જામનગરમાં આવેલું છે 500 વર્ષ જુનું સુપ્રસિદ્ધ હનુમાનજીનું મંદિર; જાણો તેના અનેક ચમત્કારો

Jamnagar Hanuman Temple: જોડિયાના કુનડ ગામે કુંડલીયા હનુમાનજીનું ભવ્ય મંદિર આવેલું છે. હજારો કિમી દૂરથી દર્શનાર્થીઓ દાદાના દર્શન કરવા આવે છે. કુંડલીયા હનુમાનજી સ્વયંભુ બિરાજમાન છે. હનુમાનદાદાની સ્વયંભૂ મૂર્તિ ચમત્કારી માનવામાં આવે છે. મંદિરમાં હનુમાનજીની (Jamnagar Hanuman Temple) બે મૂર્તિની સ્થાપના કરવામાં આવેલી છે. મોટી સંખ્યામાં ભાવિકો હનુમાનજીના દર્શને આવી પોતાની મનોકામના પૂર્ણ થવાની અતૂટ શ્રદ્ધા રાખે છે..એક જ મંદિરમાં હનુમાનજીની બે મૂર્તિ કેમ બિરાજમાન છે.

ચાર શનિવાર હનુમાનજીના મંદિરે માનવમહેરામણ ઉમટી પડે છે
વર્ષોથી હનુમાનદાદાના મંદિરે તમામ શનિવારે આસપાસના તમામ ગામોમાંથી ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં દર્શને આવે છે. જામનગર અને ખંભાળિયા કરતા પણ હનુમાનજીનુ મંદિર પ્રાચીન છે. જ્યારે જામનગર અને ખંભાળીયાનુ કોઈ અસ્તિત્વ નહોતુ તે પહેલાનુ દાદાનુ મંદિર છે. તે સમયના મંદિરના પૂજારી જાનકીદાસ બાપુના હસ્તે ખંભાળિયા અને જામનગરનું ભૂમિ પૂજન થયું હતું. પહેલા હનુમાનજીનુ મંદિર ખૂબ નાનુ હતુ, સવારે અને સાંજે હનુમાનજીની સેવાપૂજા બાદ રાત્રે મૂર્તિને માટલાથી ઢાંકી દેવામાં આવતી હતી. સમય જતા મંદિર મોટુ બનતુ ગયુ અને હાલ જે મંદિર છે તે પાંચમીવાર નિર્માણ થયેલુ છે. ગીતામાં કહ્યા અનુસાર માગસર મહિનો ઉત્તમ ગણવામાં આવે છે. એટલે માગસર મહિનાના ચાર શનિવાર હનુમાનજીના મંદિરે માનવમહેરામણ ઉમટી પડે છે.

હનુમાન દાદા પ્રત્યે ભક્તોની ખૂબ જ અતૂટ શ્રદ્ધા
દેશમાં હનુમાનજીના અનેક મંદિરો આવેલા છે જેમાં ઘણા મંદિરોમાં સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ હોય છે. કુનડના હનુમાનજી મંદિરમાં પહેલા સ્વયંભૂ હનુમાનજીની એક જ મૂર્તિ હતી પણ જે તે સમયે મંદિરે બે મહાપુરુષ વચ્ચે હનુમાનજીની સવારે પહેલા કોણ પૂજા કરે તેને લઈને મન દુઃખ થતું હતું, ત્યારે હનુમાનજીને પ્રાર્થના કરતા દાદાની મૂર્તિની પાછળથી સ્વયંભૂ હનુમાનજીની બીજી મૂર્તિ પ્રગટ થઈ હતી.

મંદિરે અવારનવાર હવનનુ આયોજન કરવામાં આવે છે. મહંત હવન યજ્ઞ કરી મંદિર અને આજુબાજુના વાતાવરણને સકારાત્મક બનાવી ગામના લોકો માટે કલ્યાણકારી કામ કરે છે. આજના યુગમાં હનુમાનદાદા જાગતા દેવ કહેવાય છે. ભાવિકોની હનુમાન દાદા પ્રત્યે ખૂબ જ અતૂટ શ્રદ્ધા છે. વર્ષોથી હનુમાનજીની ભક્તિમાં એવા ગળાડૂબ ભક્ત છે કે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી દાદાથી દૂર જવાની કલ્પના પણ નથી કરી શકતા.

દાદાની સ્વયંભુ મૂર્તિ ખુબ જ ચમત્કારી છે
હનુમાનજી મંદિરના અનેક ચમત્કાર અને પરચાઓની દંતકથાઓ છે. દાદાની સ્વયંભુ મૂર્તિ ખુબ જ ચમત્કારી છે. હનુમાનજીમાં અતૂટ શ્રદ્ધા રાખતા ભાવિકો પોતાની માનતા પુરી કરવા માટે પગપાળા યાત્રા કરી મંદિરે આવે છે. હનુમાનજીના મંદિરે કોઈપણ મોટા ઉત્સવ કે કાર્યક્રમનુ આયોજન કરવામાં આવે ત્યારે કુનડના ગ્રામજનો દરેક કામમાં પોતાનાથી બનતી બધી જ સેવા આપી સેવાધર્મ નિભાવી ભક્તિનુ કામ કરે છે.. પગપાળા દ્વારકા જતા અને માતાના મઢ જતા યાત્રાળુઓ માટે પણ મંદિરે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે.