જુનાગઢમાં બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા 1 યુવકનું કરુણ મોત- એકનો એક જુવાનજોધ દીકરો ગુમાવતાં પરિવાર પર આભ ફાટ્યું

Junagadh Accident: જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં બે બાઈક સામ-સામે ભટકાતા એક યુવકનું માત્ર પાંચ સેકન્ડમાં જ ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. અકસ્માતમાં એકના એક દીકરાનું મોત થતા પરિવાર પર આભ ફાટ્યું છે. આ અકસ્માત માટે પરિવારજનોએ આડેધડ ડીવાઈડરમાં મૂકાયેલા કટ અને સ્પીડબ્રેકરના અભાવને જવાબદાર(Junagadh Accident) ગણાવ્યા છે.ત્યારે આ મામલે મૃતકની પત્નીએ સી.ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

સ્પીડબ્રેકરનો અભાવ જોવા મળ્યો
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના મધુરમ વિસ્તારમાં આવેલ એકતાનગરમાં રહેતો પંકજ જોશી (35) આજે સવારે 7 વાગ્યાની આસપાસ ઘરેથી બાઈક લઈને વેફર લેવા નીકળ્યો હતો. આ દરમિયાન રોડ ક્રોસ કરતી વખતે જ પંકજનું બાઈક સામેથી પુરપાટ આવી રહેલા બાઈક સાથે ધડાકાભેર ટકરાયું હતુ.જેમાં યુવકનું ગણતરીની સેકન્ડોમાં જ ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જે જગ્યાએ અકસ્માત સર્જાયો ત્યાં ડીવાઈડરની નજીકમાં સ્પીડબ્રેકરનો અભાવ જોવા મળ્યો હતો.

બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ
આ અકસ્માતના પગલે બન્ને બાઈક ચાલક નીચે પટકાયા હતા. જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા. જેમણે બેભાન થઈ ગયેલા પંકજને સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ બ્રેઈન હેમરેજના કારણે પંકજનું મોત થયું હોવાનું જાહેર કર્યું હતુ.આ મામલે મૃતક પંકજના પત્ની દિપ્તી જોશીએ સી.ડિવિઝન પોલીસ મથકમાં અન્ય બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બસ સ્ટોપ નજીક આવેલા આ રોડ પર અવારનવાર અકસ્માત સર્જાય છે
આ અંગે પરિવારના સભ્યએ જણાવ્યું હતું કે,મધુરમ બસ સ્ટોપ નજીક આવેલા આ રોડ પર અવારનવાર અકસ્માત સર્જાય છે. તંત્ર આ બાબતે બેદરકારી દાખવી રહ્યું છે જ્યારે રોડ બનાવે છે ત્યારે ડિવાઈડર કેવી રીતે રાખવા? કેવા સ્પીડ બ્રેકર રાખવા? તે પણ અણઆવડત વાળું તંત્રનું આયોજન હોય છે. જેના કારણે મધુરમ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયમાં ચાર થી પાંચ અકસ્માતો બન્યા છે. જેમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે અમે પણ અમારા સ્વજનને ગુમાવ્યો છે.

બે મહિના પહેલા ગટરના ઢાંકણના કારણે યુવકે જીવ ગુમાવ્યો હતો
જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ પર રસ્તાના લેવલથી ઉપરના ભાગે ફીટ કરી દેવાયેલા ભૂગર્ભ ગટરના ઢાંકણના કારણે બે મહિના પહેલા અકસ્માત સર્જાતા એક 22 વર્ષીય આશાસ્પદ યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. રસ્તાના અને ભૂગર્ભ ગટરના કામમાં રાખવામાં આવેલી બેદરકારીના કારણે એક પરિવારે જુવાનજોધ પુત્ર ગુમાવવો પડ્યો હતો.જે તે સમયે પણ પરિવારજનોએ ભારે હ્રદયે તંત્રને અપીલ કરી હતી કે, હવે કોઈને વ્હાલસોયાનો જીવ જાય તે પહેલા આ રસ્તાને વ્યવસ્થિત કરવામાં આવે. તેમ છતાં જૂનાગઢ શહેરમાં અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો.