અહીંયા આવેલું છે 18 ભુજાઓવાળા મહાકાળી માતાજીનું અવિસ્મરણીય અને અનોખું મંદિર

Mahakali Mata Temple: સુરતમાં હાલ ચાલી રહેલા ચેત્ર નવરાત્રીના તહેવાર દરમિયાન કોટ વિસ્તારના માતાજીના અનેક મંદિરો સુરતીઓ માટે આસ્થાનું કેન્દ્ર બની (Mahakali Mata Temple) જાય છે. તેમાં પણ કેટલાક માતાજીના મંદિરો એવા છે જેની ખાસિયતથી નવી પેઢી હજી પણ અજાણ છે. આવું જ એક મંદિર સુરતના કોટ વિસ્તારમાં અંબાજી રોડ પર આવેલું મહાકાળી માતાનું મંદિર છે. 300 વર્ષ કરતાં વધુ પૌરાણિક એવા મંદિરમાં આજે પણ લોકો શ્રદ્ધાથી માથું ટેકવી રહ્યાં છે. સુરતના અંબાજી રોડ પર મહાકાળી માતાજીના 18 હાથની પ્રતિમા છે પણ સંપૂર્ણ પ્રતિમાના દર્શન વર્ષમાં ચાર જ દિવસ ભક્તો કરી શકે છે. ભક્તોની માનતા પુરી થાય તો મંગળવારે માતાજીને લીંબુના હાર ચઢાવવામા આવે છે.

સંવત 1771 એટલે કે આજથી 310 વર્ષ પહેલા બનાવ્યું હતું
સુરતના કોટ વિસ્તારમાં પૌરાણિક એવા અંબાજી માતાના મંદિરની નજીક મહાકાળી માતા ના ખાંચામાં મહાકાળી માતાનું મંદિર આવેલું છે. આ મંદિરનું નિર્માણ વિક્રમ સંવત 1771 માં થયું હતું. હાલમાં આ મંદિરમાં સાતમી પેઢી માતાજીની સેવા પૂજા કરી રહી છે. મંદિરના પૂજારી ધવલ જોશી કહે છે, અમારા પરદાદા આત્મારામ ભટ્ટ માતાજીના ભક્ત હતા તેમને માતાજી સ્વપ્નમાં આવ્યા હતા અને જે સ્વરુપે આવ્યા હતા તે માતાજીના સ્વરૂપની પ્રતિમા વિક્રમ સંવત 1771 એટલે કે આજથી 310 વર્ષ પહેલા બનાવ્યું હતું.

18 હાથના દર્શન આખા વર્ષમાં ચાર જ વખત થાય છે
અહીં જે માતાજીની પ્રતિમા છે તે રૌદ્ર સ્વરુપમાં છે અને માતાજીના 18 હાથ છે આવા પ્રકારની પ્રતિમા કોઈ જગ્યાએ જોઈ હોય તેનો ખ્યાલ નથી. આ પ્રકારની પ્રતિમા છે પરંતુ સામાન્ય દિવસોમાં માતાજીના બે હાથના જ દર્શન થાય છે. પરંતુ 18 હાથના દર્શન આખા વર્ષમાં ચાર જ વખત થાય છે. જેમાં ચૈત્રી નવરાત્રીની આઠમ, આસો નવરાત્રીની આઠમ મહાસુદ છઠના દિવસે માતાજીની સાલગીરી હોય તે દિવસ અને હિન્દુઓનું નવું વર્ષના દિવસે માતાજીના તમામ 18 હાથના દર્શન લોકો કરી શકે છે. આ દિવસમાં માતાજીનું સંપૂર્ણ સ્વરૂપના દર્શન થતાં હોવાથી ભક્તોની ભારે ભીડ જામે છે.

માનતા પુરી થાય તો મંગળવારે માતાજીને લીંબુના હાર ચઢાવવામા આવે છે
આ મંદિરમાં અનેક ભક્તોની ભારે શ્રદ્ધા છે અહીં લોકોની માનતા પુરી થાય છે તો લોકો માતાજીને લીંબુના હાર ચઢાવે છે. જોકે, આ લીંબુના હાર માત્ર મંગળવારે જ માતાજીને ચઢાવવામાં આવી રહ્યાં છે તેમાં પણ લીંબુની સંખ્યા એકી રાખવામાં આવે છે. અનેક લોકોની માનતા પુરી થતી હોય મંગળવારે માતાજીને ફુલના હાર સાથે સાથે લીંબુના હાર પણ ભક્તો ચઢાવી માતાજીની આરાધના કરી રહ્યાં છે.

નવરાત્રીમાં માતાજીના મંદિરમાં ભક્તો ભજન કરવા સાથે ગરબા પણ રમે છે
સુરતના અંબાજી રોડ વિસ્તારમાં 300 વર્ષ કરતાં વધુ પૌરાણિક એવા મહાકાળી માતાજીના મંદિરમાં માતાજીની પ્રતિમાનું રૌદ્ર સ્વરૂપ છે. આ મંદિરમાં માતાજી સાથે સાથે ગૌતમ ગોત્રના શકરામ્બીકા માતાજીની પ્રતિમા છે તેથી નવરાત્રી દરમિયાન આ ગૌત્રના લોકો અહીં કાળકા માતા સાથે પોતાની કુળદેવીના દર્શન કરવા માટે પણ મોટી સંખ્યામા આવે છે. આ ઉપરાંત કાળકા માતાજીની પ્રતિમા છે તે નરસિંહ ભગવાન સાથે જોવા મળે છે આવી પ્રતિમા ભાગ્યે જ જોવા મળે છે.