ટ્રક ચાલકોની હડતાળથી પેટ્રોલ, ડીઝલ મળશે કે પડશે અછત…? પેટ્રોલિયમ એસોસિએશને ગુજરાત માટે કરી સ્પષ્ટતા

Hit And Run New Law Latest News: નવું વર્ષ શરૂ થતાની સાથે જ દેશના ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના સપ્લાય પર અસર થવા લાગી છે અને ઘણી જગ્યાએ પેટ્રોલ પંપ બંધ કરી દેવામાં આવ્યા છે. આ પ્રકારના સમાચાર વહેતા થયા છે તેમજ એવું કહેવામાં આવી રહ્યું છે કે જો ટ્રક ડ્રાઈવરોની હડતાળ ચાલુ રહેશે તો સંકટ વધી શકે છે. હિટ એન્ડ રન કેસ( Hit And Run New Law Latest News )માં કાયદાની નવી જોગવાઈઓના વિરોધમાં દેશભરના ટ્રક ડ્રાઈવરોએ વાહન ચલાવવાનો ઈન્કાર કરી દીધો છે. પરિણામે અનેક જગ્યાએ ટ્રકો સહિતનાં ભારે વાહનોના પૈડા થંભી ગયા છે. જેના કારણે પેટ્રોલ, ડીઝલ અને શાકભાજી જેવી આવશ્યક ચીજવસ્તુઓની અવરજવર પર અસર પડી રહી છે.જોકે હવે આ મામલે પેટ્રોલ ડીઝલ એસોસિએશનની સ્પષ્ટતા સામે આવી છે. જેમાં અમદાવાદ અને ગુજરાતમાં ઇંધણનો પૂરતો જથ્થો હોવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે શહેરીજનોને ઇંધણ બાબતે ચિંતા ન કરવા જણાવ્યું છે

‘હિટ એન્ડ રન’ શું છે?
એવો અકસ્માત કે જેમાં વાહનની ટક્કર માર્યા બાદ ડ્રાઈવર સ્થળ પરથી ભાગી જાય છે તેને ‘હિટ એન્ડ રન’ કેસ ગણવામાં આવે છે. હિટ એન્ડ રનના કેસમાં ઘણી વખત ઈજાગ્રસ્ત વ્યક્તિને સમયસર હોસ્પિટલમાં લઈ જવામાં આવે અથવા પ્રાથમિક સારવાર મળે તો તેને બચાવી શકાય છે. જૂના કાયદા મુજબ હિટ એન્ડ રન કેસમાં બે વર્ષની જેલની જોગવાઈ હતી અને જામીન પણ મળતા હતા.તો આ મામલે ગુજરાત સહિત દેશભરમાં ટ્રક ચાલકોની હળતાલ વચ્ચે પેટ્રોલ-ડીઝલની અછતની વાત વહેતી થઈ હતી.

રાજ્યમાં ઇંધણનો જથ્થો નહિ ખૂટે
ટ્રક ચાલકોની હડતાળહડતાળથી પેટ્રોલ-ડિઝલનું પરિવહન અટક્યું હોવાની વાત વહેતી થવા મામલે હવે પેટ્રોલ ડીઝલ એસોસિએશનની સ્પષ્ટતા સામે આવી છે. વિગતો મુજબ પેટ્રોલ-ડીઝલ એસોસિએશન પ્રમુખ અરવિંદ ઠક્કરે કહ્યું છે કે, અમદાવાદ અને ગુજરાતમાં ઇંધણનો પૂરતો જથ્થો છે. આ સાથે તેમને કહ્યું કે, હડતાળ વચ્ચે શહેર અને રાજ્યમાં ઇંધણનો જથ્થો નહિ ખૂટે જેથી શહેરીજનોને ઇંધણ બાબતે ચિંતા ન કરો.

શાકભાજીના ભાવ પર અસર
ટ્રક ચાલકોની હડતાળથી શાકભાજીના ભાવ પર અસર જોવા મળી રહી છે. હડતાળને કારણે શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. સાબરકાંઠાના હિંમતનગર માર્કેટ યાર્ડમાં ભારે અસર જોવા મળી રહી છે. હિંમતનગર માર્કેટ યાર્ડમાં શાકભાજીનો ભરાવો થયો છે અને શાકભાજીના ભાવ 60 ટકા ગગડ્યા છે. હડતાળને પગલે શાકભાજીની નિકાસ અટકી ગઈ છે. આ તરફ ભાવ ગગડતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે, ખેડૂતોએ કરેલો ખર્ચ પણ માથે પડી રહ્યો છે.

રાજકોટ ટ્રાન્સપોર્ટ એસો.સરકાર સમક્ષ માગ
રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા નવા અકસ્માત કાયદાને પરત ખેંચવાની સરકાર સમક્ષ માંગણી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ટ્રક ચાલકો નવા કાયદાને લઇને અસમંજસમાં છે. નવા કાયદાને લઈને ટ્રક ચાલકોને આગામી 5 તારીખે કાયદાની સમજૂતી આપવા મિટિંગ કરશે. ટ્રક ચાલકો નવા કાયદાને લઇને સજાની જોગવાઈથી ડરી ગયા છે. કાયદાના ડરના કારણે અનેક શહેરમાં ટ્રક ચાલકો હજુ કામ ઉપર આવ્યા નથી.નોંધનીય છે કે, તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા બ્રિટીશકાળના કાયદાઓ બદલીને નવા સંશોધિત કાયદા ભારતીય ન્યાય સંહિતા સ્વરૂપે રજૂ કર્યા છે. આ કાયદામાં વાહન અકસ્માતના ગુનામાં માલવાહક વાહનના ડ્રાઈવરને અકસ્માતના કિસ્સામાં 10 વર્ષ સુધીની જેલ તેમજ ફરીથી વાહનચાલકને લાઈસન્સ મળે જ નહીં તેવી જોગવાઈઓ છે. જેની સામે ટ્રકચાલકોમાં ઉગ્ર રોષ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *