સુરત(ગુજરાત): આજકાલ વધી રહેલી આત્મહત્યાની ઘટના દરમિયાન ફરીવાર સુરતમાંથી એક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં સુરતના અઠવા લાઇન્સ કેબલ બ્રિજ ઉપરથી ગુરુવારની મોડી સાંજે એક નવયુવાને સેલ્ફી-ફોટો પાડી ‘લાસ્ટ ટાઇમ ફોર માય લાઇફ’ લખી પરિવારને સેન્ડ કર્યા બાદ તાપી નદીમાં કૂદી આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે.
એટલું જ નહીં, પણ એમેઝોનમાં પિક-અપ બોય તરીકે કામ કરતા 24 વર્ષીય કુલદીપે મિત્રોને લોકેશન શેર કર્યા બાદ કરેલા આપઘાતને લઈ અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે. જાણવા મળ્યું છે કે, બ્રિજ પરથી મળી આવેલી બાઇકને આધારે કુલદીપની ઓળખ થઈ હતી. ફાયર વિભાગ દ્વારા તાપી નદીમાં શોધખોળ હાથ ધરવામાં આવતા મૃતદેહ મળી આવ્યો હતો.
ફાયર વિભાગે જણાવ્યું હતું કે, કેબલ બ્રિજ પરથી નદીમાં કૂદકો મરનાર ઉધના વિસ્તારમાં આવેલા સંજયનગર ખાતે રહેતો હતો. અને એમેઝોન કંપનીમાં પિક-અપ બોય તરીકે કામ કરતો 24 વર્ષીય કુલદીપ ગૌડ હોવાનું સામે આવ્યું છે. કુલદીપ ગુરુવારના રોજ પોતાની બાઈક પર ઘરેથી નીકળીને કેબલ સ્ટેઇડ બ્રિજ ઉપર પહોંચ્યો હતો. બ્રિજ ઉપર ઊભા રહીને પોતાના મોબાઇલ ફોન દ્વારા સેલ્ફી લીધી અને એની ઉપર ‘લાસ્ટ ટાઇમ ફોર માય લાઇફ’ લખીને એ સેલ્ફી પોતાના વ્હોટ્સઅપ સ્ટેટસ પર અપલોડ કરી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી માહિત, એમેઝોન કંપનીમાં તેની સાથે કામ કરતા મિત્રોના ગ્રુપમાં કેબલ સ્ટેઇડ બ્રિજનું લોકેશન શેર કરીને કુલદીપે જિંદગીનો અંત લાવવા તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. વ્હોટ્સઅપ સ્ટેટસ જોઇને કુલદીપના ભાઇઓ અને તેની માતા તરત જ કેબલ સ્ટેઇડ બ્રિજ ઉપર દોડી ગયાં હતાં. જ્યાં તેમને કુલદીપની બાઈક મળી આવી હતી. પરંતુ, વહાલસોયા કુલદીપનો કોઈ પત્તો ન હતો. ત્યારબાદ પોલીસ અને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં તેઓ પણ દોડી આવ્યા હતા. પરંતુ, મોડી સાંજ સુધી કુલદીપ મળી આવ્યો ન હતો. આ દરમિયાન આજે શોધખોળ હાથ ધરતા મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા વિગતો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હતી.
કુલદીપે સેલ્ફી લીધા બાદ પોતાના ફોટા પર ‘લાસ્ટ ટાઇમ ફોર માય લાઇફ’ વાક્ય લખ્યું હતું, જે બાબતે તેના ભાઇઓ અને મિત્રોમાં પણ મૂંઝવણ પ્રવર્તી રહી છે. આ ઉપરાંત કુલદીપને કોઇ યુવતી સાથે પ્રેમસંબંધ હતો કે કેમ એ બાબતે તેના ભાઇઓને જાણ નથી. મોટા ભાઇ સુજિત ગૌડએ કહ્યું હતું કે, કુલદીપ સીધો અને સરળ સ્વભાવનો હતો. તેને પ્રેમસંબંધ ન હતો, તેને કોઇ ચિંતા પણ ન હતી કે રૂપિયા બાબતે પણ તણાવ ન હતો.
ફોટા પર લખેલા વાક્યથી રહસ્ય ઘેરાયું છે. કારણ કે, જિંદગીનો અર્થ કુલદીપે કયા સંદર્ભમાં કર્યો છે એ હજી કોઈ જાણી શક્યું નથી. કુલદીપે પોતાના મોબાઇલ ફોન દ્વારા સેલ્ફી લઇને વ્હોટ્સએપ પર અપલોડ તો કરી, પણ સાથોસાથ જ્યાં કામ કરતો હતો એ એમેઝોન કંપનીના મિત્રોના ગ્રુપમાં કેબલ સ્ટેઇડ બ્રિજનું લોકેશન શેર કરતાં તેમણે કુલદીપના ભાઇને આ અંગે જાણ કરતાં ઘરના સભ્યો તાત્કાલિક જ બ્રિજ ઉપર દોડી ગયા હતા.
સુદીપ ગૌડ (કુલદીપનો ભાઇ)એ જણાવ્યું હતું કે, મારા ભાઇએ તાપી નદીમાં ઝંપલાવ્યું હોવાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતાં તેઓ પણ ત્યાં આવ્યા હતા. પરંતુ, થોડીવારમાં જ તેઓ જતા રહ્યા. લાઇફબોટ દ્વારા કે અન્ય હોડીઓ દ્વારા શોધખોળ કરવાનો પ્રયત્ન જ ન કર્યો. હું આખો દિવસ બ્રિજની આસપાસ શોધતો રહ્યો. પરંતુ, તેમણે એવી કોઇ જ શોધખોળ કરી ન હતી. સવારે હું અને મારા ભાઇઓ બ્રિજ ઉપર પહોંચ્યા ત્યારે ત્યાં કામ કરતા એક મજુરે કહ્યું હતું કે, એક યુવાને તાપી નદીમાં ઝંપલાવ્યું હતું.
ઈશ્વર પટેલ (ફાયર ઓફિસર)એ જણાવ્યું હતું કે, પાણીનું વહેણ ખૂબ જ વધારે હતું. જેથી કુલદીપને શોધવાની કામગીરી રાત્રે કરી ન હતી. જેથી આજે સવારથી કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત બ્રિજ પરથી બાઈક મળી આવી હતી. ઘટના 9:15ની હોવાનું કહી શકાય છે. અને પરિવાર રાત્રે 11 વાગે ઘટના સ્થળે આવ્યો હતો. જાણવા મળ્યું છે કે, ચાર ભાઈમાં કુલદીપ સૌથી નાનો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.