ચોટીલા હાઇવે પર આઇસર, ટ્રેલર અને કાર વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત; 1 નું ઘટના સ્થળે જ મોત

Chotila Highway Accident: સાયલા ચોટીલા હાઇવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આઇસર, ટ્રેલર અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં આઈસર ચાલકનું મોત થયું હતું. સાયલાના ડોળીયા આયા ગામ વચ્ચે અકસ્માતમાં આઈસરના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ત્યારે અકસ્માતના(Chotila Highway Accident) પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટના સ્થળે પોલીસે પહોંચી વાહનોને હટાવી ટ્રાફિક ખૂલ્લો કર્યો હતો.

આઈસર ચાલકને જોકું આવી જતા અકસ્માત
પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના મોકળ ગામના ડ્રાઈવર રમેશભાઈ લાલજીભાઈ શિયાણિયા આઈસર લઈને સાયલા- ચોટીલા હાઈવે પર જઈ રહ્યા હતા. ત્યારે સાયલાના ડોળિયા આયા ગામ પાસે આઈસર ચાલકને જોકું આવી જતા આઈસર ડિવાઈડર કૂદીને સામેના રોડ પર જતું રહ્યું હતું. જ્યાં આઈસર ટ્રેલર અને કાર સાથે ટકરાતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે આઈસરની કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

આઈસરચાલકનું મોત
આ ત્રિપલ અકસ્માતના બનાવમાં આઈસર ચાલક રમેશભાઈ લાલજીભાઈ શિયાણિયાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટનાના પગલે હાઈવે પર પસાર થતા લોકોએ 108 અને સાયલા પોલીસને જાણ કરી હતી. ત્યારે 108 અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી અપાયો હતો. બીજી તરફ ત્રિપક અકસ્માતના પગલે અમદાવાદ- રાજકોટ હાઈવે ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો. ત્યારે પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેન મારફતે હટાવી ટ્રાફિકજામ ખૂલ્લો કરાવ્યો હતો.

પરિવાર શોકમાં ગરકાવ
આઇસર ચાલકનું નામ રમેશભાઈ લાલજીભાઈ પોરબંદર જિલ્લાના રાણાવાવ ગામનું જાણવા મળ્યું હતું. જેમાં આઇસર નંબર G.J.27,X5851 અને કાર નંબર G.J 1.DD J6124 અને ટેલર નંબર R.J 08.GA7473 છે. ત્યારબાદ આ ત્રિપલ અકસ્માતમા ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી રસ્તો ખુલ્લો મુકવામાં આવ્યો હતો.તેમજ આ આઈસરચાલકના મોતના પગલે તેનો પરિવાર શોકમાં ગરકાવ થયો છે. પરિવારમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યું છે.