કેનેડામાં હત્યા કરવામાં આવેલો યુવક હતો ગુજરાતી; 5 વર્ષ પહેલાં સુરતથી અભ્યાસ અર્થે ગયો હતો

Canada News: સુરતના મોટા વરાછામાં રહેતા અને કેનેડામાં સ્ટોર ચલાવતા યુવકની પાડોશીએ જ છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી. કેનેડામાં પત્ની (Canada News) સાથે રહેતા યુવકની હત્યા થવાની સુરતમાં રહેતા ભાઈને જાણ કરાતા પોતે ચોંકી ગયો હતો. કેનેડાની સ્થાનિક પોલીસ દ્વારા હત્યા કરનારની ધરપકડ કરીને તપાસ શરૂ કરાઇ છે.

કેનેડામાં ભારતીય દૂતાવાસે ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું છે કે, ‘ઓટાવા નજીકના રોકલેન્ડમાં છરીથી હુમલા બાદ ભારતીય નાગરિકના દુ:ખદ મૃત્યુથી અમે ખૂબ જ દુઃખી છીએ. પોલીસે જણાવ્યું છે કે એક શકમંદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. શોકગ્રસ્ત પરિવારને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે અમે સ્થાનિક સમુદાયના સંગઠન દ્વારા સંપર્કમાં છીએ.

વિઝા પર કેનેડામાં અભ્યાસ માટે ગયો હતો
કેનેડામાં અભ્યાસ કરતા અને પરિવાર સાથે નોકરી કરવા માટે જતા ગુજરાત સહિત ભારતના નાગરીકોની સુરક્ષા ઘણીવાર જોખમાય છે. સુરતથી સ્ટુડન્ડ વિઝા પર ગયેલા યુવકને શનિવારે પાડોશમાં રહેતા સિનિયર સિટીઝને છરીના ઘા ઝીંકીને પતાવી દીધો હતો. સુરત માટે આ ચોકાવનારી ઘટના બની હતી. ભાવનગર જિલ્લાના નોંધણવદર ગામનો વતની અને સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં રહેતો ધર્મેશ કથિરીયા 2019માં સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો.

વિઝા પર કેનેડામાં અભ્યાસ માટે ગયો હતો
ધર્મેશ કેનેડાના ઓટાવા નજીક રોકલેન્ડમાં લાલોન્ડે સ્ટ્રીટ ખાતે પત્ની રવિના સાથે રહેતો હતો. ધર્મેશ કેનેડા ખાતે ડિપાર્ટમેન્ટલ સ્ટોલ ચલાવતો હતો. કેનેડાની સ્થાનિક પોલીસ પ્રશાસનના જણાવ્યા મુજબ ૫ એપ્રિલને બપોરના અરસામાં ધર્મેશને તેના જ પાડોશી સિનિયર સિટીઝને કોઈક કારણોસર લાલોન્ડે સ્ટ્રીટ ખાતે જ છરીના ઘા ઝીંકયા હતા. જોકે સ્થળ પરથી જ સિનિયર સિટીઝનની ધરપકડ કરી લેવાઈ અને ધર્મેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે, છરીના ઘા જીવલેણ નિવડતાં મોત થયું હતું. હાલ પોલીસ પ્રશાસન દ્વારા શકમંદ સિનિયર સિટીઝન સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અગાઉ પણ કેનેડામાં ભારતના નાગરીકની જ હત્યા બાદ હવે બીજી ઘટના બનતા કેટલાંક સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ધર્મેશની હત્યાની બાબતથી માતા-પિતા અજાણ
ધર્મેશ કથિરીયા પત્ની સાથે કેનેડામાં જીવન નિર્વાહ કરી રહ્યો હતો, ત્યારે માતા-પિતા પણ પુત્રનું કરિયર સેટ હોવાની ખુશીથી વતનમાં જીવન ગાળી રહ્યા હતા. જાણે કથિરીયા પરિવાર પર આભફાટી પડયું તેવા સમાચાર ધર્મેશના ભાઈને કેનેડાથી મળ્યા ત્યાં તો તેના પગ નીચેથી જમીન જ સરકી ગઇ હતી. ધર્મેશની પાડોશમાં રહેતા સિનિયર સિટીઝને હત્યા કરી હોવાની સુરતમાં મોટા વરાછામાં રહેતા તેના ભાઈને જાણ થઇ હતી. જોકે પુત્રની હત્યા થઇ હોવાની સુરતમાં રહેતા માતા-પિતા સહિતના પરિવારને હજુ સુધી કોઇ જાણ કરવામાં આવી નથી.

કેનેડાથીમાં મૃતદેહ લાવવાનો ખર્ચ 15 હજાર ડોલર થશે
સુરતના મોટા વરાછામાં રહેતા અને કેનેડામાં હત્યા થનાર ધર્મેશ વલ્લભભાઇ કથિરીયાના મૃતદેહને ભારતમાં લાવવા માટેની પરિવાર દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. સુત્રો મુજબ ધર્મેશના મૃતદેહને ભારતમાં લાવવા માટે 15 હજાર ડોલરનો ખર્ચ થવાનો છે. આ ખર્ચ કેનેડમાં રહેતા ગુજરાતી લોકો ઉઠાવવાના હોવાનું જાણવા મળ્યું છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ધર્મેશના મૃતદેહને ભારતમાં લાવવા માટે મદદે આવ્યા છે.

પરિવારને ન્યાય અપાવવા ભારતના વિદેશમંત્રી સમક્ષ રજૂઆત
ધર્મેશની કેનેડમાં હત્યા થતા ભારતનું વિદેશ મંત્રાલય હરકતમાં આવી ગયું છે.નોંધણવદરના વતની પટેલ પરિવારના જુવાનજોત ધર્મશની હત્યાના પગલે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ તાત્કાલિક ધોરણે આ મામલે વિદેશ મંત્રી જયશંકરને આ બાબતે વાકેફ કર્યા છે. હત્યારાને તાત્કાલિક ધોરણે સજા મળે તે બાબતની યોગ્ય તપાસની માંગણી કરી છે.

કેનેડામાં ભારતીયો પર હુમલા વધ્યા
હાલમાં, કેનેડાના ઓન્ટારિયોમાં ઝઘડા દરમિયાન 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે પીડિતા સાથે રહેતા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે લેમ્બટન કોલેજમાં બિઝનેસ મેનેજમેન્ટના પ્રથમ વર્ષના વિદ્યાર્થી ગુરાસીસ સિંહની છરીની ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસ રિપોર્ટ અનુસાર બંને એક જ રૂમમાં રહેતા હતા અને તેમની વચ્ચે કિચનને લઈને વિવાદ ચાલતો હતો. વિવાદ એટલો વધી ગયો કે આરોપી હન્ટરએ ગુરાસીસ પર છરીથી હુમલો કર્યો. આ હુમલામાં ગુરાસીસ સિંહનું મોત થયું હતું.