શીતળામાતાજીનું પ્રાચીન મંદિર: મીઠું ધરાવી દર્શન કરતાં જ આંખની બીમારી થાય છે ગાયબ

Sheetla Mataji Temple: હિન્દુ ધર્મના લોકોમાં દેવી-દેવતાઓમાં એક આગવી શ્રદ્ધા રહેલી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કૂંપટ ગામે આવેલ 700 વર્ષ પૌરાણિક શીતળા માતાના મંદિરનો (Sheetla Mataji Temple) પણ જૂનો ઇતિહાસ રહેલો છે.

વર્ષમાં બે વાર ઉજવાય છે શીતળા સાતમ
ડીસા તાલુકાના કૂંપટ ગામમાં બિરાજમાન શીતળા માતાના પ્રાચીન મંદિરે પણ દર વર્ષે શીતળા સાતમના દિવસે ભવ્ય ભાતીગળ લોકમેળો ઉત્સાહ અને ભક્તિ ભાવભર્યા માહોલમાં સંપન્ન થાય છે. વર્ષોથી યોજાતા આ મેળામાં ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન થયા છે. આમ તો શીતળા સાતમ વર્ષમાં બે વાર આવે છે.. એક શીતળા સાતમ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં ઉજવાય છે.જ્યારે બીજી શીતળા સાતમ ફાગણ વદ સાતમના દિવસે ઉજવાય છે. ત્યારે ફાગણ વદ સાતમના દિવસે ડીસા પંથકમાં શીતળા સાતમ પર્વની ઉજવણી પણ કરાઈ હતી. મારવાડી સમાજમાં ફાગણ માસમાં આવતી શીતળા સાતમનું ખૂબ મહત્વ હોય છે.

જૈન સમાજ દ્વારા મંદિરની સ્થાપના
700 વર્ષ પહેલા જૈન સમાજ દ્વારા શીતળા માતાના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. ગામ બન્યું તે પહેલા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષોથી શીતળા માતાની પૂજા અર્ચના પણ જૈન સમાજ દ્વારા કરવામાં આવતી હતી. કહેવામાં આવે છે કે કોઈપણ નાના બાળકને આંખોની બીમારી થાય તો આ મંદિરે બાધા આખડી રાખવામાં આવે છે. જેના કારણે બાળકોમાં આવેલી આંખની બીમારી જતી રહે છે.

આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. જેના કારણે દર વર્ષે આ મંદિરે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો પોતાના બાળકોની બાધા આંખડીઓ પૂર્ણ કરવા માટે આવે છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ આ મંદિરે જોવા મળી રહી છે. આજે જૈન સમાજના લોકો પોતાના ધંધા વ્યવસાય માટે આ ગામમાંથી નીકળી ગયા છે. જેના કારણે અહીં વસવાટ કરતા દરબાર સમાજ અને ઠાકોર સમાજ દ્વારા આ મંદિરની દેખરેખ રાખવામાં આવે છે.

આંખની બીમારી અહીંયા દૂર થાય છે
નાના બાળકને આંખોની બીમારી થાય તો શીતળામાતાજીના મંદિરે બાધા રાખવામાં આવે છે અને ભાવિકની માતાજી માટેની શ્રદ્ધા આંખની બીમારીને દૂર કરે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે જેના કારણે દર વર્ષે શીતળામાતાના મંદિરે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો પોતાના બાળકોની બાધા પૂર્ણ કરવા માટે આવે છે.શીતળામાતાજીનુ હથિયાર સાવરણી છે, ભાવિકો માનતા પૂર્ણ થતા માતાજીને શ્રીફળ,મીઠુ,ગવારની ખરજ, ભાજી અને સાવરણી પણ ચડાવે છે.