અગામી 7 દિવસ ગુજરાત માટે હજુ રહેશે ‘અતિભારે’; હવામાન વિભાગે કરી ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી

Gujarat HeavyRain: ગુજરાતભરમાં મેઘરાજા જોરદાર બેટીંગ કરી રહ્યાં છે. જો કે ગઈ કાલ બપોર પછી વરસાદનું જોર ઘટ્યું હોય તેમ લાગી રહ્યુ છે. જોકે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે, કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપી છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બે સિસ્ટમ હાલમાં રાજ્ય પર સક્રિય થઈ છે. જેના કારણે રાજ્યમાં વરસાદની(Gujarat HeavyRain) આગાહી કરવામાં આવી છે. આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આગામી દિવસોમાં અતિભારે વરસાદની આગાહી
છેલ્લા એક સપ્તાહથી ગુજરાતને ધમરોળી રહેલ વરસાદ, હજુ પણ આગામી દિવસોમાં વિરામ લે તેવી કોઈ સંભાવના નથી. ગુજરાત ઉપર બે વરસાદી સિસ્ટમ સક્રીય હોવાથી હજુ પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગે આાગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં હજુ પણ વરસાદી વાતાવરણ રહેવાની સાથે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી
પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, બોટાદ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

ધોધમાર વરસાદથી દક્ષિણ ગુજરાતમાં નદીઓ બે કાંઠે
નવસારી શહેરમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું. મળતી જાણકારી અનુસાર, ભારે વરસાદના કારણે જિલ્લાની મોટાભાગની નદીઓ તોફાની બની છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.પૂર્ણા નદીની સપાટીમાં સતત વધારો થતા નીચાળવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. શહેરના રિંગરોડ પર વાહન વ્યવહાર ખોરવાયો હતો. બીજી તરફ રંગૂનવાલા નગરમાં કેડ સમા પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી ગઇ હતી.

મેઘ માહેર નહિ પણ મેઘ કહેર
ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતમાં ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. મહુવાની પૂર્ણા નદી તોફાની બનીને વહી રહી છે. ભારે વરસાદના કારણે મહુવાથી અનાવલ જતા હાઇવે પર પાણી ફરી વળ્યાં હતા. પરિણામે આ રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. રસ્તો બંધ થવાથી હજારો વાહનચાલકો અટવાઇ ગયા હતા.નવસારી જિલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીની સપાટીમાં વધારો નોંધાયો છે.

ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે. ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીના જળસ્તરમાં વધારો નોંધાયો છે. બીજી તરફ દેવધા ડેમમાં પાણીની આવક થતાં ગામમાં પાણી ઘૂસી ગયા હતા. પરિણામે બીલીમારોથી દેવધા ગામ વચ્ચેનો સંપર્ક કપાઇ ગયો હતો.