આણંદ(ગુજરાત): આજકાલ રાજ્યમાં દુષ્કર્મ અને છેડતીના કિસ્સા સતત વધી રહ્યા છે. આ દરમિયાન ફરીવાર આણંદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતી 14 વર્ષીય સગીરાનું શહેરના સો ફૂટ રોડ સ્થિત જૂની પાણીની ટાંકી નજીક આવેલી સોસાયટીમાં રહેતા બે સગીરે અપહરણ કરી, તેને બાઈક પર વચ્ચે બેસાડી નડિયાદના વસો સ્થિત અજાણ્યા કોમ્પ્લેક્સમાં લઈ જઈ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન, તેણે પ્રતિકાર કરતાં બંને શખ્સે ટાઈલ્સ અને પથ્થરનો બ્લોક મારી હત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે, સમગ્ર મામલે નડિયાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી સગીરાએ પ્રથમ વખત શનિવારે સવારે ચાર વાગ્યે પોતાની સાથે બનેલી ઘટના અંગે વાત કરી હતી.
આ અંગે સગીરાએ જણાવ્યું હતું કે, તે છેલ્લા એક અઠવાડિયાથી સોશિયલ મીડિયા દ્વારા આ બંને યુવકના સંપર્કમાં આવી હતી. તેઓ અવારનવાર એકબીજા સાથે વાતચીત કરતાં હોવાનું પણ સામે આવ્યું છે. શનિવારે સવારે ચાર વાગ્યાની આસપાસ તેને મેસેજ કરી ઘરની બહાર મળવા માટે બોલાવી હતી. આ દરમિયાન હું ગઈ હતી. બાદમાં હું કંઈ સમજું-વિચારું એ પહેલાં જ મને રૂમાલ સુંઘાડી બેભાન કરી દીધી હતી. એ પછી બંને યુવકો બાઈક પર વચ્ચે બેસાડી અવાવરૂ કોમ્પ્લેક્સમાં લઈ આવ્યા હતા.
મને હોશ આવ્યો ત્યારે બંને જણા મારી સાથે કંઈક અઘટિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મારાં વસ્ત્રો ખેંચી રહ્યાં હતાં જેથી મેં આ બાબતે પ્રતિકાર કર્યો હતો. મને કંઈ ભાન નહોતું. ત્યારે એક સગીરે મારા માથામાં પથ્થરનો ઘા કર્યો હતો અને બીજાએ ટાઇલ્સ જેવી વસ્તુથી ગળાના ભાગે ઘા કરતાં મને ચક્કર આવવા લાગ્યા હતા અને હું બેભાન થઈને નીચે પડી ગઈ હતી.
વધુમાં તેણે જણાવ્યું કે, મને ખબર નથી કે મારી સાથે શું બન્યું? સવારના સમયે કોમ્પ્લેક્સમાં કોઈ વ્યક્તિ આવતાં તેણે મને ભાનમાં લાવી હતી. ત્યારબાદ મારા પરિવાર અને પોલીસનો સંપર્ક કર્યો હતો. ભાનમાં આવી ત્યારે હું હોસ્પિટલમાં હતી. હાલમાં તેની હાલત સ્થિર છે. આ અંગે સગીરાનાં પરિવારજનો પણ વધુ કાંઇ કહેવા તૈયાર ન હતાં. જાણવા મળ્યું છે કે, સગીરા એક સપ્તાહથી યુવકના સંપર્કમાં હતી.
આણંદ શહેર પોલીસ દ્વારા ઘટનામાં સંડોવાયેલા બંને સગીરની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ રવિવારે મોડી સાંજે તેમને જુવેનાઈલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેઓ જે બાઈક લઈને ગયા હતા એ બાઇક પણ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવી હતી. ત્યારબાદ આ અંગે કોર્ટે બંને સગીરને અમદાવાદ બાળ રિમાન્ડ હોમમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.