આજકાલ આવી ઘણી ઘટનાઓ સાંભળી હશે કે, બોર્ડની એક્ઝામમાં પાસ કરાવી દેવાની ગેરન્ટી આપીને ઢોંગી બાબાઓ તંત્ર વિદ્યાના નામે લોકો પાસેથી હજારો રૂપિયા પડાવી લે છે. ખાનગી સમાચારપત્રના રિપોર્ટરે વિદ્યાર્થીના ભાઈ તરીકે વાત કરી એકલા સુરત શહેરમાંથી આવા 5 બાબાઓનો સંપર્ક કર્યો ત્યારે તેમના દાવા જાણીને લોકો ચોંકી ગયા હતા. આ દરેક બાબાઓ તેમની શરતો પૂરી કરવામાં આવે તો પરીક્ષા પાસ કરાવવાની ગેરન્ટી આપે છે. આ બાબાઓ પ્રત્યેક વિષયમાં પાસ કરાવવા માટે જે તંત્ર-વિદ્યા કરવી પડે તેમાં એક-એક ગ્રામ કસ્તુરી જરૂરી હોવાનું કહે છે. અને આ કસ્તુરી માટે હજારો રૂપિયા વસુલે છે.
કસ્તુરી માટે પ્રતિ ગ્રામ આઠ-આઠ હજાર રૂપિયા વસુલવામાં આવે છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને હરિયાણાથી આવતા આ બાબાઓ પોતે ધોરણ 7 થી 12 સુધી ભણેલા હોય છે. તેઓ કામચલાઉ હાટડી ઉભી કરીને માર્ચ મહિનાના અંત સુધી ચાલે છે તથા ઠગી લીધા બાદ તેઓ જગ્યા બદલે છે. ઘણા કેસમાં પરીક્ષામાં પાસ કરાવવાના નામે 50 હજારથી એક લાખ રૂપિયા સુધીની રકમ પડાવી લેવાઈ છે. આ ખાનગી સમાચારપત્રને બતાવવામાં આવેલી 50 ગ્રાહકની યાદી સાચી ઠેરવવામાં આવે તો એક બાબા એક સિઝનમાં 25 લાખ રૂપિયા સુધીની કમાણી કરી લે છે.
છેલ્લા ઘણા વર્ષોનો છે આમને અનુભવ
એક ખાનગી સમાચારપત્રના રિપોર્ટરે સુરતના અડાજણમાં એક ફ્લેટમાં રોકાયેલા બાબાનો સંપર્ક કર્યો હતો. પોતાનું નામ ગોવિંદરાવ દુર્ગાપ્રસાદ જોશી હોવાનો દાવો કરનાર આ બાબાએ પોતે 20 વર્ષથી આ કામ કરતા હોવાનું જણાવ્યું હતું. ફ્લેટમાં ઘણા દેવી-દેવતાઓના ફોટો, તંત્ર-મંત્રને લગતી વસ્તુઓ પડી હતી. સાથે-સાથે આ બાબાએ જણાવતા કહ્યું કે જો મારી વાત માનશો તો તમને ગમતા વિષયમાં મનપસંદ માર્ક્સ મળી જશે. સોમવારના રોજ બપોરે 12 થી 1 વાગ્યા વચ્ચે બાબાએ વિધિ સમજાવવા માટે બોલાવ્યા હતા. તેમણે પોતાના તંત્ર-મંત્ર અને સાધનાના રૂમમાં આ વાત કરી હતી….
રિપોર્ટર: બાબા મારા ભાઈને 10મા ધોરણમાં પાસ કરાવવો છે એટલે તમારી પાસે આવ્યો છું.
બાબા: હા, થઈ જશે. વિધિ અને સાધના કરાવવી પડશે. કેટલા વિષયમાં પાસ થવું છે?
રિપોર્ટર: 6 વિષયમાં પાસ કરાવવો છે. સૌથી સારા માર્ક્સ આવવા જોઈએ.
બાબા: એક વિષય માટે 1 ગ્રામ કસ્તુરી જોઈશે. એક ગ્રામ કસ્તુરીનો ભાવ 8 હજાર એટલે કુલ 48 હજાર રૂપિયા થશે.
ફેરવી તોળ્યું: બાબાએ ફોન પર વાતચીત દરમ્યાન જણાવ્યું કે તમારે કસ્તુરી લાવવાની છે. પણ જ્યારે મળ્યા ત્યારે તેમણે ફેરવી તોળ્યું હતું. બાબાએ જણાવતા કહ્યું કે તમને ખબર નહીં પડે એટલે કસ્તુરી હું લાવીશ. તમે માત્ર બધા પૈસા આપી દો.
ભાવતાલ કર્યો: બાબાએ કહ્યું કે મારી પાસે એક વિષય માટે 11 હજાર રૂપિયા સુધી ચૂકવી દેનારા આવે છે. પણ હું તમારી સ્થિતિ જોઈને વાત કરું છું. તમે જો થોડા પૈસા લાવ્યા હોય તો આપી દો. બાકીના પૈસા મારા ખાતામાં નાખી દેજો.
ફસાવવાની પદ્ધતિઃ
એવો દાવો કર્યો કે કોઈ પણ વિદ્યાર્થી ક્યાંયથી પણ બેસીને પરીક્ષા પાસ કરી શકે છે. અમને 100થી વધારે બાળકોના ફોટો અને તેમના સ્વજનોનો રેકોર્ડ દર્શાવ્યો હતો જેમને પરીક્ષા પાસ કરાવી હતી. સ્વજનોમાં બેન્ક મેનેજર, પોલીસ અને વેપારીઓ પણ સામેલ છે.
એડવાન્સ બુકિંગ:
બાબાએ જણાવતા કહ્યું કે તેમણે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત જેવા શહેરોમાં વિદ્યાર્થીને પાસ કરાવી ચૂક્યાં છે. લખનઉ અને ભોપાલથી પણ લોકો સંપર્ક કરે છે. તેણે રિપોર્ટરને ત્રણ ખાતા નંબર આપીને એડવાન્સ પૈસા માગ્યા.
નોકરીની ગેરન્ટીઃ
નોકરી અને કોલેજમાં 100 ટકા એડમિશનની ખાતરી. સાથે-સાથે બાબાએ જણાવતા કહ્યું, બૉસને વશમાં કરી લઈએ છીએ. ઘણા બાળકોને એન્જિનિયર, ડૉક્ટર બનાવ્યા. દાવો કર્યો કે 3 હજાર રૂપિયાનું તિલક કરવાથી પરીક્ષક જાતે જ ઉત્તર જણાવી દેશે.
વિવિધ શહેરોમાં ગોરખધંધા:
રાજસ્થાનના કોટા, જયપુર, મધ્ય પ્રદેશના જબલપુર, ભોપાલ, ગુજરાતના સુરત, અમદાવાદ, વડોદરામાં બાબાની શાખાઓ આવેલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.