પહલગામમાં આતંક હુમલામાં શૈલેષ કળથિયાને ગોળી મારનાર આતંકીનો ચહેરો સામે આવ્યો, પત્નીએ ઓળખી બતાવ્યો

Pahalgam Terror Attack: ગત 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોની ધર્મના આધારે ગોળી મારીને હત્યા કરવામાં (Pahalgam Terror Attack) આવી હતી. જેમાં સુરતના શૈલેષ કળથિયા નામના શખ્સનું પણ મોત થયું હતું. આ પછી તેમના અંતિમ સંસ્કાર વખતે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હવે આતંકીઓનો ફોટો સામે આવતાં તેમના પત્નીએ શૈલેષભાઈને ગોળી મારનાર આતંકીને ઓળખી બતાવ્યો છે.

આતંકીને ઓળખી બતાવ્યો….
મળતી વિગતો મુજબ, મૂળ સુરતના અને મુંબઈમાં SBI બેન્કના મેનેજર તરીકે નોકરી કરતા શૈલૈષભાઈ તેમના જન્મદિવસની ઉજવણી માટે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે ગયા હતા. તેઓ તેમના જન્મદિવસના એક દિવસ પહેલાં પહલગામમાં બૈછરન વેલીમાં ફરવા ગયા હતા. ત્યારે આતંકી સંગઠન TRFના આતંકીઓએ હુમલો કર્યો હતો. મૃતક શૈલેષભાઈના પત્નીએ જણાવ્યા મુજબ, અમે પહલગામની બૈછરન વેલી પહોંચ્યા એની 15 મિનિટમાં જ આતંકી હુમલો થયો હતો.

આતંકીઓએ નજીક આવી પહેલાં ધર્મ પૂછ્યો અને પછી કલમા પઢવાનું કહ્યું હતું. આ પછી હિન્દુ અને મુસ્લિમને અલગ થઈ જવા કહ્યું હતું. આ દરમિયાન બેથી ત્રણ ફૂટ દૂરથી આતંકીઓએ શૈલેષને છાતીમાં ગોળી મારી દીધી હતી અને તેઓ લોહીથી લથબથ મારા ખોળામાં ઢળી પડ્યા હતાં. આ દરમિયાન બેથી ત્રણ મિનિટ સુધી આતંકી ત્યાં ઊભો ઊભો હસતો હતો.

મૃતક શૈલેષભાઈના પત્નીએ જણાવ્યા મુજબ, હુમલાખોર આતંકીઓએ લીલા રંગનો કુર્તો અને પાયજામો પહેર્યો હતો. જે આતંકીઓના ફોટો સામે આવ્યા છે તેમાં જમણેથી બીજા આતંકીએ મારા પતિ શૈલેષને ગોળી મારી હતી. આતંકીઓએ ટોપી પહેરી હતી. જેમાં કેમેરો પણ લગાવેલો હતો. આ કૃત્યના દૃશ્યો તેમના આકાઓ લાઈવ જોઈ રહ્યા હોય એવું લાગી રહ્યું હતું.