રાજકોટ | ટૂ-વ્હીલર લઈને જતી યુવતીને પાણીમાંથી શોક લાગતાં માત્ર 15 સેકન્ડમાં જ ઊડી ગયું પ્રાણપંખેરું

Rajkot Accident: રાજકોટમાં કોર્પોરેશન અને PGVCLની બેદરકારીના કારણે 22 વર્ષની એક આશાસ્પદ યુવતીને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. બે દિવસ પહેલા રાજકોટમાં વરસાદ પડ્યો હતો. આ સમયે ડિવાઈર પર વીજપોલની નીચે ખુલ્લો વાયર પડ્યો હોવાથી ત્યાંથી પસાર થતી(Rajkot Accident) યુવતીને કરંટ લાગ્યો હતો અને તેનો જીવ જતો રહ્યો. હવે યુવતીના પરિજનો જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

વીજ પોલ નીચે ખુલ્લા વાયરથી કરંટ લાગ્યો
વિગતો મુજબ, બે દિવસ પહેલા રાજકોટની 22 વર્ષની નિરાલી કાકડિયા નામની યુવતી ફાર્મસીમાં નોકરી કરીને પોતાના ઘરે જઈ રહી હતી. આ દરમિયાન નાના મવા રોડ અમૃતસર ઘાટી પાસે વીજપોલની નીચે પડેલા ખુલ્લા વાયરને અડી જતા તેને કરંટ લાગ્યો હતો. ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે, યુવતી રોડ પર કરંટ લાગતા તરફડિયા મારી રહી છે અને આખરે તેનું મોત થઈ જાય છે. નિરાલી ગઈકાલે મોડી સાંજે જયારે ધોધમાર વરસાદ વરસતો હતો ત્યારે ટુ વ્હીલર લઈને નાનામવા રોડ પરથી નીકળી હતી. નજીકના વીજ થાંભલા પાસેથી પસાર થતી વખતે અચાનક તેને પાણીમાંથી જોરદાર કરંટ લાગતાં બેભાન થઈ ઢળી પડી હતી.

પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો
તત્કાળ તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જયાં મૃત્યુ નિપજયું હતું. ખરેખર કઈ રીતે નિરાલીને કરંટ લાગ્યો તે વિશે પોલીસને કોઈ ચોકકસ માહિતી મળી નથી. જે વીજ થાંભલા પાસેથી નિરાલી પસાર થઈ હતી તેનો કોઈ વાયર પણ નીચે પડી નહી ગયાનું પોલીસને જાણવા મળ્યું છે. આ સ્થિતિમાં આ વીજ થાંભલાના અર્થીંગમાંથી કરંટ લાગ્યાનું પોલીસ માની રહી છે. ભોગ બનનાર નિરાલી કોલેજમાં અભ્યાસ કરતી હતી. તેના મોતથી પરિવારના સભ્યો આઘાતથી સ્તબ્ધ થઈ ગયા હતા. વરસતા વરસાદમાં વીજ થાંભલા નજીકથી પસાર થતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે તે આ ઘટના પરથી સાબિત થયું છે. રાજકોટ તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ આગળ ધપાવી છે.

પરિજનોએ શું માંગણી કરી?
ઘટનાને લઈને યુવતીના પરિજનોએ કહ્યું કે, સાંજે વરસાદ પડ્યા બાદ રોડ પર પાણી ભરાયા હતા. રોડ પર વીજ પોલની નીચેનો વાયર ખુલ્લો હતો. મોનસૂન સત્ર પહેલા તંત્રએ શું કામગીરી કરી? GEB વિભાગ હોય, રોશની વિભાગ હોય કે ડ્રેનેજ વિભાગ હોય. કાગળ પર મોનસૂન સત્રની તૈયારી બતાવે છે, આમા તૈયારી ક્યાં છે? પરિજનોએ દાવો કર્યો કે, એકને જ શોક નથી લાગ્યો. ઘણા લોકોને નાના-નાના કરંટ લાગ્યા છે. ઘટના ઘટી તેના 1 કલાકમાં તંત્ર બધા પોલ કમ્પલેટ કેમ કરી ગયું? શું આ ઘટનાની રાહ જોતા હતા? પરિજનોની માંગ છે કે, મેઈન્ટેનન્સ-રોશની વિભાગ છે તેમાં જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી છે.

મેયરનો લૂલો બચાવ
તો બીજી તરફ રાજકોટ મહાનગર પાલિકામાં આગ લાગ્યા બાદ કૂબો ખોદવા જેવો ઘાટ છે. ઘટના પર રાજકોટના મેયર નયના પેઢટિયાએ કહ્યું કે, રોશની વિભાગને તાકીદ કરી છે. શહેરમાં જે ખુલ્લા વાયરો છે તેનું તાત્કાલિક સમારકામ કરવા માટેની સૂચના આપી છે. પતંગના દોરા અને વાયરના ઘર્ષણને કારણે વાયર ખુલ્લા થઇ ગયા હોવાનો મેયરે લુલો બચાવ કર્યો છે. પરંતુ પ્રિમોન્સુન કામગીરીના ભાગરૂપે આ રીતે ખુલ્લા પડેલા વાયરને રીપેર કરવાની તાકિદ કેમ ન લેવાઇ તે મોટો સવાલ થઈ રહ્યો છે.