વડોદરા(ગુજરાત): સ્વાતંત્ર્યદિન 15 ઓગસ્ટની પૂર્વસંધ્યાએ દોડવીર દીકરી નિશાકુમારીએ પ્રતાપનગર સ્થિત પોલીસ પરેડ મેદાન પર સાંજના 5 વાગે દોડવાનું શરૂ કર્યું હતું. તે સતત 12 કલાક સુધી, એટલે કે વહેલી સવારના 5 વાગ્યા સુધી મેદાનની આસપાસ દોડતી રહી હતી. તે કુલ 82 કિલોમીટર 12 કલાકમાં દોડી હતી અને ત્યારબાદ પળનો પણ વિરામ લીધા વગર ફ્રેશ થઈને રેલવે પોલીસ પરેડ મેદાન પર રાજ્યના ગૃહમંત્રીના હસ્તે યોજાયેલા આઝાદી અમૃત પર્વ ધ્વજવંદનમાં જોડાઈને રાષ્ટ્રધ્વજને સહુની સાથે સલામી આપી હતી.
વડોદરાની દોડવીર નિશા કુમારીની સાહસયાત્રાના પ્રોત્સાહક અને રિબર્થ એડવેન્ચર સંસ્થાના સ્થાપક નિલેશ બારોટે આ અંગે જણાવ્યું હતું કે, આ અગાઉ તેણે બેવાર સતત 12 કલાકની દોડની સિદ્ધિ મેળવી છે. તાજેતરમાં જ તેણે હિમાલયના પર્વતાળ અને બર્ફીલા પ્રદેશમાં લોકોને કોરોનાની રસી લેવા સમજાવવા માટે સાથીઓ સાથે મનાલીથી લેહની 590 કિલોમીટરની સાઇકલયાત્રા કરી હતી. તેમજ લેહથી ખાર ડુંગલાની 90 કિલોમીટરની વિકટ સાઇકલયાત્રા એકલવીરના રૂપમાં કરી હતી.
કોરોના રસીના પ્રચારની યાત્રાનો શુભ આશય જોઈને સત્તાવાળાઓ દ્વારા પ્રતિબંધિત સરહદી વિસ્તારમાં તેની યાત્રાને ખાસ મંજૂરી આપવામાં આવી હતી. રસ્તાનાં ગામોમાં લોકોએ તેને આવકારી હતી. તેની આ સાહસિકતા, યુવા સમુદાયને પ્રેરણા આપતી પ્રવૃત્તિઓ અને કોરોના સામેની લડાઇમાં અનોખા યોગદાન માટે વડોદરા જિલ્લા વહીવટી તંત્રએ, જિલ્લા કલેકટર આર.બી.બારડની સૂચનાથી સ્વાતંત્ર્યદિન સન્માન માટે વિવિધ ક્ષેત્રોના કોરોના વોરિયર્સની સાથે નિશાકુમારીની પસંદગી કરવામાં હતી. ધ્વજવંદન સમારોહમાં રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ દોડવીર યુવતીને પ્રશસ્તિપત્ર પ્રદાન કરી સન્માનિત કરી હતી. આ ઉપરાંત, તેમણે આ દીકરીની સાહસ અને સેવાપ્રવૃત્તિઓ જાણીને ધન્યવાદ પણ આપ્યા હતા.
જાણવા મળ્યું છે કે, નિશાકુમારીની સાહસયાત્રાનો આગલો અને આગવો પડાવ હિમાલય ગિરિમાળાનો સત્તોપંથ પર્વત છે. તેણે 23,075 ફૂટની ઊંચાઈ ધરાવતા આ નગાધિરાજનું વિકટ આરોહણ કરીને એના શિખર પર રાષ્ટ્રધ્વજ લહેરાવવાનો સંકલ્પ કર્યો છે, જેના માટે 20 ઓગસ્ટે વડોદરાથી તે પ્રસ્થાન કરશે. તેની મહેચ્છા આ રીતે સતત આગળ વધીને એવરેસ્ટ સર કરવાની પણ છે.
વડોદરાના પોલીસ પરેડ મેદાન પર 12 કલાકની અવિરત દોડ યોજવાની શહેર પોલીસ કમિશનર ડો. શમશેરસિંહ દ્વારા પરવાનગી આપવામાં આવી હતી અને શહેર પોલીસતંત્ર દ્વારા તેના આ સાહસને પીઠબળ આપવામાં અવાયું તેના માટે તે આભાર માને છે. વડોદરાની સંસ્થાઓ, સજ્જનો અને કોર્પોરેટજગત તેની આ સાહસયાત્રાને ઉચિત પીઠબળ આપશે એવી આ દોડવીર દીકરીને શ્રદ્ધા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.