રાજકોટની હોસ્પિટલના CCTV ફૂટેજ વેચનારા બે આરોપીની મહારાષ્ટ્રમાંથી કરી ધરપકડ, જાણો વિગતે

Rajkot Hospital CCTV viral: દેશમાં સુરક્ષિત રાજ્યોમાંના એક ગણાતા ગુજરાતમાં એક ચોંકાવનાવી ઘટના બની હતી. મેટરનીટી હોસ્પિટલોના મહિલા સારવાર અને તપાસના (Rajkot Hospital CCTV viral) વીડિયો હજારોના ભાવે ટેલીગ્રામ અને યુટ્યુબ પર વેચાય રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ વીડિયો રાજકોટની રૈયા સર્કલ પાસે આવેલી પાયલ મેટરનીટી હોમના હોવાનું તપાસમાં ખુલાસો થયો છે. જે બાદ અમદાવાદ સાઈબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તપાસ દરમિયાન મહારાષ્ટ્રમાંથી બે આરોપી ઝડપાયા હોવાનો ખુલાસો થઈ રહ્યો છે.ત્યારે આવો જાણીએ શું છે મામલો…

બે આરોપીઓની ધરપકડ કરી
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી પાસેથી મળેલી માહિતી અનુસાર, ટેલિગ્રામ ચેનલ પર મહિલાઓ સાથે થતી વર્તણૂકના CCTV ફૂટેજ જોવા માટે અલગ અલગ લોકોને લિંક મોકલવાના કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રના બે અલગ અલગ જિલ્લામાંથી બે આરોપીઓ પ્રજ્ઞેશ પાટીલ અને પ્રજ્વલ તેલીની ધરપકડ કરી છે સાથે સાથે એક આરોપીની ઉત્તરપ્રદેશથી અટકાયત કરી.

અગાઉ, આ બંને આરોપીઓ મહિલાઓના અશ્લીલ વીડિયો વેચીને આ જ રીતે પૈસા કમાતા હતા. આ સમગ્ર દિશામાં હજુ પણ તપાસ ચાલુ છે. આ બંને આરોપીઓને વધુ પૂછપરછ માટે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં લાવવામાં આવશે.

ફૂટેજ સોશિયલ મીડિયા પર વેચવામાં આવ્યા
વધુમાં સામે આવેલી વિગતો મુજબ, રાજકોટ હોસ્પિટલના CCTV ફૂટેજ જે આ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યા હતા તેની તપાસમાં પણ બહાર આવ્યું છે કે હોસ્પિટલના CCTV કેમેરાના આઈપી એડ્રેસના આધારે ફૂટેજ હેક કરવામાં આવ્યા હતા. બાદમાં, આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વેચવામાં આવ્યા હતા.

સીસીટીવી હેક થયા હોવાનું હોસ્પિટલનું રટણ
બીજી તરફ રાજકોટની હોસ્પિટલમાંથી સીસીટીવી આઇપીના આધારે હેક થયા હોવાની પણ સ્પષ્ટતા અમદાવાદ સાયબર ક્રાઇમ પાસેથી થઈ રહી છે. ટૂંક સમયમાં મહારાષ્ટ્રથી બન્ને આરોપીને લઈ અમદાવાદ સાઇબર ક્રાઇમ ગુજરાત પહોંચશે.