પોઇચામાં નર્મદા નદીમાં ડૂબેલા 15 વર્ષીય કિશોરની નીકળી અર્થી: અંતિમયાત્રામાં હિબકે ચડ્યું આખું સુરત; જુઓ વિડીયો

Surat Funeral procession: હાલ વેકેશનનો માહોલ છે. જેથી લોકો પ્રવાસનો પ્લાન બનાવે છે. કેટલાક લોકો પરિવાર સાથે રજાની મજા માણવા જાય છે.પરંતુ પરિવાર સાથે ઉત્સાહપૂર્વક ગમે તે સ્થળે ફરવા જાઓ, ત્યારે તમારી સાવચેતીનું ધ્યાન રાખવાનું ભૂલતા નહીં. કારણકે નર્મદા નદીમાં નાહવા(Surat Funeral procession) પડેલા 7 લોકો ડૂબી ગયા હોવાનું સામે આવ્યું હતું. જેમાંથી 3 લોકોનો મૃતદેહ મળી આવતા તેના રહેણાંક વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.ત્યારબાદ અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ભારે આક્રન્દ છવાઈ ગયો હતો.

નદીમાં 3 નાના બાળકો સહીત 8 લોકો નાહવા પડ્યા
અમરેલી જિલ્લાનાં મૂળ વતની અને હાલ સુરત સ્થાઈ થયેલ પ્રવાસીઓ નર્મદા જિલ્લાના ચાણોદ તાલુકામાં આવેલા પોઇચામાં ફરવા માટે ગયા હતા.જ્યાં પોઇચા (રાણીયા) ગામમાં આવેલ નર્મદા નદીમાં 3 નાના બાળકો સહીત 8 લોકો નાહવા પડ્યા હતા.જેમાંથી એકને બચાવી લેવામાં આવ્યા હતા.જયારે 7 લોકો પાણીમાં ગરકાવ થયા હતા.જેમાંથી 3 લોકોના મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

અંતિમયાત્રામાં ભારે આક્રન્દ છવાઈ ગયો હતો
મૃતદેહ સુરતના સણીયા હેમાદ ગામ ખાતે આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટી તેના નિવાસ્થાન ખાતે લવાયો હતો. ભાવેશ હડિયા પી.પી. સવાણી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો અને ધોરણ-10માં આવ્યો હતો. ભાવેશના માતા પિતા ઘરે હતા અને ભાવેશ એકલો સોસાયટીના લોકો સાથે ગયો હતો. એકલો ન જવા આગલા દિવસે ભાવેશને માર પણ માર્યો હતો. બાળક ન માનતા સોસાયટીના રહીશો સાથે એકલો મોકલવા પરિવાર માની ગયું હતું.

પરિવારનો એકનો એક દીકરો નદીમાં ડૂબી જતા મોતને ભેટ્યો છે ત્યારે મૃતદેહને નિવાસ્થાન ખાતે લવાતા મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા. ત્યારબાદ અંતિમયાત્રા નીકળી હતી. જેમાં આખું ગામ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તમામ એક જ સોસાયટીના હોવાથી હાલ શોકની કાલિમા છવાઈ ગઈ છે.

પોઇચા નર્મદા નદી પાસે સેફ્ટી રાખવાની માંગ સ્થાનિકોએ કરી
તો બીજી તરફ નદીમાં ખનન માફિયાઓ ખનન કરતા હોવાથી નદીમાં મસમોટા ખાડા પડી ગયા છે અને લોકો નાહવા પડતા ખાડામાં ગરકાવ થઇ જતા હોવાની ઘટનાઓ સામે આવી છે. તો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે જો નદી પાસે સેફ્ટી સાંકળ અથવા લાઇફ જેકેટ હોત તો આવી ઘટનાઓ ન બની હોત,ત્યારે સ્થાનિકો પોઇચા નર્મદા નદી પાસે સેફ્ટી રાખવાની માંગ કરી રહ્યા છે. તેમજ નદીમાં મગર હોવાથી અત્યારે શોધખોળમાં વિક્ષેપ આવી રહ્યો છે.