આજે ગુજરાતનો 65મો સ્થાપના દિવસ: ભાષાના આધારે અસ્તિત્વમાં આવ્યું રાજ્ય…જાણો સંપૂર્ણ ઇતિહાસ

Gujarat Sthapana Divas 2025: 1 મે ના રોજ ગુજરાતનો સ્થાપના દિવસ છે. આ દિવસને સંપૂર્ણ ઉત્સાહથી ઉજવવામાં આવે છે, જે રાજ્યની સ્થાપના અને પ્રગતિને (Gujarat Sthapana Divas 2025) માન આપવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્પર્ધાઓ અને સેમિનાર દ્વારા ઉજવવામાં આવે છે. આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ અથવા ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ગુજરાત ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી થશે. રાજ્યપાલ અને મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે.

ગુજરાત સ્થાપના દિવસનો ઈતિહાસ
ભારતની આઝાદી બાદ વર્ષ 1947માં સરકારે દેશના પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગા કરીને ત્રણ રાજ્યો – સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઇ રાજ્યની સ્થાપના કરી હતી. વર્ષ 1956માં મુંબઇ રાજ્યોનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તેમજ મધ્યપ્રદેશના કેટલાંક વિસ્તારો ઉમેરવામાં આવ્યા અને તેને ‘બૃહદ મુંબઇ રાજ્ય’ નામ આપવામાં આવ્યું. આ નવા રાજ્યમાં ઉત્તરમાં ગુજરાતી ભાષા બોલતા લોકો અને દક્ષિણમાં મરાઠી ભાષા બોલતા નાગરિકો રહેતા હતા.

મહાગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણી બાદ 1 મે, 1960ના રોજ બૃહદ મુંબઇ રાજ્યના બે ભાગ પાડવામાં આવ્યા – તેને આજે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. આમ 1 મેના દિવસે ગુજરાત સ્થાપના દિવસની સાથે સાથે મહારાષ્ટ્ર સ્થાપના દિવસ પણ છે.

ઉલ્લખનીય છે કે, ગુજરાત રાજ્યની સ્થાપના મહાન સમાજ સુધારક રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવી હતી. ગુજરાત સરકારે 1 મેને ગુજરાત ગૌરવ દિવસ તરીકે જાહેર કર્યો અને દર વર્ષે આ દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે.

1 મે ​​1960ના રોજ ગુજરાત અલગ રાજ્ય બન્યું હતું
1 મે ​​1960ના રોજ બોમ્બે રાજ્યથી અલગ થઈને ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. આ સાથે જ દેશના નકશા પર મહારાષ્ટ્ર રાજ્ય પણ અસ્તિત્વમાં આવ્યું. મહાગુજરાત આંદોલન પછી ગુજરાત રાજ્યની રચનાનો માર્ગ મોકળો થયો. આનો શ્રેય ઈન્દુલાલ યાજ્ઞિકને આપવામાં આવે છે. તેઓ લોકોમાં ઈન્દુ ચાચા તરીકે લોકપ્રિય હતા. આઝાદીના થોડા વર્ષોમાં જ અલગ ગુજરાત રાજ્યની માંગ ઉઠવા લાગી. આ માંગને વર્ષ 1955-56ની આસપાસ વેગ મળ્યો.

તે સમયે કેન્દ્રમાં જવાહરલાલ નેહરુ વડાપ્રધાન હતા. શરૂઆતમાં તેઓએ આ માંગની અવગણના કરી પરંતુ જ્યારે ગુજરાતમાં અલગ રાજ્યની માંગ વધુ ઉગ્ર બની ત્યારે કેન્દ્ર અને તત્કાલીન બોમ્બે રાજ્ય સરકારે માંગ સ્વીકારવી પડી હતી. આ સાથે બંને રાજ્યો 1 મેના રોજ અસ્તિત્વમાં આવ્યા. જ્યાં ગુજરાતી ભાષા બોલાતી હતી તેને ગુજરાતનો એક ભાગ બનાવવામાં આવ્યો અને જે ભાગમાં જે મરાઠી બોલાતી હતી તેમને મહારાષ્ટ્રમાં રાખવામાં આવ્યા હતા. તેમજ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા હતા.