BAPS Hindu Temple in Abu Dhabi: તારીખ 9 સપ્ટેમ્બરના રોજ અબુ ધાબી ખાતે નિર્મિત BAPS હિન્દુ મંદિરમાં આ અભૂતપૂર્વ મંદિરની ઐતિહાસિક નિર્માણ ગાથાને (The Fairy Tale BAPS Hindu mandir Abu Dhabi ) રોમાંચક રીતે પ્રસ્તુત કરતા ઈમર્સિવ શો ‘ધ ફેરી ટેલ’ નો ગ્રાન્ડ પ્રીમિયર યોજાયો હતો.
100 દિવસોમાં દસ લાખ કરતાં વધુ મુલાકાતીઓ આવ્યા
અબુધાબીના શાસકોની ઉદારતા અને BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંતો અને સ્વયંસેવકોની નિષ્ઠા અને ભક્તિસભર પુરુષાર્થ દ્વારા નિર્મિત આ મંદિરના આ વર્ષે ફેબ્રુઆરીમાં ઉદઘાટન બાદ પ્રથમ 100 દિવસોમાં દસ લાખ કરતાં વધુ મુલાકાતીઓ દર્શને આવી ચૂક્યા છે. મંદિરના લોકાર્પણના પ્રથમ દિવસે જ આ મંદિરના દર્શનાર્થે 65,000 દર્શનાર્થીઓ, મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા, જે આ મંદિર માટેની લોકોમાં અપાર ઉત્કંઠા દર્શાવે છે.
ટેકનોલોજીના સમન્વય દ્વારા સારો સંદેશો આપવામાં આવે છે
ભારતીય સંસ્કૃતિના છેલ્લાં 10,000 વર્ષોના કળા, સ્થાપત્ય અને મૂલ્યોના અભૂતપૂર્વ સંગમ સમું આ મંદિર પરંપરાગત ભારતીય શિલ્પ કળા, અને આધુનિકતમ ટેકનોલોજીના સમન્વય દ્વારા સંવાદિતા, એકતા અને પર્યાવરણીય જાગૃતિનો સંદેશ આપે છે.BAPSના સંતો અને સ્વયંસેવકોની સાથે પ્રોફેશનલ ઓડિયો વિઝ્યુઅલ એક્સપર્ટસના સહયોગથી આ ‘ ધ ફેરી ટેલ’ ઈમર્સિવ્ શૉ’ ના ક્રિએટિવ કોન્સેપ્ટ, સ્ક્રિપ્ટ, વિઝ્યુલાઇઝેશન અને એનિમેશનમાં ત્રણ મહિના કરતાં વધુ સમય લાગ્યો હતો.
અદ્યતન સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ દ્વારા સમગ્ર પ્રસ્તુતિ જીવંત થાય છે
20 પ્રોજેક્ટર અને અદ્યતન સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ દ્વારા સમગ્ર પ્રસ્તુતિ જીવંત થઈ ઊઠે છે. પ્રેક્ષકો જાણે મંદિર નિર્માણની ઐતિહાસિક સીમાચિહ્નસમી ઘટનાઓ જેવી કે 1997માં શારજાહના રણમાં પ્રમુખસ્વામી મહારાજ દ્વારા અબુધાબીમાં મંદિર નિર્માણ નો સંકલ્પ, 2018માં યુએઈના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહ્યાનના પ્રેસિડેન્શિયલ પેલેસમાં સંતોની મુલાકાત, 2024માં મહંત સ્વામી મહારાજ અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન – વગેરે પ્રસંગોની રોમાંચક અનુભૂતિ કરે છે.
અત્યાર સુધી આશરે 67 અબજ જેટલી સકારાત્મક ડિજિટલ ઇમ્પ્રેશન જનરેટ થઈ
વિષમ ખાણો, તોફાની સમુદ્રો, અને સૂક્ષ્મ કોતરણીના દ્રશ્યોમાંથી પસાર થતાં પ્રેક્ષકો ‘મિલેનિયમ મોન્યુમેન્ટ’ સમા આ અભૂતપૂર્વ મંદિરના નિર્માણમાં વિશ્વભરના હજારો સહભાગીઓના હૃદયપૂર્વકના સહિયારા પ્રયાસોના પ્રભાવની અનુભૂતિ પણ કરે છે. અબુ ધાબીને સંવાદિતાના કેન્દ્ર તરીકે વધાવીને આ શૉ મંદિરના સહિષ્ણુતા અને વૈશ્વિક સંવાદિતાના સંદેશને ઉજાગર કરે છે, આ મંદિરને લગતી અત્યાર સુધી આશરે 67 અબજ જેટલી સકારાત્મક ડિજિટલ ઇમ્પ્રેશન જનરેટ થઈ છે, જેના દ્વારા તે વિવિધ સંસ્કૃતિઓ, સમુદાયો અને ધર્મોને જોડતા સેતુરૂપ બની રહ્યું છે.
બ્રહ્મવિહારી સ્વામીએ આપ્યું પ્રવચન
આ ઈમર્સિવ્ શૉના ઉદ્ઘાટન કાર્યક્રમ BAPS હિન્દુ મંદિરના ‘ઓર્ચડ’ માં યોજવામાં આવ્યો હતો. આ મંદિરના મુખ્ય સંત અને તેના નિર્માણમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પાસાઓમાં માર્ગદર્શન આપનાર મુખ્ય કાર્યવાહક સંત તરીકે જેમણે સેવાઓ પ્રદાન કરી છે, તેવા બ્રહ્મવિહારી સ્વામીએ તેઓના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, ‘આ ‘ ધ ફેરી ટેલ ‘ શૉના ઉદ્ઘાટન પ્રસંગે અમે ખૂબ ગૌરવ અને સન્માનની લાગણી અનુભવીએ છીએ, આ શૉ મંદિરની અકલ્પનીય યાત્રાને તો દર્શાવે જ છે, પરંતુ સાથે સાથે સૌના હૃદયનું પ્રતિબિંબ પણ છે. યુ એ ઈમાં જે પ્રેમ, સંવાદિતા અને સહકાર સાંપડ્યો છે તે વૈશ્વિક સંવાદિતા માટેના આધ્યાત્મિક સ્થાન એવા આ મંદિરના સર્જનમાં કારણભૂત છે. અહીં શરૂ થઈ રહેલો ઇમર્સિવ્ શૉ, અહીં આવનાર પ્રત્યેક મુલાકાતીને સંવાદિતાના પ્રતિનિધિ તરીકે વર્તવા પ્રેરિત કરશે, જેથી પોતાના સંકલ્પો, કાર્યો અને પરસ્પર આદાન પ્રદાન દ્વારા પ્રત્યેક વ્યક્તિ પોતાના ઘર, કાર્યસ્થળ, અને સમાજને વધુ ને વધુ સંવાદિતાથી સભર બનાવી શકે.’
‘5P’નું સમજાવ્યું મહત્વ
‘ 5P’ના મહત્વ વિશે જણાવતાં કહ્યું કે , પ્રથમ P, એટલે કે પોલિસી, એટલે કે જે તે રાષ્ટ્રની નીતિઓ, દ્વિતીય P એટલે કે પ્લેસ, એવા સ્થાન જે મનુષ્યનું ભાવિ ઘડે છે, તૃતીય P એટલે કે પીપલ, એવા મનુષ્યો જે તમારી ભાવનાઓને પ્રભાવિત કરે છે, ચતુર્થ P એટલે કે પ્રિન્સિપલ, એવા સિદ્ધાંતો જે તમારમાન્યતાઓને આકાર આપે છે, આ ચારેય અગત્યના છે, પરંતુ સૌથી વધારે અગત્યનું છે છેલ્લું P, એટલે કે પર્સપેક્ટિવ, અભિગમ.આ મંદિરે તેના લાખો મુલાકાતીઓને એવા અભિગમની ભેટ આપી છે, જે પરસ્પર પ્રેમ, સંવાદિતા અને સહ અસ્તિત્વ યુક્ત વિશ્વમાં વિશ્વાસ ધરાવે છે.
ધ ફેરી ટેલ શો બી. એ.પી. એસ હિન્દુ મંદિર દ્વારા વી એફ એસ ગ્લોબલ ના સહકાર સાથે બનાવવામાં આવ્યો છે. આ શૉ 13 સપ્ટેમ્બરથી મુલાકાતીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App