ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં ધોધમાર વરસાદ: જાણો સૌથી વધુ ક્યાં ખાબક્યો

Gujarat Heavy Rain: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે વરસાદ પડી શકે છે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી(Gujarat Heavy Rain) માહોલ રહે તેવી શક્યતા છે. જેના પગલે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. તો બીજી તરફ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ ગઈકાલે બુધવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે છુટોછવાયો વરસાદ વરસ્યો હતો.

સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી
આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી છે. તેમના જણાવ્યા અનુસાર, આજથી ત્રણ દિવસ મધ્યપ્રદેશમાં વરસાદની શક્યતા રહેતા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. રાજ્યમાં 17 થી 24 જુલાઈ દરમ્યાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 17થી 24 જુલાઇ વચ્ચે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પૂરની સ્થિતી જોવા મળી શકે છે. પવનની ગતિ 30 કી.મી પ્રતિ કલાકથી 50 કી.મી. પ્રતિ કલાકની રહેશે. તેમજ 17થી 24 જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આહવા, ડાંગ અને વલસાડમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.

વરસાદનું જોર ઘટવાની શકયતા
મોન્સૂન ટ્રફ(વરસાદની સિસ્ટમ)ને કારણે વરસાદની વધઘટ થતી હોય છે. હાલમાં ગુજરાતની આસપાસ મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આ સિસ્ટમ હજુ 24 કલાક ગુજરાત આસપાસ સક્રિય રહેશે, પરંતુ, 11 જુલાઇથી આ સિસ્ટમ ફરી ઉત્તર ભારત તરફ આગળ વધી જશે, જેથી 15 જુલાઈ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમરેલી, આણંદ, ભરૂચ, છોટાઉદેપુર, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, દાહોદ, નર્મદા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. મોરબી, મહીસાગર, ખેડા,જામનગર, બોટાદ, બનાસકાંઠા, અરવલ્લી, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હળવાથી મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભગ દ્વારા આજે કચ્છ, મોરબી, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં કેટલીક જગ્યા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

સવારથી ધીમીધારે વરસી રહ્યો છે વરસાદ
તો બીજી તરફ આજે સવારથી 6થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 16 તાલુકામાં વરસાદ પડ્યો. સૌથી વધારે વરસાદ સુરતમાં નોંધાયો છે.સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા વચ્ચે સૌથી વધુ સુરત શહેરમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે.સુરત જિલ્લામાં હાંસોટ, કામરેજ, ઓલપાડ, ચોર્યાસી, ઉમરગામમાં વરસાદ વરસ્યો છે.