આવું તો ફક્ત ભારતમાં જ શક્ય છે, સરકારી પરીક્ષામાં એક યુવકને મળ્યા 100 માંથી 101 માર્ક્સ

Indore job aspirants protest: એમપી અજબ છે, સૌથી ગજબ છે… મધ્યપ્રદેશ ટુરીઝમ વિભાગની એક એડવર્ટાઈઝમેન્ટની આ પંક્તિઓ હવે હકીકત બની રહી છે. એમપીમાં છાશવારે એવી ઘણી ઘટનાઓ બને છે જે આ લાઈનને સાર્થક કરે છે. હાલમાં (Indore job aspirants protest) જ એવો એક મામલો સામે આવ્યો છે. જેનાથી સરકારી પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓનો ગુસ્સો સાતમાં આસમાને છે.

મામલો કંઈક એવો છે કે મધ્યપ્રદેશ રાજ્ય સરકારની એક ભરતી પરીક્ષામાં એક ઉમેદવારને 100 માંથી 101.66 ગુણ પ્રાપ્ત થયા હતા. આના પર સવાલ ઉઠાવતા બેરોજગાર યુવકોએ ઇન્દોરમાં પ્રચંડ પ્રદર્શન કર્યું હતું. તેમણે ભરતી પરીક્ષામાં લાલીયાવાડીનો આરોપ લગાવતા નિષ્પક્ષ તપાસની પણ માંગણી કરી છે.

પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે કેટલાક આંદોલનકારી બેરોજગાર યુવાનો જિલ્લા કલેકટર કાર્યાલય સામે ભેગા થયા અને મુખ્યમંત્રી મોહન યાદવને સંબોધીને એક આવેદન એક અધિકારીને સોંપ્યું હતું.

આવેદનમાં કહેવામાં આવ્યું હતું કે વન અને જેલ વિભાગોની સંયુક્ત ભરતી પરીક્ષા 2023 માં એક ઉમેદવારને 100 માંથી 101.66 ગુણ મળ્યા અને તે સિલેક્શન લીસ્ટમાં ટોપ ઉપર રહ્યો હતો. ભોપાલ સ્થિત મધ્યપ્રદેશ કર્મચારી ચયન મંડળ દ્વારા આયોજન કરવામાં આવેલી પરીક્ષા નું પરિણામ 13 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યું હતું.

પરીક્ષા પરિણામની જાહેરાતની સાથે જ કર્મચારી ચયન મંડળે સ્પષ્ટ કર્યું હતું કે આ ભરતી પરીક્ષામાં નિયમ પ્રમાણે સામાન્યકરણ ની પ્રક્રિયા અપનાવવામાં આવી છે જેના લીધે ઉમેદવારોને સો કરતા પણ વધારે ગુણ પ્રાપ્ત થયા છે.

પ્રદર્શનકરીઓનું નેતૃત્વ કરનાર ગોપાલ પ્રજાપત એ જણાવ્યું હતું કે પરીક્ષામાં એક ઉમેદવારને 100 ગુણના પેપરમાં થી 101 ગુણ ન ફક્ત આશ્ચર્યજનક છે પરંતુ મધ્યપ્રદેશના પરીક્ષા ઇતિહાસમાં પહેલી વખત આવું થયું છે. આ ઉપરાંત આવેદનમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પહેલા બે ટોપર્સ એક જ જિલ્લા સતનામાંથી આવે છે. જેનાથી શંકા વધારે ઉપજે છે.

તેમણે વન રક્ષક, ક્ષેત્ર રક્ષક અને જેલ પ્રભારીના પદ માટે આયોજિત ભરતી પરીક્ષામાં ધાંધલી વેડાનો આરોપ લગાવતા નિષ્પક્ષ તપાસની માંગણી કરી છે.

ગ્વાલિયર અને ભોપાલ કેન્દ્રમાંથી પણ કેટલાક વિદ્યાર્થીઓના ટોપ કરવાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રીને આવેદન આપ્યું છે કે આ મામલે તપાસ થવી જરૂરી છે અને સંબંધિત સેન્ટરોની તપાસ કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.

પ્રદર્શનકરીઓ એ કહ્યું કે જો આ મામલે તપાસ કર્યા બાદ દોષિતો પર કાર્યવાહી નહીં કરવામાં આવે તો રાજ્યના બેરોજગાર યુવાનો ને મોટું આંદોલન કરવા મજબૂર થવું પડશે.