હત્યા (Murder)ના વધતી જતી ઘટનાઓમાં વધુ એક ઘટના લીમખેડા(Limkheda) તાલુકાના પરમારના ખાખરિયા(Khakhariya) ગામમાંથી સામે આવી છે. અહીં, ખાખરિયા ગામનો યુવક યુવતીને લઇને નાસી ગયો હતો. તેની રીસમાં યુવકના પિતાનું અપહરણ કરાયુ હતું. અપહરણ (Kidnapping) બાદ સરગવાના ઝાડ સાથે બાંધીને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારીને લાશ ગામની સીમમાં ફેંકી દેવાઇ હતી. આ ઘાતકી કૃત્યમાં ખીરખાઇ ગામના સરપંચ, ચૈડિયા બેઠકની જિલ્લા પંચાયતની ભાજપી સભ્ય પત્ની સહિત છ લોકોની સંડોવણી સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
નરેશ નીનામા નામક યુવક લીમખેડા તાલુકાના પરમારના ખાખરિયા ગામનો રહેવાસી છે. તેણે 12 દિવસ અગાઉ ખીરખાઇ ગામના રયલાભાઇ ડામોરની દિકરી પાયલને પત્ની તરીકે રાખવાના ઇરાદે લઇને ભાગી ગયો હતો. આ મામલે રયલભાઇના કુંટુંબના ખીરખાઇ ગામના સરપંચ સરતનભાઇ ઉર્ફે કાંગા મગન ડામોર, ચૈડિયા જિલ્લા પંચાયત સીટ ઉપરથી ભાજપની જિલ્લા પંચાયતની સભ્ય અને સરતનભાઇની પત્ની ટીનાબેન ડામોર પંકેશના ઘરે ગયા હતાં.
ત્યાં હાજર યુવકના પિતા સુક્રમભાઇ સહિતના લોકો સાથે ગાળાગાળી કરવા ઉપરાંત મારામારી કરી હતી. આ સાથે સુક્રમભાઇને ધસડીને મણીયો અને મથુરીબેન તેમની મોપેડ ઉપર બેસાડીને અપહરણ કરી લઇ ગયા હતાં. ખીરખાઇ લઇ જઇને સુક્રમભાઇને સરગવાના ઝાડ સાથે બાંધીને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ દરમિયાન સુક્રમભાઇનું મૃત્યુ નીપજ્યું હતું.
સુક્રમભાઇની લાશને નીનામાના ખાખરિયા ગામમાં સીમાડા પાસે નાનસલાઇ વાળી જગ્યાએ નીલગીરીના ઝાડ નીચે ફેંકીને ફરાર થઇ ગયા હતાં. આ ઘટનાની જાણ થતાં લીમખેડા પંથકમાં હાહાકાર મચી ગયો હતો. મૃતક સુક્રમભાઇના પૂત્ર નરેશ નીનામાની ફરિયાદના આધારે લીમખેડા પોલીસે સરપંચ, જિલ્લા પંચાયત સભ્ય સહિત છ લોકો સામે અપહરણ અને હત્યા સબંધિ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
સળિયા તપાવીને મારા પિતાને શરીરે ડામ આપ્યા હતા: પુત્ર
સુક્રમભાઇના પૂત્ર નરેશે ઘટના અંગેની હદયદ્રાવક હકીકત વર્ણવી હતી. નરેશના જણાવ્યા અનુસાર, ‘હું અને મારી પત્ની ગાંધીનગર મજુરી કામે હતાં ત્યારે 29મી તારીખના રોજ મને ફોન આવ્યો હતો. અમો ખીરખાઇ ગામેથી બોલીયે છીયે અને તારા પિતાને અમો તારા ઘરેથી લઇ આવેલ છીયે. તારા પિતાને માર મારી મારી નાખીશુ. અમારી છોકરી નહીં મળે ત્યાં સુધી અમો તારા પિતાને મારીશુ, લે સાંભળ તારા પિતાનો અવાજ.
મારા પિતાને આ લોકો માર મારતા હોઇ તેમની ચીસો સંભળાતી હતી. સળિયા તપાવીને તેમને ડામ પણ આપવામાં આવ્યા હતાં. હું અને મારા પત્ની ઘરે આવ્યા હતાં, ખીરખાઇના સરપંચને વાત કરી સવારે નવેક વાગ્યે અમે અમારા ગામના માણસો ભેગા કરીને વાતચીત કરવાની હતી ત્યારે મારા પિતા મૃત હોવાની ખબર આવી હતી.’ આ ઉપરાંત ક્રુરતાની હદ વટાવીને ટોળકીએ તેમના ગુપ્તાંગમાં મરચુ પણ ભર્યુ હોવાની વાત જાણવા મળી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.