ટેબલેટ બાદ હવે મોદી સરકાર મફતમાં આપી રહી છે લેપટોપ, ફ્રીની લાલચમાં અરજી કરતા પહેલા જાણી લો હકીકત

Government Free Laptop Offer: વિદ્યાર્થીઓને લેપટોપ આપવાની સરકારની યોજના અંગેનો એક વોટ્સએપ મેસેજ આ દિવસોમાં વાયરલ થઈ રહ્યો છે. શક્ય છે કે તમને અથવા તમે જાણતા હો એવા કોઈને પણ આવો જ સંદેશ મળ્યો હોય. આ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર એવા વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપી રહી છે જેઓ આર્થિક રીતે નબળા છે અને લેપટોપ (Government Free Laptop Offer) ખરીદી શકતા નથી. આવા વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકાર તરફથી મફત લેપટોપ મળશે. ત્યાર બાદ તેમને ફોર્મ ભરવા માટે કરવામાં આવી રહ્યા છે. આ મેસેજ મુજબ કુલ 9.60 લાખ લેપટોપનું ફ્રીમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે.

શું છે સ્કીમ?
હાલમાં ઘણી રાજ્ય સરકારો વિદ્યાર્થીઓને મફતમાં લેપટોપ, ટેબલેટ અથવા મોબાઈલ ફોન આપી રહી છે. જો કે કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી. મેસેજમાં એક લિંક શેર કરવામાં આવી રહી છે, જેના પર ક્લિક કર્યા પછી એપ્લિકેશન ફોર્મ ખુલશે. આ ફોર્મમાં કહેવામાં આવી રહ્યું છે કે 10 વર્ષથી 50 વર્ષની વયજૂથના લોકોને ફ્રી લેપટોપ આપવામાં આવશે. એટલું જ નહીં, આ ફોર્મમાં સંપૂર્ણ નામ, શિક્ષણ સ્તર, લેપટોપ બ્રાન્ડ, ઉંમર વગેરે જેવી તમામ પ્રકારની માહિતી માંગવામાં આવી રહી છે.

વાયરલ થઈ રહેલો મેસેજ ફેક છે
પીઆઈબી ફેક્ટ ચેકે વોટ્સએપ પર વાયરલ થઈ રહેલા આ મેસેજને નકલી જાહેર કર્યો છે. આ ઉપરાંત યુઝર્સને ચેતવણી પણ આપવામાં આવી છે. આ મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરવાથી હેકર્સ તમારી અંગત માહિતી ચોરી શકે છે અને તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી. આવા વાયરલ મેસેજ ફોરવર્ડ ન કરો કે આપેલ લિંક પર ક્લિક ન કરો.

આ કામ ભૂલથી પણ ન કરો
આ દિવસોમાં, સાયબર ગુનેગારો લોકોને ફસાવવા માટે ઘણી યુક્તિઓ ઘડી રહ્યા છે. સ્કેમર્સ લોકોને ફ્રી સ્કીમ્સ, ફ્રી રિચાર્જ, ફ્રી ડિલિવરી, ડિસ્કાઉન્ટ કૂપન વગેરેના નામ પર લલચાવી રહ્યા છે અને તેમની સાથે મોટી સાયબર છેતરપિંડી કરી રહ્યા છે. જો તમને પણ આવી ફ્રી સ્કીમ સાથે કોઈ મેસેજ અથવા કોલ આવે તો તેને અવગણો, જેથી તમારી સાથે કોઈ પ્રકારની છેતરપિંડી ન થાય.