ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે: આ તારીખથી મોટાભાગના શહેરોમાં તાપમાન વધશે

Gujarat Heatwave Forecast: ગુજરાતમાં એપ્રિલ મહિનાના મોટાભાગના દિવસોમાં ગરમીનો પ્રકોપ રહ્યો છે. ત્યારે હવે એપ્રિલ મહિનાના ગણતરીના દિવસો (Gujarat Heatwave Forecast) બાકી છે. તેમાં પણ ગરમી અને હીટવેવથી કોઈ રાહત મળે તેવી આગાહી કરવામાં નથી આવી. હવામાન વિભાગ અને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડે તેવી આગાહી કરી છે.

છેલ્લા 24 કલાકનું તાપમાન
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગર અને રાજકોટમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ભુજ, ડીસા, કેશોદ, અમરેલીમાં 41 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયું હતું.

તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે
હવામાન વિભાગે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં હાલ પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે. આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં 40થી 44 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.

એટલે કે 27 એપ્રિલ સુધી તાપમાન આવું જ રહેવાની શક્યતા છે. જોકે, તે બાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે. તેમજ આગામી 24 કલાકમાં અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેશે. નોંધનીય છે કે, આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય.

દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે.ગુજરાતના 80થી 85 ટકા વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીને પાર જાય તેવી શક્યતાઓ છે. 25 એપ્રિલ સુધી તાપમાન વધારે જોવા મળશે. જે બાદ પણ એપ્રિલના છેલ્લા દિવસોમાં પણ તાપમાન ઊંચુ જોવા મળશે.