વીજ સંકટથી દક્ષિણ ગુજરાતમાં હાહાકાર: મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસ પહોંચ્યા

Gujarat Torrent Power: સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં ઉકાઈ TPSના ચાર યુનિટ ટ્રીપ થતાં 500 મેગાવોટ વીજ ઉત્પાદન ઘટ્યું હોવાનું સામે આવ્યું છે. સુરત, વાપી, વલસાડ, અંકલેશ્વર, રાજપીપળા (Gujarat Torrent Power) સહિતના વિસ્તારોમાં આવેલા કારખાના અને ફેક્ટરીઓમાં કામ અટકી પડ્યા છે. સમગ્ર ઘટનાને લઈને લોકો ટોરેન્ટ પાવરની ઓફીસે પહોંચીને હોબાળો મચાવ્યો હતો. જો કે, વીજ પુરવઠો શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે આ મામલે DGVCLએ ખાતરી આપી હતી કે, સાંજે છ વાગ્યા સુધીમાં વીજળી આવી જશે.

દક્ષિણ ગુજરાતમાં વીજળી ડૂલ
એક તરફ ગુજરાતભરમાં હીટવેવની સ્થિતિ છે, ત્યારે સુરત, તાપી, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં વીજળી ડૂલ થઈ છે. સુરત તાપી, ભરૂચ, રાજપીપળા સહિતના વિસ્તારોમાં વીજ ફોલ્ટના કારણે લાઈટ ડૂલ થતાં લોકોએ ટોરેન્ટ પાવર ખાતે હોબાળો કર્યો હતો.

જ્યારે ગેટકો અને એલએમયુ તરફથી મળેલા અહેવાલો મુજબ, ઉકાઈ TPSના ચાર યુનિટ ટ્રીપ થતાં 500 મેગાવોટ વીજ ઉત્પાદન ઘટ્યું હોવાનું સામે આવ્યું છે. 400 કેવી આસોજ લાઇન ટ્રીપ થવાને કારણે ગ્રીડમાં મોટી ખલેલ પહોંચી હતી. સમગ્ર મામલે સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર (SLDC) તેને ઉકેલવા માટે પગલાં લઈ રહ્યું છે.

ગ્રીડ ફેલ થતાં વીજળી ગઈ હોવાનું DGVCL દ્વારા જણાવામાં આવ્યું હતું. જ્યારે સુરતના હીરાના કારખાના લોકોએ જણાવ્યું હતું કે, આજે ઝટકા મારીને પાવર બંધ થઈ ગયો હતો. આ રીતે પાવર જતો રહેવાથી મશીનોમાં નુકસાન થયું છે. તો કેટલાક મશીનો વિદેશથી મંગાયેલા છે અને પાવરના ઝટકાના કારણે મશીનોમાં ભારે નુકસાન થયું છે. છેલ્લા કેટલાક મહિનાથી આવી સમસ્યા રહે છે. બીજી તરફ, ઓલપાડમાં લાઈટ જતી રહેવાથી સરકારી કચેરીઓમાં લોકો અંધારામાં કામ કરવા મજબૂર બન્યા છે.

સાંજે છ વાગ્યા સુધીમાં વીજળી આવી જશે: DGVCL
ઉનાળાની આકરી ગરમી વચ્ચે અચાનક લાઈટ ગૂલ થઈ જતાં લોકો હેરાન પરેશાન થયા છે. સુરત, વાપી, વલસાડ, અંકલેશ્વર, રાજપીપળા સહિતના વિસ્તારોમાં આવેલા કારખાના અને ફેક્ટરીઓમાં કામ અટકી પડ્યા છે. બીજી તરફ સરકારી કચેરીઓમાં પણ કામકાજ ઠપ થયા છે. લોકો ટોરેન્ટ પાવરની ઓફિસે જઈને હોબાળો કરી રહ્યા છે. આ મામલે DGVCLએ ખાતરી આપી હતી કે, સાંજે છ વાગ્યા સુધીમાં વીજળી આવી જશે.

કોને અસર થઈ કોને નહીં?

ટ્રેન માટે વીજ લાઈન અલગ હોવાથી ટ્રેન વ્યવહારને અસર થઈ નથી.

જનરેટર વગરની હોસ્પિટલમાં દર્દીઓ અને ડૉક્ટરોને પડી હાલાકી.

વીજળી ડૂલ થતાં શાળાઓને પડી હાલાકી, આજે કોઈ પેપર ન હતું.

અનેક કારખાના-ફેક્ટરીઓમાં વીજળી જતાં કામ ઠપ થયું.

આકરી ગરમી વચ્ચે વીજળી જતાં લોકો હેરાન-પરેશાન થયા.