ભાજપ કોર્પોરેટરની નજર સામે બનેલો રોડ માત્ર પાંચ દિવસમાં ટળી ગયો- અમદાવાદનો આવો વિકાસ જોઈ ગાંડીતુર થઇ જનતા

અમદાવાદ(ગુજરાત): હાલમાં વરસાદે રાજ્યમાં જયારે ભારે જોર પકડ્યું છે ત્યારે રાજ્યના ઘણા શહેરોમાં ઠેકઠેકાણે રોડ તૂટી ગયાં છે અને રસ્તા પર ગાબડાં પડી ગયાં છે. આ દરમિયાન, મ્યુનિસિપલ તંત્ર દ્વારા આ ગાબડાં પુરવાનું કામ મોટાભાગે પુરૂ કરી નાંખ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બીજી બાજુ શહેરમાં ન્યૂ મણિનગર વિસ્તારમાં તૂટી ગયેલા રોડ પર ફરી વાર નવો રોડ બનાવવાની માંગ ઘણા સમયથી હતી. ત્યારે અહીં ભાજપના કોર્પોરેટરો દ્વારા ખુદ ઉભા રહીને રોડ તૈયાર કરાવવામાં આવ્યો હતો. જે તૈયાર થયા બાદ માત્ર પાંચ જ દિવસમાં બેસી ગયો હતો. ગણતરીના સમયમાં રોડ બેસી જતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતની સ્થાનિકોમાં ચર્ચા ઉઠી છે.

મળતી માહિતી મુજબ, શહેરના રામોલ હાથીજણ વોર્ડમાં આવતા ન્યુ મણિનગર વિસ્તારમાં આ પેચવર્કની કામગીરીનો પોલ ખોલ વીડિયો સામે આવ્યો છે. રામોલ હાથીજણ વોર્ડના ભાજપના કોર્પોરેટરો દ્વારા ગૃહમંત્રીની વિધાનસભા બેઠક વટવાએ વિકાસ અને વિકાસએ વટવાના નામે ગીત સાથે રોડ બનાવ્યાનો વીડિયો બનાવવામાં આવ્યો હતો. રોડ બન્યાના પાંચ દિવસમાં જ બેસી ગયો હતો અને ફરી પાછો ત્યાં ખાડો પડી ગયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ડ્રેનેજ લાઈન નાખી હતી અને તેની ઉપર પેચવર્ક કરવામાં આવ્યું હતું.

જાણવા મળ્યું છે કે, વોર્ડના ભાજપ કોર્પોરેટર ચંદ્રિકાબેન પંચાલ સહિતના કોર્પોરેટરોએ મધરાતે રાઉન્ડ લેવાતો હોવાનો પ્રચાર કરતા ફોટો પડાવ્યા હતા. આ ઉપરાંત, ગૃહમંત્રીની વટવા વિધાનસભામાં મોટો વિકાસ કરવામાં આવતો હોવાના ગીત મારફતે બણગાં પણ ફૂંક્યા હતા. તેમણે રોડની કામગીરીનો વીડિયો પણ બનાવ્યો હતો. જોકે, માત્ર ગણતરીના દિવસમાં જ રોડ બેસી જતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. કોન્ટ્રાકટરો અને અધિકારીઓ દ્વારા કામગીરી સરખી અને ગુણવત્તાયુક્ત કરવામાં આવે છે કે કેમ તે તપાસવા કોર્પોરેટરો જાય છે કે પછી રાતે કામ કરવા બહાર નીકળે છે તેવા ફોટો પડાવવા માટે જાય છે તેના પર સવાલ ઉઠ્યા છે.

ચોમાસાની શરૂઆતમાં જ અમદાવાદમાં ખાડા અને રોડ તૂટી જવાની ફરિયાદ ઉભી થઇ હતી. શહેરમાં વરસાદ બંધ હોવાથી જુદા જુદા રસ્તા ઉપર પેચવર્કના કામો મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર ખાતાનાં અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. એક પછી એક પેચવર્કનાં કામો ઝડપથી કરી 10 હજાર જેટલા ખાડા પૂરવામાં આવ્યા હોવાનો દાવો કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે.

કોર્પોરેટરો દ્વારા પણ પોતાના વોર્ડમાં રોડના ખાડા પુરવાની કામગીરી શરૂ કરાવવા રજૂઆત કરતા ઈજનેર ખાતા દ્વારા શહેરમાં રોડના પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ, પેચવર્કની કામગીરીમાં કોન્ટ્રાક્ટરો દ્વારા બેદરકારી દાખવી અને ગમે તેમ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *