Surat Sardar Katha: સરદારધામ દક્ષિણ ગુજરાત યુવા સંગઠન ટીમ દ્વારા સુરતના આંગણે સરદાર કથાનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે આપણે શ્રીમદ ભાગવદ્ પુરાણની કથા, શિવપુરાણ કથા, શ્રી રામ ચરિત માણસ કથા સાંભળી હોય અને શાસ્ત્રો પરની આવી કથાઓ આપણામાં આધ્યાત્મિક ઊર્જા પુરવાનું કામ કરતી હોય છે. આ કથાઓની (Surat Sardar Katha) સાથે સાથે સમાજમાં ખાસ કરીને યુવાનોમાં રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ જાગૃત થાય , રાષ્ટ્રભક્તિ પેદા થાય , પોતાની ઊર્જાનો અને પોતાની શક્તિનો તેઓ સકારાત્મક ઉપયોગ કરીને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું કામ કરી શકે એ આશય સાથે જેને 562 રજવાડાઓ એક કરી અખંડ ભારતનું સર્જન કર્યું એવા સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પરની કથાનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ ત્રણ દિવસીય કથામાં ખુબ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. ઠંડીની ઋતુ, લગ્નગાળો આમ ઘણા બધા પ્રતિકુળ સંજોગો હોવા છતાં મોટી સંખ્યામાં આમાં લોકો જોડાયા હતા. વિશેષ બાબત તો એ હતી કે પુરુષોની સાથે સાથે મહિલાઓ પણ ખુબ મોટી સંખ્યામાં આ કથામાં હાજર રહી હતી. સુરતના તમામ નામાંકિત મહાનુભાવોએ પણ આ કથાનો લાભ લીધો હતો. અને પાટીદાર સમાજની સાથે સાથે અન્ય તમામ સમાજનાં આગેવાનો પણ આ કથામાં આવ્યા હતા એ કથાની વિશેષતા છે. સરદાર સાહેબે જેવી રીતે સમગ્ર ભારતને એક કર્યું એ જ પ્રમાણે સરદારધામે આ કથાના માધ્યમ દ્વારા જુદા જુદા સમાજને એક કરવાનો પ્રયત્ન કર્યો હતો અને એ સફળ પણ રહ્યો હતો.
કથાના વક્તા શૈલેશભાઈ સગપરિયાએ અત્યંત સરળ શૈલીમાં અને ઉદાહરણો સાથે ખુબ સરસ રીતે સરદાર સાહેબના જીવનને સમજાવ્યું હતું. સરદાર સાહેબના બાળપણથી લઈને એમના જીવનના વિવિધ તબક્કાઓના વિવિધ પ્રસંગોની વાતો રજુ કરી. અને વર્તમાન સમયે આપણે શું કરવું જોઈએ એની સુંદર વિભાવનાઓ પ્રસ્તુત કરી હતી. ખાસ કરીને સરદાર સાહેબના વિદ્યાર્થી કાળ દરમ્યાન એક નીડર વિદ્યાર્થી તરીકે એમણે જે પ્રમાણેની કામગીરી કરી હતી એ કામગીરીની વાતો પ્રસ્તુત થઇ હતી. પરિવાર માટે એમણે કરેલો ત્યાગ, એમનું સમર્પણ, મોટા ભાઈ માટે એમણે પોતાની અંગત બચતમાંથી લંડન ભણવા જવા માટેની કરેલી તમામ તૈયારીઓ જતી કરીને મોટા ભાઈને ત્યાં જવાની આપેલી તક, પોતાના પત્નીનું અવસાન થયું ત્યારે પણ પૂર્ણ સ્થિરતા સાથે પોતાનું નીભાવેલું કર્તવ્ય આવી તમામ બાબતો રજુ કરીને આપણે સરદાર સાહેબના જીવનમાંથી શું શીખવું જોઈએ તેની વાતો પ્રસ્તુત થઇ હતી.
સાથે સાથે સરદાર સાહેબે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે અમદાવાદનો વિકાસ કેવી રીતે કર્યો એ વાતો પણ લોકોની સમક્ષ મુકવામાં આવી. સરદાર સાહેબે એમના જીવનના સૌથી પહેલા ખેડા સત્યાગ્રહમાં કઈ રીતે સફળતા પ્રાપ્ત કરી, બારડોલીના સત્યાગ્રહથી એ સરદાર કહેવાયા એ બારડોલીના સત્યાગ્રહમાં બારડોલીના લોકોમાં એમણે કેવી રીતે ઊર્જાનું સિંચન કર્યું હતું આ બધી જ વાતો ખુબ રસપ્રદ રીતે આ કથામાં પ્રસ્તુત કરવામાં આવી હતી. સરદાર સાહેબે 562 રજવાડાઓનું એકીકરણ કરીને અખંડ ભારતનું સર્જન કર્યું. આ રજવાડાઓના એકત્રીકરણમાં ત્રાવણકોરનો પ્રશ્ન, ભોપાલનો પ્રશ્ન, જેસલમેર-બિકાનેરઅને જોધપુરનો પ્રશ્ન, જુનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીરનો પ્રશ્ન આ તમામ પ્રશ્નો પર વિગતે ચર્ચા કરવામાં આવી હતી અને લોકોને આ અંગેની ખુબ રસપ્રદ માહિતી પ્રસ્તુત કરવામાં આવી હતી.
આ ઉપરાંત સરદાર સાહેબે સરદાર સરોવર યોજનામાં આપેલું યોગદાન, અમુલ ડેરીનું યોગદાન, એ ઉપરાંત UPSCની જે રચના કરી જેથી દેશને સારા વહીવટકર્તાઓ મળી રહે, અધિકારીઓ મળી રહે, IAS અને IPSનું માળખું જે સરદાર સાહેબે આપ્યું તે ભાવનગરની અંદર 1939માં સરદાર સાહેબ પર થયેલો હુમલો, વલ્લભ વિદ્યાનગરની એમણે કરેલી એક કલ્પના કે જેથી કરીને ગામડામાં પણ શહેર જેવી સુવિધા મળે અને શિક્ષણમંત્રી તૈયાર થાય અને વલ્લભ વિદ્યાનગરને કઈ રીતે સાકાર કર્યું આ બધી જ વાતો ખુબ સરસ રીતે આ કથામાં વણી લીધી હતી. ત્રણ દીવસની આ કથા સાંભળીને કથા સાંભળનાર તમામ સરદાર સાહેબને સાચી રીતે સમજ્યા હતા અને એમણે રાષ્ટ્ર માટે જે કઈ પણ કર્તવ્ય બજાવ્યું એ જ પ્રમાણે રાષ્ટ્રનિર્માણમાં પોતે શું કામ કરી શકે એ માટે સંકલ્પબદ્ધ થયા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App