ગુજરાતમાં આવેલી છે માનતા પુરી કરતી બોરડી; અહીં સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ બિરાજ્યા હતા

Rajkot Bordi: રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં પ્રવેશદ્વારમાં જમણી બાજુ એક ઐતિહાસિક અને ખાસ બોરડી આવેલી છે. સામાન્ય રીતે બોરડીમાં કાંટા હોય છે અને તેના લીધે જ તેમાં બોર આવે છે.પરંતુ સ્વામિનારાયણ મંદિરમાં (Rajkot Bordi) આવેલી આ બોરડીની વાત જ અલગ છે આ બોરડીમાં કાંટા નથી, જી હા આ બોરડી કાંટા વગરની છે અને તેની પાછળ એક ઐતિહાસિક પ્રસંગ જોડાયેલો છે.

મંદિરમાં આવેલી આ બોરડી 200 વર્ષ જેટલી જૂની
સ્વામિનારાયણ મંદિરમાં આવેલી આ બોરડી 200 વર્ષ જેટલી જૂની છે. અત્યારે જ્યાં આ સ્વામિનારાયણ મંદિર આવેલું છે તે જગ્યાએ વાડી હતી અને આ જગ્યા શહેરની બહાર ગણાતી હતી.તે સમયના અંગ્રેજ ગવર્નર સર માલ્કમના અતિઆગ્રહના કારણે ભગવાન સ્વામિનારાયણ,નિત્યાનંદ સ્વામી,મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી,અને ગુણાતિતાનંદ સ્વામી ઉપરાંત આચાર્યો રઘુવીરજી મહારાજ અને અયોધ્યાપ્રસાદ પધાર્યા હતા અને આ બોરડી નીચે વસવાટ કર્યો હતો. આ બોરડી નીચે ભગવાન સ્વામિનારાયણે ગવર્નર સર માલકમને હિતોપદેશ કહ્યા અને શિક્ષાપત્રી આપી હતી.

બોરડીએ પોતાના તમામ કાંટા ખેરવી નાખ્યા!
ગવર્નર સર માલ્કમને શિક્ષાપત્રી અને હિતોપદેશ આપ્યા બાદ ભગવાન વિદાય લઈ રહ્યા હતા ત્યારે ગોપાળાનંદ સ્વામીની પાઘડીમાં બોરડીનો કાંટો ભરાયો અને તેઓ બોરડી સામે જોઈ બોલ્યા કે તારી નીચે સ્વયં ભગવાન સ્વામિનારાયણ પધાર્યા તેમ છતાં તે તારો સ્વભાવ ન છોડ્યો ? અને એ જ ક્ષણે બોરડીએ પોતાના તમામ કાંટાઓ ખેરવી નાખ્યા.

લોકો આ બોરડીની કરે છે માનતા
આજે 200 વર્ષ જેટલો સમય થયો છતાં આ બોરડીના કાંટા આવતા નથી.પરંતુ જો આ બોરડીના બોરના ઠળિયા વાવવામાં આવે તો કાંટા વાળી બોરડી ઉગે છે. ભગવાનને મળેલો જીવ આ બોરડીની અંદર હોવાથી લોકોની આસ્થા આ બોરડી સાથે જોડાયેલી છે.લોકોને પોતાની આધિ,વ્યાધિ,ઉપાધિ કે કઈ દુઃખ હોય તો લોકો આ બોરડીની પ્રદક્ષિણાની માનતા કરે છે અને તેમના દુઃખ દૂર થાય છે તેવી શ્રદ્ધા છે.