નાતાલ પહેલા સાંતાક્લોઝ પર થયો હુમલો – ‘આ હિન્દુ વિસ્તાર છે, અહીં ઉજવણી કરવી નહીં,’ કહીને 4 લોકોને કપડાં ફાડી માર્યો માર

વડોદરા(Vadodara): હવે નાતાલ (Christmas)ને માત્ર 4 જ દિવસ બાકી છે, ત્યારે ઘણી જગ્યાએ પૂર્વે પણ નાતાલની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી અવધૂત સોસાયટીમાં નાતાલની ઉજવણી પૂર્વે સાંતાક્લોઝના વેશમાં વધામણાં આપવા ગયેલી એક મહિલા સહિત 4 વ્યક્તિ પર કેટલાક માથાભારે યુવકોએ ‘આ હિન્દુ વિસ્તાર છે,’ એમ કહીને હુમલો કર્યો હતો. હુમલામાં એક વ્યક્તિને હાથમાં ગંભીર ઇજા પહોંચતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. હાલ આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

ઘરમાં ઉજવણી ચાલતી હતી:
મળતી માહિતી અનુસાર, નાતાલ પૂર્વે મકરપુરા વિસ્તારની અવધૂત સોસાયટીમાં રહેતા ખ્રિસ્તી પરિવારના નિવાસસ્થાને શશિકાંત ડાભી મોડી રાત્રે સાંતાક્લોઝની વેશભૂષા ધારણ કરી વધામણાં આપવા ગયા હતા. તેમની સાથે ખ્રિસ્તી સમાજના કેટલાક અગ્રણીઓ પણ એનાં વધામણાંની ઉજવણી કરવા પહોંચ્યા હતા. ખ્રિસ્તી સમાજના અગ્રણીઓ શાંતિપૂર્ણ રીતે ખ્રિસ્તી પરિવારના ઘરમાં ઉજવણી કરી રહ્યા હતા.

ફાધરનાં કપડાં ફાડી નાખ્યાં:
આ ઉજવણી દરમિયાન અચાનક જ કેટલાક માથાભારે ઈસમોનું ટોળું ખ્રિસ્તી પરિવારના ઘરમાં ઘૂસી આવ્યું હતું અને સાંતાક્લોઝ પર 30થી 35 જેટલા ટોળાએ હુમલો કર્યો હતો. જેને પગલે યુવકે ડ્રેસ કાઢી નાખવાની ફરજ પાડી હતી. સાથે જ ઉજવણી કરી રહેલા તમામને ધમકી આપી હતી કે આ વિસ્તાર હિન્દુઓનો છે, જેથી અહીં તમારે આ પ્રકારની ઉજવણી કરવાની નથી, એમ કહી હુમલો કર્યો હતો. એમાં સામસામે ઝપાઝપીમાં એક મહિલા સહિત ચાર વ્યક્તિને ઈજા પહોંચી હતી. હુમલાખોરોએ ઉપસ્થિત ફાધરનાં કપડાં પણ ફાડી નાખ્યા હોવાનો તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.

મકરપુરા પોલીસે તપાસ શરૂ કરી:
આ ઘટનાને પગલે મેથોડિસ ખ્રિસ્તી સમાજમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો હતો. તેથી ખ્રિસ્તી સમાજના અગ્રણીઓ સહિત અન્ય લોકો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ગયા હતા અને ત્યાંથી સમગ્ર હકીકત જાણીને મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમજ અગ્રણીઓ દ્વારા હુમલાખોરોની ઓળખ કરી તેમની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવે એવી માગણી કરવામાં આવી છે. જેને લઈને હાલ પોલીસ દ્વારા આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *