અમદાવાદ(Ahmedabad): છેલ્લા થોડા દીવાસોથી વ્યાજખોરોનો ત્રાસ ખુબ જ વધી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. ત્યારે અમદાવાદના રાણીપમાં વધુ એક વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસને કારણે જીવન ટૂંકાવતા હાહાકાર મચી જવા પામ્યો છે. વ્યાજના ચુંગલમાં ફસાયેલા પરિવારમાં મહિલાએ વ્યાજખોરની ઉઘરાણીથી કંટાળીને 3 મહિના પહેલા આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ હાલ પતિએ પણ જિંદગી ટૂંકાવી લીધી છે. બીજી તરફ આ દંપતીના આપઘાત કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. તેમજ અન્ય બે વ્યાજખોરની શોધખોળ હાલ હાથ ધરવામાં આવી છે.
10 લાખ ચૂકવ્યા છતાં આરોપીઓએ વ્યાજના 8 લાખની પઠાણી ઉઘરાણી કરી:
ધન લાલચુ વ્યાજખોરએ વધુ એક પરિવારનો સુખી માળો વિખેરી દીધો છે. મળતી માહિતી અનુસાર, નિકુંજ પંચાલ રાણીપમાં રહે છે. તેઓ મિનરલ વોટર ધંધો કરતા હતા. તેઓએ વ્યાજખોરોના ત્રાસથી પોતાના ઘરેમાં ગળે ફાસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. વેપારીએ આપઘાત પહેલા એક સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં વ્યાજખોર રાકેશ નાયક, તેનો ભાગીદાર દેવાંગ સથવારા અને અનિલ પટેલનો ઉલ્લેખ કર્યો હતો.
ત્યારે હવે ઘટનાની વાત કરીએ તો, નિકુંજ પંચાલે ધંધાના વિકાસ અર્થે રાકેશ નાયક અને દેવાંગ સથવારા પાસેથી રૂ 10 લાખ 4 ટકાના વ્યાજે લીધા હતા. જેના 10 લાખ ચૂકવ્યા બાદ પણ વ્યાજના 8 લાખની પઠાણી ઉઘરાણી કરીને માનસિક ત્રાસ આપતા હતા. વ્યાજખોરના ત્રાસથી કંટાળીને નિકુંજભાઈના પત્નિ શ્વેતાબેન 2 જુનના રોજ આપઘાત કરી લીધો હતો. પરંતુ તેમ છતાં આ બંને વ્યાજખોર પૈસાની ઉઘરાણી કરવા ઘરે આવતા હતા. જેથી કંટાળીને નિકુંજ ભાઈએ પણ જીવતરનો અંત આણ્યો છે. આ ઘટનાથી એકનો એક દીકરો ગુમાવનાર માતા આઘાતમાં સરી પડી છે.
આરોપી 138 મુજબના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો:
જાણવા મળ્યું છે કે, મૃતક નિકુંજભાઈ શિવ શક્તિ મિનરલ વોટર નામની ડીસ્ટ્રીબ્યુશનશિપ ધરાવી મિનરલ વોટરનો વેપાર કરતા હતા. 5 વર્ષ પહેલા નિકુંજ પંચાલે મિત્ર અનુપ પટેલને ધંધા માટે રૂ 15 લાખ આપ્યા હતા. પરંતુ અનુપ પટેલે વેપારીને પૈસા પરત આપ્યા ન હતા. કોરોનાના કારણે મિનરલ વોટરલનો ધંધો મંદી પડી જતા નિકુંજ પંચાલે ઘર ખર્ચ અને ધંધા માટે ન્યુ રાણીપ ખાતે રહેતા રાકેશ નાયક પાસેથી 10 લાખ રૂપિયા લીધા હતા અને પૈસાના અવેજ પેટે વેપારીએ કોરા ચેક અને પ્રોમીસરી નોટ અને માતાની માલિકીના મકાનનો સમજુતી કરાર પણ કરી આપ્યો હતો.
ત્યારબાદ વેપારી સમયસર વ્યાજ અને મુડીની રકમ ચુકવતા હતા. વ્યાજે લીધેલી 10 લાખ રકમ અને વ્યાજ વેપારી નિકુંજ પંચાલે ચુકવી દિધા છતાં રાકેશ નાયક અવારનવાર રૂપિયાની ઉઘરાણી કરતો હતો, સાથે જ વેપારીએ આપેલ પ્રોમીસરી નોટ અને ચેક પરત ન આપી ચેકમાં મનફાવે તેવી રકમ ભરી વટાવી ચેક બાઉન્સ થતા 138 મુજબના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો હતો. જ્યારે તેનો મિત્ર અનિલ પટેલ પણ તેને પૈસા પરત આપતો નહતો. આ ઉપરાંત પત્નીએ પણ આપઘાત કરી લીધો હતો. જેને પગલે નિકુંજભાઈ તણાવમાં રહેવા લાગ્યા હતા.
પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી:
આ દરેકથી કંટાળી અંતે તેમણે પણ આપઘાત કરીને જિંદગીનો અંત લાવી દીધો. રાણીપ પોલીસે આપઘાત કેસમાં એક આરોપી અનિલ પટેલની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી. આ કેસમાં રાણીપ પોલીસે રાકેશ નાયક, દેવાંગ સથવારા અને અનિલ પટેલ વિરુદ્ધ દુષપેરના હેઠળ ગુનો નોંધીને અનિલ પટેલની ધરપકડ કરી છે, જ્યારે બે વ્યાજખોર રાકેશ નાયક અને દેવાંગ સથવારા ની શોધખોળ શરૂ કરી છે. મૃતકની માતાએ અનુપ, રાકેશ અને દેવાંગ સામે ફરિયાદ નોંધવતા પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. તેમજ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.