દિવાળી અને નૂતન વર્ષની ઉજવણીમાં બ્રેક એટલે ‘ધોકો’ દિવસ, જાણો શા માટે ઉજવવામાં આવે છે આ દિવસ

Diwali 2024: દિવાળી અને બેસતા વર્ષની વચ્ચે અથવા તો કોઈપણ તહેવાર ચાલતા હોય તે વચ્ચે એક દિવસ પડતર આવે તેને ધોકો કહેવામાં આવે છે. વાઘ બારસથી જે દિવાળી પર્વનું ઝુમખું શરું થાય છે તેમાં પડતર દિવસે બ્રેક મારે છે કારણ કે ધનતેરસ, કાળી ચૌદસ પછી દિવાળી (Diwali 2024) બેસે છે પરંતુ દિવાળી પછીનો દિવસ નૂતન વર્ષાભિનંદન હોતો નથી. એક ખાલી દિવસ હોય છે આથી બેસતા વર્ષ માટે એક દિવસની રાહ જોવી પડે છે.

આમ તો ધોકો પાળવોએ સ્વૈચ્છિક હોય છે. ધોકા માટે ભારતીય વર્ષની ગણતરી ચંદ્રની કળા સાથે થાય છે. ચંદ્રની કળાના આધારે બનતી તિથિઓ આધારિત મહીનાઓ અને દિવસો વડે ગણતરી મંડાય છે. એક મહીનામાં ચંદ્રની કળાઓને 30 ભાગમાં વહેંચવામાં આવી છે.

જયારે હકિકતમાં ચંદ્ર 30 કળાઓને 30 દિવસ કરતા ઓછા સમયમાં પૂર્ણ કરી લે છે. આથી દર મહિને પંચાગમાં એક તિથિનો ક્ષય થાય છે અથવા તો વધારો થાય છે. સામાન્ય રીતે ચંદ્વની તિથિ સૂર્યોદય સમયે જે હોય તેને આખા દિવસ માટે ગણી લેવામાં આવે છે. ચંદ્વ 30 કળાઓને 30 દિવસ એટલે કે એક મહિનાના સમય કરતા પહેલા પુરી કરી લે છે.

આ ગણતરીના આધારે પંચાગમાં તિથિમાં વધ ઘટ થાય છે. આથી ઘણી વાર દિવસ દરમિયાન જ તિથિ બદલાઇ જતી હોય એવું પણ બનતું હોય છે. આવી ગણતરી મુજબ જ ધોકાના દિવસે સૂર્યોદય સમયે અમાસ હોય છે અને નવા વર્ષની તિથિ શરુ થઇ હોતી નથી. નવા વર્ષનો પ્રથમ દિવસ અત્યંત મહત્વનો હોય છે તેનું સ્વાગત લોકો દેવદર્શન જવાથી કરે છે.

સવારે પહેલી તિથિ ચાલુ હોય એ દિવસને નવા વરસનો પહેલો દિવસ ગણવામાં આવે છે. કયારેક જુના અને નવા વર્ષની વચ્ચે એવો સમય આવે છે જે એક પણ વરસનો ભાગ હોતો નથી. કયારેક આવી ગણતરીનું પાલન કરીને નવું વર્ષ ઉજવવામાં આવે છે. કેટલીક વાર આ ગણતરીઓને અવગણીને દિવસથી દિવસ ગણીને તહેવાર ઉજવવામાં આવે છે. વડિલો કહે છે કે પહેલા આવા ધોકા આવતા ન હતા. જો કે એ સાચું નથી કારણ કે આધુનિક સમયમાં સચોટ ગણતરીના પગલે વધુ ધ્યાનમાં આવવા લાગ્યું છે.