દિવસ હોય કે રાત, ભૂખ્યા-તરસ્યા કલાકો સુધી ગાડીઓમાં કેદ…મહાકુંભના ચક્કાજામમાં ફસાયેલા અનેક શ્રદ્ધાળુની આપવીતી

MahaKumbh Crowd: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ મેળા તરફ જતા રસ્તાઓને ૩૦૦ કિલોમીટર સુધી લાંબો કારનો ટ્રાફિક જામ થયો હતો. વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળામાં (MahaKumbh Crowd) હાજરી આપવા માટે ઉત્સુક લાખો યાત્રાળુઓ રવિવારે મેળા સ્થળથી સેંકડો કિલોમીટર દૂર પોતાની કારમાં ફસાયેલા જોવા મળ્યા હતા. પ્રયાગરાજ મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓ માટે જબલપુર, કટની, રેવા થઈને પ્રયાગરાજ જતા મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા કલાકોથી લાંબો જામ છે.

200-300 કિમી સુધી ટ્રાફિક જામ થયો
કટની પોલીસે તો લોકોને હાથ જોડીને પાછા ફરવા અપીલ પણ કરી છે. આ જામનું મુખ્ય કારણ મહાકુંભમાં ભાગ લેવા માટે લાખો ભક્તોનું રસ્તાઓ પર આગમન છે. ટોલ બેરિયર્સ પર મનસ્વી વસૂલાત પણ આ સમસ્યાને વધારી રહી છે. દક્ષિણ ભારતમાંથી આવતા ભક્તો પણ આ માર્ગનો ઉપયોગ કરે છે, જેના કારણે ટ્રાફિકનું દબાણ વધુ વધી ગયું છે. વહીવટીતંત્રની અપૂરતી તૈયારી પણ સામે આવી છે.એક રિપોર્ટ અનુસાર, 200-300 કિમી સુધી ટ્રાફિક જામ થયો હતો જેમાં મધ્યપ્રદેશ થઈને મહા કુંભ મેળા તરફ જતા યાત્રાળુઓના વાહનોનો સમાવેશ થતો હતો અને રવિવારે ત્યાંની પોલીસે વિવિધ જિલ્લાઓમાં ટ્રાફિક બંધ કરી દીધો હતો, જેના કારણે લોકો ઘણા કલાકો સુધી રસ્તાઓ પર અટવાઈ ગયા હતા.

કાર અને ટ્રકની મોટી કતારો જોવા મળી
કટની જિલ્લામાં પોલીસ વાહનોએ જાહેરાત કરી કે સોમવાર સુધી ટ્રાફિક બંધ છે, જ્યારે મૈહર પોલીસે વાહનોને કટની અને જબલપુર તરફ પાછા ફરવા અને ત્યાં જ રહેવા કહ્યું હતુ. પીટીઆઇએ એક રિપોર્ટમાં પોલીસને ટાંકીને કહ્યું હતું કે “આજે પ્રયાગરાજ તરફ આગળ વધવું અશક્ય છે કારણ કે 200-300 કિલોમીટરનો ટ્રાફિક જામ છે. સોશિયલ મીડિયા પરના ઘણા વીડિયોમાં મધ્યપ્રદેશના કટની, જબલપુર, મૈહર અને રેવા જિલ્લાઓના રસ્તાઓ પર હજારો કાર અને ટ્રકની મોટી કતારો જોવા મળી રહી છે.

‘કદાચ દુનિયાનો સૌથી મોટો ટ્રાફિક જામ’
પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો છે કે રેવા જિલ્લાના ચકઘાટ ખાતે કટનીથી એમપી-યુપી સરહદ સુધીના 250 કિલોમીટરમાં ભારે ટ્રાફિક જામ છે. મુસાફરોએ સોશિયલ મીડિયા પર ટ્રાફિક જામ અંગે વાત કરી હતી. જેમાં એક યુઝરે કહ્યું, “જબલપુરથી 15 કિમી પહેલા ટ્રાફિક જામ છે. હજુ પણ પ્રયાગરાજથી 400 કિમી દૂર છે.

પોલીસે ઘરે પરત જવા કરી અપીલ
પ્રયાગરાજ મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે લાખો ભક્તો એકઠા થયા છે. આના કારણે જબલપુર, કટની અને રીવા થઈને પ્રયાગરાજ જતો મુખ્ય રસ્તો સંપૂર્ણપણે જામ થઈ ગયો છે. આ જામ લગભગ 10 થી 15 કિમી લાંબો છે. રવિવારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી. દૂર દૂર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. કટનીમાં પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે પોલીસે લોકોને પાછા ફરવા માટે અપીલ કરવી પડી હતી.