ભીલવાડા: આજકાલ ચોરીના બનાવો સતત વધી રહ્યા છે. તસ્કરો હવે તો મંદિરને પણ નથી મુકતા ત્યારે કોટડી નગરમાં ચોરોએ મોડી રાત્રે એક જૈન મંદિરને નિશાન બનાવ્યું હતું. ચોરો 20 મિનિટમાં ભગવાનની મૂર્તિ પર સ્થાપિત 4 લાખની કિંમતની 29 ચાંદીની છત્રીઓ લઈ ગયા. આ ઉપરાંત, તેઓ દાન પેટીમાં રાખવામાં આવેલી 2 લાખ રૂપિયાની રોકડ લઈને પણ ભાગી ગયા હતા. આશ્ચર્યની વાત એ છે કે મૂર્તિ પર સોનાના દાગીના પણ હતા જે ચોરાયા ન હતા.
એવું માનવામાં આવે છે કે, ચોરોએ સોનાના દાગીનાને નકલી સમજી લીધા હતા. સવારે મંદિરમાં ચાતુર્માસ કરતા લોકો દર્શને આવતા આ ઘટના પ્રકાશમાં આવી હતી. મંદિરમાં થયેલી આ ચોરી CCTVમાં કેદ થઈ છે. હવે પોલીસ સીસીટીવી ફૂટેજમાં દેખાતા શંકાસ્પદ બદમાશોની શોધ કરી રહી છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત ચોરીના બનાવોના કારણે પોલીસની નાઇટ પેટ્રોલિંગ વ્યવસ્થા પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
કોટડી પોલીસે જણાવ્યું કે, શુક્રવારે રાત્રે 12:30 વાગ્યે ચોરોએ નગરમાં સ્થિત શીતલનાથ જૈન મંદિરમાં ચોરી કરી હતી. મંદિર નગરના સદર બજારમાં આવેલું છે. ચોરોએ મંદિરમાં અલગ અલગ મૂર્તિઓ પર શણગારેલી 29 ચાંદીની છત્રીની ચોરી કરી હતી. તેનું વજન લગભગ 6 કિલો હતું. તેમની કિંમત 4 લાખની આસપાસ કહેવામાં આવી રહી છે.
ચોરોએ મંદિરમાં રાખેલી દાનપેટી તોડી અને તેમાંથી દાનની રકમ પણ ચોરી લીધી હતી. જાણવા મળ્યું છે કે, આ દાન પેટીમાં લગભગ બે લાખ દાનની રકમ હતી. ચોરોએ મૂર્તિઓ પરના સોનાના દાગીનાને સ્પર્શ પણ કર્યો ન હતો. મંદિરના સીસીટીવી ફૂટેજમાં ચોરોનો દેખાવ કેદ થયો છે. પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે અને શંકાસ્પદ બદમાશોની શોધ શરૂ કરી છે.
કહેવામાં આવી રહ્યું છે કે, હાલ જૈન સમાજનો ચાતુર્માસ કાર્યક્રમ ચાલી રહ્યો છે. મંદિરની તમામ મૂર્તિઓને આભૂષણોથી શણગારવામાં આવી હતી. આ જ કારણ છે કે, ચોરોની નજર આ મંદિર પર પણ હતી. આ સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું છે કે, ચોર વાનમાં આવ્યા હતા અને બાઇક પર સવાર હતા. સીસીટીવી ફૂટેજમાં છ ચોરો દેખાઈ રહ્યા છે, જેમને હાલ પોલીસ શોધી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.