જામનગર સર્જાયો ત્રિપલ અકસ્માત: બે બાઇક અને કાર વચ્ચે ટક્કર થતાં 1 યુવાનનું મોત

Jamnagar Triple Accident: જામનગર નજીક ઠેબા ચોકડી પાસે ગઈકાલે શિવરાત્રીના તહેવારના દિવસે જ બપોરે 2.30 વાગ્યાના અરસામાં બે બાઈક અને કાર વચ્ચેના ટ્રિપલ અકસ્માતમાં (Jamnagar Triple Accident) એક નેપાળી યુવાનનો ભોગ લેવાયો છે. જ્યારે અન્ય એક નેપાળી યુવાન તથા ખેડૂત યુવાન બે વ્યક્તિને ઈજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માત એટલો ભયંકર હતો, કે બે બાઈકની ટક્કર પછી મૃતક યુવાન ડિવાઈડર કુદાવીને સામેથી આવતી કાર સાથે ટકરાઈને મૃત્યુ પામ્યો હતો.

ટ્રિપલ અકસ્માત સર્જાયો
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે લાલપુર ચોકડી પાસે રહેતો અને મજૂરી કામ કરતો દીપક કરણભાઈ વિશ્વકર્મા નામનો 20 વર્ષનો નેપાળી યુવાન ગઈકાલે બપોરે 2.30 વાગ્યાના અરસામાં ઠેબા ચોકડી પાસેથી પોતાનું બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો.

જેની પાછળ ગૌતમ નામનો અન્ય એક નેપાળી યુવાન બેઠો હતો.જે બંને ઠેબા ચોકડીથી જામનગર તરફ આવી રહ્યા હતા, જે દરમિયાન તેઓ આગળ જઇ રહેલા એક બાઈકની સાથે પાછળથી ટકરાઈ ગયા હતા. જે અકસ્માત એટલો ભયંકર હતો, કે બાઈક ચાલક દીપક પોતાના વાહનનો કાબુ ગુમાવી બેઠો હતો, અને રોડનું ડીવાઇડર કુદાવીને સામેથી આવી રહેલી એક કાર સાથે ટકરાઈ ગયો હતો.

એક યુવકનું થયું મોત
જે ધડાકાભેર સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલક દીપક વિશ્વકર્માનું ગંભીર ઇજા થવાના કારણે અંતરિયાળ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલા ગૌરાંગ નામના અન્ય નેપાળી યુવાનને ઇજા થઈ હોવાથી સારવાર માટે જીજી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જ્યાં તેની સધન સારવાર ચાલી રહી છે.આ ઉપરાંત જામનગર તાલુકાના ચેલા ગામમાં રહેતા અને ખેતી કામ કરતાં હિતેશભાઈ પોપટભાઈ કણજારીયા (ઉંમર વર્ષ 45) કે જે પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન તેની પાછળ મૃતકનું બાઇક ટકરાયું હતું, અને પોતે પણ ઈજાગ્રસ્ત બન્યા હોવાથી ઇતિહાસમાં સારવાર હેઠળ છે.

આ ઘટનાની જાણ થતા પંચકોષી બી. ડિવિઝન પોલીસ ઘટના સ્થળે તેમજ જીજી હોસ્પિટલમાં દોડી ગઈ હતી, અને ખેડૂત યુવાન જીતેશ કણજારીયાની ફરિયાદના આધારે અકસ્માત સર્જીને મૃત્યુ પામનાર દીપક કરણભાઈ વિશ્વકર્મા સામે ગુનો નોંધ્યો છે.