વિવાહ પાંચ ફેરાના, સંબંધ ભવોભવના, લાગણીના વાવેતર, સંવેદના એક દીકરીની, દીકરી દિલનો દીવો, પારેવડી, લાડકડી, પાનેતર, મહિયરની ચૂંદડી અને 2012થી શરૂ થયેલી આ પવિત્ર પરિણય યાત્રામાં હવે ‘ દીકરી જગત જનની'(Dikri Jagat Janani) જોડાશે. આ બધા નામ માટે કોઇને પરિચય આપવાની જરૂર નથી કેમ કે બધા જ જાણે છે આ બધા શિર્ષક પી.પી સવાણી(P.P Savani) દ્વારા થતા પિતાવિહોણી દીકરીઓના સમૂહલગ્નના છે. અને એ રીતે પીપી સવાણીના મહેશભાઈ સવાણી(Mahesh Savani) અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી હજારો દીકરીઓના પાલક પિતા બની ચૂકયા છે. પી.પી.સવાણી પરિવાર દ્વારા આજ સુધી લગભગ 4572 દીકરીઓને કરિયાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે.
આ વર્ષે પણ ‘દીકરી જગત જનની’ થકી 700 દીકરીના લગ્ન કરાવી રહ્યા છે. ત્યારે આજરોજ મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે… , મહેંદી લીલીને રંગ રાતો.., મારી મહેંદીનો રંગ ઊડી જાય રે…. મહેંદી તો રંગ લાતી હૈ… મહેંદી લગા કે રખના… જેવા મહેંદી ના હિન્દી ગુજરાતી ગીતોથી ગુરુવારે સવારથી અબ્રામા ગામ ગુંજી રહ્યું હતું. આગામી તા 24 અને 25 ડિસેમ્બરે પીપી સવાણી ગ્રુપ અને જાનવી ગ્રુપ આયોજિત દીકરી જગત જનની લગ્નોત્સવ અંતર્ગત 22મી ડીસેમ્બર એટલે કે ગુરૂવારે મહેંદી રસમનો કાર્યક્રમ યોજાયો હતો. સવારે 9 કલાકે પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો આરંભ કરાયો હતો.
આ પ્રસંગે મહેશભાઈની પુત્રવધુ આયુષી મોહિત સવાણીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આમંત્રિત મહેમાનો, દીકરીઓના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ, સર્વ મહેમાનોનું પુસ્તક, બૂકે અને સ્મૃતિભેટ આપી સ્વાગત કર્યું હતું. આ દિવસ દરમિયાન લગભગ 5000થી વધુ બહેનોના હાથમાં વિવિધ પ્રકારની ડિઝાઇનની મહેંદી મૂકાતા અબ્રામાં ગામ આખું મહેંદીની સુગંધથી પણ મઘમઘી ઉઠ્યું હતું. આ લગ્નોત્સવમાં લગ્ન કરનાર 300 દીકરીના પાલક પિતા મહેશ સવાણીએ પણ દીકરીઓના હાથમાં ભારે હેતથી મહેંદી મૂકી હતી.
મહેશભાઈ સવાણીએ પ્રભુતામાં પગલાં પાડનારી 300 દીકરી અને અન્ય બહેનો-દીકરીઓને પિતાની હુંફ સાથે જણાવ્યું હતું કે, જેણે ભગવાનને પણ જન્મ આપ્યો એ દીકરી છે એટલે જ આ અવસરનું નામ ‘દીકરી જગત જનની’ રાખવામાં આવ્યુ છે. દીકરીઓને આદર્શ જીવનનું ભાથુ બાંધી આપતા મહેશભાઈએ કહ્યુ કે, દીકરી સાસરિયાને સ્વર્ગ બનાવે અને ઘરના તમામ સભ્યોને સ્વીકારે એ જરૂરી છે. સાથે દીકરીએ સહનશક્તિ કેળવવી જરૂરી છે.
વધુમાં જણાવ્યું હતું કે, સાસુ -સસરા, નણંદ, દેરાણી -જેઠાણીની ફરિયાદ ઘરે કરવી નહિ, દીકરી સાસરેથી પાછી આવે ત્યારે પરિવારને ઘણું સાંભળવું પડે છે. તેથી પરિવારનો વિચાર કરીને સાસરિયામાં સેટ થઇ જવું ઉત્તમ છે. સાસરિયામાં દૂધમાં સાકર ભળે એમ ભળી જજો. શરૂઆતમાં સમય આપશો એટલે સફર આસાન થઈ જશે. કોઈ ફરિયાદ હોય તો બેસીને શાંતિથી વાત કરીને ઉકેલ લાવવાનો પ્રયાસ કરશો તો ચોક્કસ સારૂ પરિણામ મળશે.
આ શુભ અવસરેવ શાલીની અગ્રવાલ(IAS) (મ્યુનિસિપલ કમિશ્નર સુરત), બી.આર.પટેલ(IPS)(DCP,સુરત), દિવ્યાબેન શિરોયા (GST ઈન્સ્પેક્ટરશ્રી), ડો.સંધ્યાબેન છાસટીયા(ગાયનેકોલોજિસ્ટ), ડૉ.દક્ષાબેન ભાદિયાદરા (ઓપ્થાલમોલોજીસ્ટ), ડૉ.શીતલબેન સુહાગિયા(RMO), આદર્શગૃહિણીઓ: દિપ્તીબેન પંડ્યા, ભાવિકાબેન જોયસર, અસ્મિતાબેન રાબડીયા, હિરલબેન કાછડીયા, આશાબેન કોશિયા, ઉર્વશી બેન ધોરાજીયા, દિવ્યાબેન રૈયાણી, જલ્પાબેન રંઘોલિયા, ધિરલ બેન રાસડિયા વગેરે બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કોઈએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.