આ વિદ્યાર્થીઓએ ગોબરમાંથી બનાવ્યા ઈકો ફ્રેન્ડલી ચંપલ, ગરમીમાં પગને આપશે ઠંડક

Rajkot Eco-friendly Slippers: આજના સમયમાં જ્યારે યુવાનો પશ્ચિમ સંસ્કૃતિનું અનુકરણ કરતા જોવા મળે છે ત્યારે રાજકોટમાં વિવિધ ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ (Rajkot Eco-friendly Slippers) અભ્યાસની સાથે ગૌ સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિનું જતન કરી રહ્યા છે. ગૌ સેવા કરી શકાય અને સમાજને પણ મદદરૂપ બની શકાય તે માટે વિદ્યાર્થીઓએ ગોબરમાંથી ચંપલ બનાવ્યા છે. આ ચંપલની ડિમાન્ડ આયુર્વેદિક સારવાર માટે સૌથી વધુ રહી છે. ગોબરમાંથી બનાવેલા ચંપલની ખાસિયત એ રહી છે કે, ચંપલ ગરમીમાં ઠંડક આપે છે અને ઠંડીમાં ગરમી આપે છે.

અત્યાર સુધીમાં 3 હજારથી વધુ ચંપલ બનાવ્યા છે. રાજકોટની આત્મીય કોલેજમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ પ્રોજેક્ટ હેઠળ પ્લાસ્ટિકનો રિ-યૂઝ કરવામાં આવે છે, પર્યાવરણનું જતન કરવામાં આવે છે. હાલ પાઇલટ પ્રોજેક્ટ હેઠળ 3 હજાર ચંપલ બનાવવામાં આવ્યા છે. 2014માં આ પ્રોજેક્ટની અમલવારી કરવામાં આવી હતી.

કાર્યક્ષમતા વધારી શકાય તે માટે મશીનો મુકાયા
ગોબરમાંથી તેમજ પ્લાસ્ટિકમાંથી વિવિધ ચીજવસ્તુઓ બનાવી શકાય તે માટે મશીન મૂકવામાં આવ્યા છે. જેમાં પ્લાસ્ટિક ઓગળ્યા બાદ તેમાં કપડાંનું મિશ્રણ કરીને મહેમાનોને આપવામાં આવતા બુકે, ડાયરી સહિતની ચીજવસ્તુ બનાવવામાં આવે છે.

જ્યારે ગોબરમાંથી ચંપલ ઉપરાંત ડેકોરેશનની વિવિધ વસ્તુ જેમ કે દીવાલ ઘડિયાળ, કોડિયા, લક્ષ્મીજી, ફૂલ રાખવા માટેના વાસણ, બોલપેન સ્ટેન્ડ બનાવવા માટે બીબા બનાવવામાં આવે છે. કોલેજ બહાર પ્લાસ્ટિકની બોટલ કલેક્ટ કરવા માટે મશીન મુકાયા, વીજઉપકરણ સૌરઊર્જાથી ચાલે છે

આત્મીય કોલેજની બહાર પ્લાસ્ટિકની બોટલ કલેક્ટ કરવા માટે મશીનો મૂકવામાં આવ્યા છે. જેમાં જે વિદ્યાર્થીઓ પ્લાસ્ટિકની બોટલ મૂકે તેને રિ-યૂઝ કરવામાં આવે છે. જે વિદ્યાર્થી સૌથી વધુ પ્લાસ્ટિકની બોટલ જમા કરાવે તેને વિવિધ બ્રાન્ડની ચીજવસ્તુ ખરીદવા માટે કૂપન આપવામાં આવે છે. જેને કારણે તેઓને પ્રોત્સાહન મળે છે. આ કોલેજમાં તમામવીજઉપકરણ સૌરઊર્જાથી ચાલે છે.તેમજ વિદ્યાર્થીઓ બહારથી સ્ટેશનરી પણ ખરીદ કરતા નથી. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે પીજીવીસીએલના એમ.ડી.પણ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયા હતા.