ચોમાસાની વિદાય વચ્ચે ગુજરાતના 67 તાલુકાઓમાં ધોધમાર વરસાદ; સૌથી વધુ કામરેજમાં ખાબક્યો

Gujarat Heavy Rain: દિવાળીના તહેવારોના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં વરસાદ વિદાય લેવાનું નામ નથી લઈ રહ્યો છે. હજી પણ ગુજરાતમાં ઠેક ઠેકાણે ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 67 તાલુકામાં વરસાદ (Gujarat Heavy Rain) નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરતના કામરેજમાં અઢી ઈંચ, સુરેન્દ્રનગરમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 6 વાગ્યામાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 67 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરતના કામરેજમાં અઢી ઈંચ, સુરેન્દ્રનગરમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો.

બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો
હવામાન વિભાગ દ્વારા આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સવારથી બપોર સુધી રાજ્યભરમાં વરસાદી મોહાલ જોવા મળ્યો ન હતો પરંતુ બપોર બાદ સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર સહિતના વિસ્તારમાં બપોરે 12 વાગ્યા પછી વરસાદ વરસ્યો હતો. દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લામાં ધોધમાર પરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા.

ગુજરાતમાં 10 તાલુકામાં 1થી 3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 6 વાગ્યામાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 67 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 10 તાલુકા એવા છે જ્યાં એકથી ત્રણ ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.

ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે મંગળવારની આગાહીમાં સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ તથા દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

જગતનો તાત ચિંતિત
ઉલ્લેખનીય છે કે, રાજ્યના વિવિધ ભાગોમાં પડેલા વરસાદના કારણે કપાસ, મગફળી, સોયાબીન, મરચા, ડુંગળી સહિતનાં તૈયાર પાકને વ્યાપક નુકસાન થયું છે. જેને લઈને પીડિત ખેડૂતોને વહેલી તકે યોગ્ય સહાય વળતર ચૂકવવા માંગ ઊઠી છે.