બનાસકાંઠા(ગુજરાત): આજકાલ વધી રહેલા હત્યાના બનાવો દરમિયાન ફરીવાર રાજ્યમાંથી એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બનાસકાંઠાના સરહદી વિસ્તાર બેણપ ગામમાં બે મહિના પહેલા ગુમ થયેલા યુવકની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જેમાં સગા બે સાળાઓએ જ બનેવીને છરીના ઘા મારી હત્યા કરાઈ હોવાનું બહાર આવતાં જ થરાદ પોલીસ દ્વારા મૃતકના અસ્થિને પોસ્ટમોર્ટમ માટે ખસેડી એફ.એસ.એલ.ની મદદથી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, સુઇગામ તાલુકાના બેણપ ગામે દિનેશ હમીરભાઇ ઠાકોર નામના 25 વર્ષીય યુવક ઘરેથી ભાભર જવાનું કહી નીકળ્યા બાદ ગુમ થયો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. જેમાં થરાદ પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવતા મૃતકના સગા બે સાળાઓએ જ બનેવીની હત્યા કરી લાશને ઝાડીમાં ફેકી દીધી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. બેણપ ગામે રહેતા દિનેશ ઠાકોર અને તેમની બહેનના લગ્ન સાટા પદ્ધતિથી થયા હતા. આ ઉપરાંત, ચાર વર્ષ અગાઉ શિવા ઠાકોરના મોટાભાઈ ખેંગાર ઠાકોર હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.
આ હત્યા શિવા ઠાકોરના બનેવી દિનેશભાઈ ઠાકોર અને તેના પરિવારજનો દ્વારા કરવામાં આવી હોવાની શંકા હતી. આ દરમિયાન, બનેવી દિનેશ ઠાકોર બે મહિના અગાઉ તેમના સાળાઓને મળવા માટે બેણપ તેમના ખેતરે આવ્યો હતો. આ દરમિયાન, એકલતા જોઈ મોકાનો ગેરફાયદો ઉઠાવી બંને સાળા શિવા ઠાકોર અને હીરા ઠાકોરે બનેવી દિનેશ ઠાકોરને છરીના આડેધડ ઘા મારી હત્યા કરવામાં આવી હતી. ત્યારાબાદ લાશ અને ગુનામાં વપરાયેલી છરીને બાવળની ઝાડીમાં ફેંકી બંને ફરાર થઇ ગયા હતા.
જાણવા મળ્યું છે કે, આ કેસમાં થરાદ પોલીસ દ્વારા મૃતકના અસ્થિને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત, પોલીસે એફએસએલની મદદથી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ બંને હત્યારાઓની અટકાયત પણ કરવામાં આવી છે. આ અંગે થરાદ ASP પૂજા યાદવે જણાવ્યું હતું કે, “બે મહિના પહેલા ગુમ થયેલા યુવકની હત્યા કરવામાં આવી હતી. જેમાં બંને હત્યારાઓની અટકાયત કરવામાં આવી છે. આ મામલે પોલીસ દ્વાર વધારે તપાસ કરવામાં આવી રહી છે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.