1 મેથી બદલાઇ જશે આ નિયમો: LPG સિલિન્ડર, બેંક, ATM પણ સામેલ; સીધી ખિસ્સા પર થશે અસર

Rules From 1st May 2025: એપ્રિલ મહિનો પૂર્ણ થવા જઈ રહ્યો છે અને બે દિવસ બાદ મે મહિનો શરૂ થશે. મે મહિનાની પહેલી તારીખથી અનેક મોટા ફેરફારો (Rules From 1st May 2025) થવા જઈ રહ્યા છે. આ ફેરફારો તમારા બેંક એકાઉન્ટ, ATM ટ્રાન્ઝેક્શન અને રાંધણ ગેસની કિંમતો સાથે સંબંધિત છે. આ ફેરફારો બાદ સામાન્ય લોકોએ તેમના ટ્રાન્ઝેક્શન અને સર્વિસને લઈને કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. બે દિવસ પછી એટલે કે 1 મે, 2025થી અનેક મોટા ફેરફારો લાગુ થશે. આ ફેરફારો સીધા સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદી સુવિધાઓ પર અસર કરશે. તેથી આ ફેરફારો વિશે અગાઉથી જાણી લેવું જરૂરી છે, જેથી કરીને પાછળથી કોઈ મુશ્કેલી ન થાય.

ATMમાંથી પૈસા ઉપાડવા વધારે ચાર્જ ચૂકવવો પડશે
1 મેથી ATMમાંથી પૈસા ઉપાડવા માટે ફ્રી લિમિટ પૂર્ણ થયા બાદ વધારે પૈસા ચૂકવવા પડશે. જોકે, ATMની ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તમને તમારી બેંકના ATMથી દર મહિને 5 ફ્રી ટ્રાન્ઝેક્શન મળતા રહેશે. તો મેટ્રો શહેરોમાં અન્ય બેંકોના ATMમાંથી 3 અને નોન-મેટ્રો શહેરોમાં 5 ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા પણ આપવામાં આવશે. પરંતુ તે પછી દરેક ટ્રાન્ઝેક્શન પર ગ્રાહકે વધુ ચાર્જ ચૂકવવો પડશે. વા નિયમો અંતર્ગત ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ ખતમ થયા પછી 1 મેથી દરેક ATM ટ્રાન્ઝેક્શન પર ગ્રાહકે 23 રૂપિયા ચૂકવવા પડશે. હાલમાં આ ચાર્જ 21 રૂપિયા છે. એટલે કે, તમારે દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર બે રૂપિયા વધુ ચાર્જ ચૂકવવો પડશે.

રેલવે ટિકિટ બુકિંગમાં પણ મોટા ફેરફારો
રેલવે દ્વારા ટિકિટ બુકિંગના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. 1 મેથી સ્લીપર અને AC કોચમાં વેઈટિંગ ટિકિટ પર મુસાફરીની મંજૂરી નહીં હોય. ફક્ત જનરલ ડબ્બામાં વેઈટિંગ ટિકિટથી મુસાફરી કરી શકાશે. આ ઉપરાંત એડવાન્સ ટિકિટ બુકિંગનો સમયગાળો પણ 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવ્યો છે. ભાડું અને રિફંડ ચાર્જમાં પણ વધારો થઈ શકે છે, જેનાથી મુસાફરી વધુ મોંઘી થઈ શકે છે.

11 રાજ્યોમાં લોકલ ગ્રામીણ બેંકોનું વિલીનીકરણ
દેશના 11 રાજ્યોમાં ‘એક રાજ્ય, એક RRB’ યોજના લાગુ કરવામાં આવશે. હવે દરેક રાજ્યમાં તમામ પ્રાદેશિક ગ્રામીણ બેંકોને ભેગી કરીને એક મોટી બેંક બનાવવામાં આવશે. આનાથી બેંકિંગ સેવાઓ સુધરશે અને ગ્રાહકોને વધુ સુવિધા મળશે. આ ફેરફાર આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ગુજરાત, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા અને રાજસ્થાનમાં લાગુ થશે.

ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર!
દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરવામાં આવે છે. 1 મેના રોજ પણ LPGના ભાવમાં વધારો કે ઘટાડો થઈ શકે છે. જો ભાવ વધશે તો રસોડાનું બજેટ ખોરવાઈ શકે છે. જોકે, સરકારે એપ્રિલમાં તમામ સિલિન્ડરો પર 50 રૂપિયાનો વધારો કર્યો છે.

FD અને સેવિંગ એકાઉન્ટના નિયમોમાં ફેરફાર
ફિક્સ્ડ ડિપોઝિટ (FD) અને સેવિંગ એકાઉન્ટના વ્યાજ દરોમાં હજુ પણ ફેરફાર જોવા મળી શકે છે. RBI દ્વારા બે વખત રેપો રેટ ઘટાડ્યા બાદ મોટાભાગની બેંકોએ સેવિંગ એકાઉન્ટ અને FD પરના વ્યાજ દરો ઘટાડ્યા છે. આ આગળ પણ જોવા મળી શકે છે.