અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પરની મુસાફરી મોંઘી બની; ટોલદરમાં કરાયો તોતિંગ વધારો, જાણો નવો ભાવ

Bharathana Toll Tax: આજે મધરાતથી અમદાવાદથી મુંબઈ તરફ જતા નેશનલ હાઇવે પર મુસાફરી કરવી મોંઘી બની જશે. વડોદરા નજીક આવેલા કરજણ પાસેના ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલના દરોમાં વધારો થયો છે. કરજણ ટોલ પ્લાઝા પર ટોલના દરમાં 67 ટકા જેટલો (Bharathana Toll Tax) વધારો ઝીંકવામાં આવ્યો છે. અગાઉ કારના 105 રૂપિયા વસૂલાતા હતા તેમાં વધારો થતા આજે રાતથી કારના ટોલમાં ભાવ વધારા સાથે રૂ 155ની વસુલાત કરવામાં આવશે. ભરથાણા ટોલપ્લાઝાથી 20 કિલોમીટરના અંતરે રહેતા લોકો માટે પાસની વ્યવસ્થા કરાઇ છે. જેમાં મહિને 340 રૂપિયા ચૂકવી પાસ કઢાવવાનો રહેશે.

ભાવ વધારાનો પરિપત્ર કરવામાં આવ્યો જાહેર
વડોદરાથી ભરૂચ જવા માટે હવે રૂ. 50 વધુ ચૂકવવા પડશે. 23 સપ્ટેમ્બરના રોજ ટોલટેક્સમાં ભાવ વધારાનો પરિપત્ર કરવામાં આવ્યો હતો. જોકે આ પરિપત્રનો અમલ બે મહિના પછી કરવામાં આવી રહ્યો છે. એટલે આજે રાત્રે 12 વાગ્યા પછી કાર સહિતના તમામ વાહનોમાં ટોલટેક્સ વધારે ચૂકવવા પડશે.

હવેથી આટલા રૂપિયા વધારાના ચૂકવવા પડશે
ભરથાણા ટોલનાકા પર પહેલા કાર, જીપ અને વાનના 105 રૂપિયા લેવામાં આવતા. તેની જગ્યાએ હવે આ વાહનના ચાલકોએ 155 ચૂકવવા પડશે. રિટર્ન ટોલ 230 રૂપિયા થશે

LCV વાહનના ચાલકો પાસેથી અત્યાર સુધી 180 રૂપિયા વસૂલાતા હતા. તેની જગ્યાએ હવે 245 ચૂકવવાના રહેશે.
માસિક પાસના 5085 ચૂકવવાના રહેશે. રિટર્ન ટોલ 370 થશે અને માસિક પાસના 8215 રૂપિયા થશે.
બસ અને ટ્રકના ચાલકો પાસેથી અત્યાર સુધી સિંગલ સાઈડના 360 રૂપિયા વસૂલાતા, તેની જગ્યાએ હવે વધીને 515 ચૂકવવા પડશે.
રિટર્ન લેવામાં આવે તો 775 ચૂકવવાના રહેશે. જ્યારે માસિક પાસના 17,210 ચૂકવવાના રહેશે.

આમ, જો તમે અમદાવાદથી મુંબઈ જવા નીકળો છો, તો તમને હવે વધારે રૂપિયા ખર્ચવાની તૈયારી રાખવી પડશે. ગુજરાતમાં અનેક રસ્તાઓને પહોળા કરવાની તથા, સિક્સ લેન બનાવવાની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. જેથી વધારે રૂપિયા ચૂકવવાની તૈયારી રાખવી પડશે.