અમદાવાદ(ગુજરાત): આત્મહત્યાના વધી રહેલા બનાવો દરમિયાન ફરીવાર એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં અમદાવાદ(Ahmedabad)ના યુવાને ગાંધીનગર(Gandhinagar)ની સુઘડ નર્મદા કેનાલ(Sughad Narmada Canal)માં આજે ગુરૂવારે સવારે અંગત કારણોસર ઝંપલાવ્યું હતું. જેથી યુવાન ડૂબતો હોવાનો મેસેજ મળતાં જ ગાંધીનગર ફાયર બ્રિગેડ(Fire Brigade)ના જવાનો તાત્કાલિક કેનાલ પર દોડી ગયા હતા. તેમજ ક્ષણભરનો સમય બગાડ્યા વિના ફાયરનાં જવાનોએ કેનાલમાં ઝંપલાવી ડૂબતા યુવાનને જીવતો બહાર કાઢી લીધાની ઘટનાના લાઈવ વીડિયો સામે આવ્યા છે.
મળતી માહિતી મુજબ, સુઘડ નર્મદા કેનાલમાં કોઈ માણસ ડૂબી રહ્યો હોવાનો કોલ ગાંધીનગર ફાયર બ્રિગેડને મળતા જ ફાયર જવાનો તાત્કાલિક જરૂરી સાધનો સાથે કેનાલ પર દોડી ગયા હતા. જ્યાં યુવાને કેનાલમાં છલાંગ લગાવી હોવાથી કેનાલના પ્રવાહમાં તણાઈ રહ્યો હતો. તે વારંવાર માથું બહાર કાઢીને જીવ બચાવવાના પ્રયત્નો કરી રહ્યો હતો. પરંતુ, પાણીના ધસમસતા પ્રવાહમાં તે કેનાલની વચ્ચે તણાઈ રહ્યો હતો.
આ દ્રશ્ય જોઈને ફાયરમેન મહાવીર ચૌહાણ અને રોહિત ડાભી તાત્કાલિક કેનાલમાં કૂદી પડ્યા હતા. તેમજ થોડી વારમાં અન્ય ફાયર જવાનો પણ કૂદી પડ્યા હતા. ત્યારબાદ મહેનત પછી યુવાનને જીવતો બહાર કાઢી ફાયરની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો. હાલમાં અડાલજ પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને યુવાનની પ્રાથમિક સારવાર તેમજ આગળની કાર્યવાહી સહિતની કામગીરી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક તપાસમાં કેનાલમાં મોતની છલાંગ લગાવનાર યુવાનનું નામ જયેશ નાનવાણી હોવાનું જાણવા મળ્યું છે. જે અમદાવાદની તાજ હોટલ સામે આશુતોષ એપાર્ટમેન્ટમાં રહે છે. આ અંગે પ્રાથમિક રીતે પતિ-પત્ની વચ્ચે ઝગડા ચાલતા હોવાથી જયેશભાઈએ કેનાલમાં ઝંપલાવ્યું હોવાનું અડાલજ પોલીસ મથકના બીટ જમાદાર દશરથભાઈએ જણાવ્યું હતું. જોકે, ફાયર બ્રિગેડ દ્વારા તેને બચાવી લેવામાં આવ્યો છે. કેનાલના ઠંડા પાણીના કારણે તેને ઠંડી ચડી ગઈ હોવાથી ગાંધીનગર સિવિલમાં સારવાર માટે મોકલી દેવામાં આવ્યો છે. સ્વસ્થ થયા બાદ કેનાલમાં પડવાનું ચોક્કસ કારણ જાણવા પૂછપરછ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.