેન્સલ

Jammu-Kashmir Tour News: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આંતકવાદી હુમલાથી સમગ્ર દેશ શોકમગ્ન છે. આતંકવાદી હુમલા બાદ જમ્મુ કાશ્મીર (Jammu-Kashmir Tour News) ફરવા જનાર લોકો ડરી ગયા છે. ગુજરાત સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકોએ કાશ્મીર પ્રવાસના બુકિંગ રદ કરાવી દીધા છે. એડવાન્સ બુકિંગ રદ થવાના કારણે કાશ્મીરના પ્રવાસન ઉદ્યોગને કમરતોડ ફટકો પડ્યો છે. કાશ્મીરના હોટેલ રેસ્ટોરેન્ટ, ટેક્સી- કેબ માલિકોને કરોડોનું નુકસાન થયું છે.

ગુજરાતીઓ દ્વારા કાશ્મીર પ્રવાસ રદ
ઉનાળામાં કાશ્મીર મોટી સંખ્યામાં ફરવા જાય છે. ગુલમર્ગ અને સોનમર્ગ જેમ પહેલગામ પણ કાશ્મીરનું પ્રખ્યાત સ્થળ છે. પહેલગામ હુમલામાં માર્યા ગયેલા 26 નિર્દોષ લોકોમાં 3 ગુજરાતના હતા. આ ઘટના બાદ ગુજરાતના લોકો દહેશતમાં છે અને કાશ્મીર પ્રવાસ રદ કરાવી રહ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરામાં મોટી સંખ્યામાં લોકોએ તેમના ટુર્સ ટ્રાવેલ્સ એજન્ટોને કાશ્મીર પ્રવાસ રદ કરવા જણાવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ કાશ્મીર પ્રવાસના 80 ટકાથી વધુ બુકિંગ કેન્સલ થયા છે. તો બીજી બાજુ ટુર ટ્રાવેલ્સ એજન્ટો ગ્રાહકોને અન્ય સ્થળો પર ફરવાનો વિકલ્પ આપી રહ્યા છે.

6 મહિના સુધીના કાશ્મીર પ્રવાસના એડવાન્સ બુકિંગ રદ
પહેલગામ આતંકવાદી હુમલા બાદ કાશ્મીર ફરવા આવનાર પ્રવાસીઓ ડરી ગયા છે. લોકો કાશ્મીર પ્રવાસના બુકિંગ ધડાઘડ કેન્સલ કરાવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ કાશ્મીર પ્રવાસના 6 મહિના સુધીના એડવાન્સ બુકિંગ રદ થયા છે.

IRCTC એ જમ્મુ કાશ્મીર ટુર પેકેજ રદ કર્યા
પહેલગામમાં આતંકી હુમલા બાદ આઈઆરસીટીસી દ્વારા જમ્મુ કાશ્મીરના ટુર પેકેજ રદ કરવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરના ટુર પેકેજ માટે એડવાન્સ બુકિંગ કરાવનાર લોકોને સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે.

કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યા સતત વધી હતી
જમ્મુ કાશ્મીરમાં પ્રવાસન ઉદ્યોગ કોરોના બાદ તીવ્ર ગતિથી વિકાસ પામી રહ્યું હતું. બિઝનેસ ટુડેના એક રિપોર્ટ મુજબ કાશ્મીરમાં વર્ષ 2020માં 34 લાખ પ્રવાસીઓ આવ્યા હતા, જેની સંખ્યા વર્ષ 2024માં વધીને 2.36 કરોડે પહોંચી હતી, જેમા 65000 વિદેશી પ્રવાસીઓ હતા. વર્ષ 2025ના પ્રવાસ સિઝન પણ જોરદાર રીતે શરૂ થઇ હતી. જેમા શ્રીનગરના ટ્યૂલિપ ગાર્ડનમાં માત્ર 26 દિવસમાં 8.14 લાખ મુલાકાતીઓ આવ્યા હતા. જો કે પહેલગામ આતંકવાદી હુમલા બાદ જમ્મુ કાશ્મીરના પ્રવાસ ઉદ્યોગને કમરતોડ ફટકો લાગ્યો છે. આ ફટકાથી પ્રવાસ ઉદ્યોગને ફરી બેઠું થવામાં બહુ સમય લાગશે.