Steal firewood: સુરત જિલ્લા વન વિભાગે લાકડા ચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સુરત જિલ્લાના માંડવી ઉપરાંત નવસારી, ડાંગ અને વલસાડના જંગલોમાંથી ખેરના લાકડાની ચોરી કરી મધ્યપ્રદેશમાં મોકલાતા હતા. સુરત વન વિભાગે ખેરના લાકડાની ચોરીના(Steal firewood) રેકેટનો પર્દાફાશ કર્યો છે, પરંતુ આ લાકડું કોને સપ્લાય થતું હતું તે દિશામાં તપાસ થાય તો રેલો મોટી ગુટકા કંપનીઓ સુધી પહોંચી શકે છે. કારણ કે ખેરના લાકડામાંથી પાનમાં ખવાતો કાથો બને છે.
આ રીતે થયો લાકડાં ચોરી કરવાના રેકેટનો પર્દાફાશ
સુરત વન વિભાગના અધિકારીઓએ 16મી જૂને ખેરનાં લાકડા ભરેલી ટ્રક ઝડપી હતી. જ્યારે ટ્રક ડ્રાઈવરની પૂછતાછ કરાતા તેણે ખેરનું લાકડું મધ્ય પ્રદેશના અલીરાજપુર લઈ જવાતું હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ વન વિભાગના અધિકારીઓએ મધ્ય પ્રદેશના અલીરાજપુરમાં દરોડા પાડયા હતા. જ્યાંથી તેઓને 2055 મેટ્રિક ટન લાકડું સંગ્રહ કરેલું મળી આવ્યું હતું. જેની બજાર કિંમત 5.13 કરોડ રૂપિયા થાય હતી. વન વિભાગે આ લાકડું જપ્ત કરી ડેપો મેનેજર આરીફઅલી અમજલઅલી મકરાની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ આરીફઅલી મકરાની સાથે ખેરના લાકડા ચોરી પ્રકરણમાં કોણ કોણ સંડોવાયેલું છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
તપાસનો રેલો મધ્યપ્રદેશ સુધી પહોંચ્યો
પુષ્પા ફિલ્મની જેમ જંગલ વિસ્તારમાંથી લાકડા ચોરી કરી ટ્રક મારફત અન્ય રાજ્યોમાં મોકલતા લાકડા ચોરોને ગઈ તા. 14 મી જૂનના રોજ માંડવી દક્ષિણ રેન્જ વન વિભાગની ટીમે માંડવી દક્ષિણ રેંજના જંગલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. ખેરના લાકડા ચોરીની એક ટ્રક વન વિભાગે પકડી હતી. ટ્રક ચાલકની પૂછપરછમાં તપાસનો રેલો મધ્યપ્રદેશ સુધી પહોંચ્યો હતો.
5 કરોડથી વધુનો મુદ્દામાલ વન વિભાગની ટીમને મળી આવ્યો
ઝડપાયેલી ટ્રકનું પગેરું શોધતા લાકડા ચોરીનું નેટવર્ક મધ્યપ્રદેશના અલીરાજપુરમાં હોવાનું ચોંકાવનારી માહિતી વન વિભાગની ટીમને મળી હતી. જેથી માંડવી દક્ષિણ રેન્જ વન વિભાગે અલગ અલગ ટીમ બનાવીને તાત્કાલિક મધ્યપ્રદેશના અલીરાજપુરમાં ધામો નાખ્યો હતો. જ્યાં અલીરાજપુર ખાતે આવેલ લાકડાના ડેપોમાં મોટા પ્રમાણમાં ખેરના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો.વન વિભાગની ટીમે તપાસ કરતા લાકડાના ડેપોમાંથી 2000 મેટ્રિક ટન એટલે કે 5 કરોડથી વધુનો મુદ્દામાલ વન વિભાગની ટીમને મળી આવ્યો હતો. જેથી વન વિભાગની ટીમે તમામ મુદ્દા માલ અલીરાજપુર ખાતે સીલ કર્યો હતો. આ લાકડાનો ડેપો ચલાવનાર મેનેજર આરીફઅલી અમજલ અલી મકરાણીની ધરપકડ કરી લેવામાં આવી હતી.
ખેરના લાડકાનો ઉપયોગ ગુટકા બનાવવામાં થાય છે
પરંપરાગત રીતે પાનમાં ખવાતો કાથો ખેરના લાકડામાંથી બને છે અને જો પાનમાં તે ખાવામાં આવે તો તેનો જથ્થો મર્યાદિત માત્રામાં જોઇએ છે. પરંતુ ગુટકા બનાવવામાં મોટી માત્રામાં કાથાનો વપરાશ થાય છે અને ગુજરાત સહિત દેશભરમાં ગુટકાનું ધુમ વેચાણ થતું હોવાથી ગુટકા બનાવતી કંપનીઓ દ્વારા બે નંબરમાં ખેરના લાકડાની મોં માંગ્યા ભાવ આપીને ખરીદી કરવામાં આવે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App