આજે હોળી પર્વ પર અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે જામશે જંગ, ક્રિકેટ રસિકો રોમાંચના રંગે રંગાશે….

GT vs MI IPL 2024: IPL 2024ની પાંચમી મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સ 24 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. છેલ્લા બે વર્ષમાં હાર્દિકની કેપ્ટન્સીમાં IPLમાં(GT vs MI IPL 2024) શાનદાર સફળતા મેળવ્યા બાદ ગુજરાત ટાઈટન્સની નવી સફરની હવે શરૂઆત થવા જઈ રહી છે. ગુજરાત ટાઈટન્સની સફળતાને પગલે મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિકને ટીમનું સુકાન સોંપી દીધું છે. હવે તેઓ પણ વિજયી શુભારંભની આશા રાખી રહ્યા છે. અમદાવાદમાં આજે સાંજે 7:30 વાગ્યાથી મેચનો પ્રારંભ થશે.

બેટ્સમેનોને અહીં રમવાની મજા આવે છે
અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ)માં હાઇ સ્કોરિંગ ગ્રાઉન્ડ તરીકે જાણીતું છે. ગુજરાત ટાઇટન્સ વિ મુંબઈ ઇન્ડિયન્સની મેચમાં વપરાયેલી પીચ વિશે વાત કરીએ તો, બેટ્સમેનોને અહીં રમવાની મજા આવે છે કારણ કે બોલ બેટ પર સારી રીતે આવે છે. જેમ જેમ મેચ આગળ વધે તેમ પિચ બદલાય તેવી શક્યતા નથી.

તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની અપેક્ષા નથી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદ વર્ષના આ સમયે ગરમ અને ભેજવાળું હવામાન અનુભવે છે. આવી સ્થિતિમાં, હવામાન ગરમ રહેવાની ધારણા છે. અમદાવાદમાં તાપમાન 38 ડિગ્રી સેન્ટીગ્રેડ પર પહોંચી ગયું છે. ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સની મેચ રાત્રે રમાવાની હોવાથી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની અપેક્ષા નથી.

આ બાબતોનું પણ ધ્યાન રાખવું પડશે
રોહિત શર્મા તેની છેલ્લી 30 IPL ઇનિંગ્સમાં 20 વખત પાવરપ્લેમાં આઉટ થયો છે. IPL 2023માં મધ્ય ઓવરોમાં મુંબઈ ઈન્ડિયન્સનો સરેરાશ સ્કોર 9.1 હતો. તેનું મુખ્ય કારણ સૂર્યકુમાર યાદવ હતા. મિડલ ઓર્ડર દરમિયાન તેણે 183 રન બનાવ્યા હતા.શું તેની ગેરહાજરીમાં બીજું કોઈ તેની સાથે મેળ ખાશે? ગુજરાત ટાઇટન્સે ગત સિઝનમાં 140 કિમી પ્રતિ કલાકની ઝડપે 156ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા, જે અન્ય કોઈપણ ટીમ સામે સૌથી વધુ છે.

MI છેલ્લે 2012માં સિઝનની પ્રથમ મેચ જીત્યું હતુ
ગુજરાત ટાઈટન્સની આ IPLમાં ત્રીજી સિઝન છે અને અગાઉ બંને સિઝનમાં ટાઈટન્સની ટીમે તેની સિઝનની પ્રથમ મેચ જીતી હતી. હવે આ વખતે ટીમ જીતની હેટ્રિક સર્જવા ઉત્સુક છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ માટે છેલ્લા 11 વર્ષથી સિઝનની પ્રથમ મેચ કડવા ઘૂંટડા સમાન રહી છે. મુંબઈ છેલ્લે 2012માં સિઝનની પ્રથમ મેચ જીત્યું હતુ. જોકે ત્યાર બાદ છેલ્લા 11 વર્ષમાં પ્રત્યેક સિઝનમાં પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે બંને ટીમો શ્રેણીમાં વિજયો શુભારંભ કરવા ઉત્સુક છે.

મુંબઈ ઈન્ડિયન્સને નવી શરૂઆતની આશા
હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈની ટીમ પણ સ્ટાર ખેલાડીઓની ભરમાર છે. કેપ્ટન્સીના ભારેથી હળવા થયેલા રોહિતની સાથે કિશનને ઓપનિંગમાં ઉતારવામાં આવે તેવી શક્યતા પ્રબળ છે. મુંબઈની સફળતાનો આધાર બુમરાહ પર વિશેષ રહેશે. બેહરેન્ડફ અને મદુશંકાની ગેરહાજરી ટીમને પરેશાન કરશે. જોકે કોઈત્ઝી, ટીમ ડેવિડ, નાબી, શેફર્ડ, ઘુસારા, માફાકા અને વૂડ જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ કમાલ કરી શકે છે. ટીમમાં તિલકુવર્મા, ડેવાલ્ડ બ્રાવિસ, કુમાર કાર્તિકેયા ! મેચમાં હારનો જ સામનો કરવો પડયો માધવાલની સાથે ચાવલા, એસ. ગોપાલ, મુલાની, વાઢેરા અને શિવાલીક શર્મા જેવા ખેલાડીઓ પર પણ નજર રહેશે.

શુભમનની કેપ્ટન્સીએ સૌથી મોટું આકર્ષણ
શુભમન ગીલની આગેવાની હેઠળની ગુજરાતની ટીમ સંતુલિત અને સ્ટાર ખેલાડીઓથી ભરપૂર છે. વિલિયમસનની હાજરી બેટિંગને મજબુત બનાવશે. મીલર અને રાશિદ ખાનના દેખાવ પર પણ ટીમની સફળતાનો મોટો આધાર છે. હાર્દિકની સાથે શમીની ગેરહાજરી ટીમ માટે ફટકા સમાન છે. જોકે ઓલરાઉન્ડર ઓમરઝાઈ અને ફાસ્ટર સ્પેન્સર જોહન્સન પણ ગુજરાત તરફથી પ્રભાવ પાડવા માટે તૈયાર છે. સાઈ કિશોર અને સાઈ સુદર્શનની સાથે વિજય શંકર, એમ.શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા પર નજર રહેશે. સહા, ઉમેશ યાદવ, મોહિત શર્મા, જયંત યાદવ તેમજ માનવ સુથાર તેમજ નૂર અહમદ પણ નિર્ણાયક બની શકે. શુભમનની કેપ્ટન્સીએ સૌથી મોટું આકર્ષણ છે.