વિદ્યાધામમાં હવસલીલા: આટકોટની વિદ્યા સંકુલમાં ભાજપના બે આગેવાનોએ વિદ્યાર્થિનીને વારાફરતી પીંખી, જાણો સમગ્ર મામલો

Rajkot News: રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે આવેલા ડી.બી. પટેલ એજ્ટુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રતિક્ષા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ભાજપના આગેવાન અને કલર કામના કોન્ટ્રાક્ટરે પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે ટ્રસ્ટીને જાણ થતાં તેણે પણ વિદ્યાર્થિની(Rajkot News) પર દુષ્કર્મ આચર્યાની અરજી જિલ્લા પોલીસ વડા સમક્ષ થઈ છે. ત્યારે આ મામલે પોલીસે ભાજપના જ બે આગેવાનો સામે ગુનો નોંધતા ખળભળાટ મચી ગયો છે. તેમજ આ પ્રકરણમાં છાત્રાલયના સંચાલકે ઝેરી દવા ગટગટાવી લીધી હોવાનું પણ સામે આવ્યું છે.

ધમકી આપીને આચર્યું દુષ્કર્મ
રાજકોટના આટકોટ નજીક આવેલા ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જસદણના પાંચવડા ગામના ભાજપના આગેવાન મધુભાઈ ટાઢાણી અને ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ ભાજપના આગેવાન પરેશ રાદડિયાનું નામ આપ્યું છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, વિદ્યાર્થિનીએ પાંચ વર્ષ પહેલા ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટની પ્રતિક્ષા વિદ્યા સંકુલમાં એડમીશન લીધુ હતું અને ત્યારથી કન્યા છાત્રાલયમાં રહી અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થીનીને 2021માં ભાજપના આગેવાન અને કલર કામના કોન્ટ્રાક્ટર મધુભાઈ ટાઢાણી સાથે પરિચય થયો હતો. એ પછી આરોપીએ દબાણ કરીને અવાર નવાર છેડતી કરી હતી અને બદનામ કરવાની તથા પરિવારને જીવતા નહીં રહેવા દઉ તેવી ધમકી આપી વિદ્યાર્થિનીને ફસાવી હતી.

અવાર નવાર બંને શખ્સો દુષ્કર્મ આચરતા
પોલીસ ફરિયાદ મુજબ, જૂલાઈ 2023માં આરોપી મધુભાઈ ટાઢાણીએ કન્યા છાત્રાલયનો કલરકામનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો. કલરકામ કરવાના બહાને અવાર નવાર વિદ્યાર્થિનીના રૂમમાં જઈ તેની મરજી વિરુદ્ધ તેની સાથે શરીર સબંધ બાંધતો હતો. આ બનાવની ટ્રસ્ટી પરેશ રાદડિયાને જાણ થતાં ભાજપના આગેવાન સામે કાર્યવાહી કરવાના બદલે તેણે પણ વિદ્યાર્થિનીને પોતાની હવસનો શિકાર બનાવી બળાત્કાર ગુજાર્યો હતો.

છેલ્લા એક વર્ષથી ભાજપના બે આગેવાનોની શિકાર બનેલી વિદ્યાર્થિની પર અવાર નવાર બંને શખ્સો દુષ્કર્મ આચરતા હત. એટલું જ નહીં પરંતુ છેડતી પણ કરી ધમકી આપતા હતાં. મુંગામોઢે સહન કરતી વિદ્યાર્થીની એકદમ ડરી ગઈ હતી અને પરિવારજનોને આ બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ વડાને અરજી કરી રૂબરૂ રજૂઆત કરી હતી.

પોલીસે બન્ને આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી
આ ઘટના અંગે જિલ્લા પોલીસવડા સમક્ષ રજૂઆત થતાં અંતે આટકોટ પોલીસે ભાજપના આગેવાન મધુભાઈ ટાઢાણી અને પરેશ રાદડિયા સામે દુષ્કર્મ-છેડતી અને ધમકીની કલમો હેઠળ ગુનો નોંધી છે. આ બનાવની તપાસ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એન. રાઠોડને સોંપવામાં આવી છે. જાણવા મળ્યા પ્રમાણે આરોપી ટ્રસ્ટી પરેશ રાદડિયાના પત્ની પણ જિલ્લા પંચાયતના સભ્ય હોવાનું જાણવા મળ્યું છે.

કન્યા છાત્રાલયમાં રહેતી અને અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું શારીરિક શોષણ થતું હોવાની જિલ્લા પોલીસવડા સમક્ષ અરજી થયા બાદ સંસ્થામાં વર્ચસ્વની લડાઈના કારણે 72 વર્ષના સંચાલક અરજણભાઈ રામાણીએ ગઈકાલે જ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેઓ સારવાર હેઠળ છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.